કચ્છખબરડૉટકોમ, ભુજઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બેંગ્લોરના મહાદેવપુરા વિધાનસભા મત વિસ્તારમાં એક લાખથી વધુ બોગસ મતદારોના નામ સરનામાનો પર્દાફાશ કરીને દેશમાં સુવ્યવસ્થિત ઢબે ચાલી રહેલા વોટ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. રાહુલ ગાંધીના પર્દાફાશનો ચૂંટણી પંચ આજ દિવસ સુધી તાર્કિક પ્રત્યુત્તર આપી શક્યું નથી. રાહુલના પર્દાફાશના પગલે હરકતમાં આવેલી કચ્છ કોંગ્રેસે પણ કચ્છમાં મતદાર યાદીઓમાં ગોટાળા કરીને લાખો બોગસ મતદારોના નામ ઉમેરી દેવાયાં હોવાનો ગંભીર આરોપ કર્યો છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે આજે ભુજમાં મતદાર યાદીના કેટલાંક પુરાવા સાથે પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું કે કચ્છમાં અંદાજે એક લાખથી વધુ મતદારો એવા છે કે જેમના નામ બે જગ્યાએ નોંધાયેલાં હોવાનું જણાય છે.
મતદાર યાદી સુધારણાના નામે વહીવટી તંત્રના અધિકારીઓએ કચ્છમાં કાર્યરત ફેક્ટરીઓના પ્રબંધકોને તેમના એકમમાં કામ કરતાં પરપ્રાંતીય મજૂરોના નામ પણ નવા મતદારો તરીકે કચ્છની મતદાર યાદીમાં ચડાવી દીધા છે. અનેક એવા મતદારો છે કે જેમના નામ મુંબઈમાં પણ નોંધાયેલાં છે. ગાંધીધામના પટ્ટામાં અનેક એવા મતદારો છે કે જેમના નામ શહેરો અને તેમના વતનના ગામડાઓમાં એમ બબ્બે જગ્યાએ નોંધાયેલા છે. આ મતદારો વિધાનસભા, પંચાયતો અને પાલિકાઓની ચૂંટણીઓમાં મતદાન કરે છે.
સમાઘોઘાનો દાખલો ચોંકાવનારો છે
મુંદરા અને માંડવી વિધાનસભામાં અનેક પરપ્રાંતીય મજૂરોના નામ મતદાર તરીકે નોંધાયેલા છે. આ આંકડો અંદાજે પાંત્રીસ હજાર જેટલો હોવાનું જણાવતા હુંબલે મુંદરાના સમાઘોઘા ગામનો દાખલો આપતાં જણાવ્યું કે અહીં આવેલી જિન્દાલ કંપનીમાં કામ કરતાં પરપ્રાંતીય કર્મચારીઓ અને મજૂરોના નામ ફોર્મ ૬ના માધ્યમથી નવા મતદારો તરીકે ઉમેરી દેવાયાં છે. ચોપડા પર તેમની ઉંમર ૩૫, ૪૦ કે તેથી વધુ વર્ષની બોલે છે! હકીકતે પરપ્રાંતીય મજૂરોના નામ આ રીતે નવા મતદાર તરીકે જોડી જ ના શકાય. કારણ કે આ મજૂરોના તેમના રાજ્યમાં મતદાર તરીકે નામ નોંધાયેલાં છે.
તેમના નામ તેમના રાજ્યમાંથી કમી થાય ત્યારબાદ સ્થળાંતરિત મતદાર તરીકે જ સ્થાનિક નામ નોંધવામાં આવે તેવો નિયમ છે.
સમાઘોઘા ગ્રામ પંચાયતમાં તો સરપંચ ગ્રામજનોની ઈચ્છાથી નહીં પરંતુ કંપનીની ઈચ્છાથી નીમાય છે! પંચાયતની બૉડીમાં ચાર પ્રતિનિધિઓ એવા છે કે જેઓ પરપ્રાંતીય છે!
ગામડાં અને શહેરોમાં પણ બેવડાયેલાં મતદારો
માધાપર વર્ધમાનનગર ગ્રામ પંચાયતમાં નોંધાયેલા અનેક મતદારો ભુજ નગરપાલિકાના મતદારો તરીકે પણ નોંધાયેલા છે. એ જ રીતે, ગાંધીધામના ગળપાદર ગામમાં બીએસએફના ૧૧૦૦ જેટલા જવાનોના નામ મતદાર તરીકે નોંધાયેલાં છે. આમાંના મોટાભાગના જવાનો વર્ષો અગાઉ બદલી પામીને અન્યત્ર જતા રહ્યાં છે પરંતુ મતદાર યાદીમાંથી તેમના નામ કમી થતાં જ નથી. આવી જ હાલત રેલવે કર્મચારીઓ હોય તેવા મતદારોના નામની નોંધણીની છે.
વસતિની તુલનાએ મતદારોનું પ્રમાણ સંદેહજનક
હુંબલે ઉમેર્યું કે કાયદાની જોગવાઈ મુજબ કુલ વસતિની તુલનાએ મતદારોની સંખ્યા ૬૨ ટકાથી વધુ ના હોવી જોઈએ. પરંતુ, કચ્છમાં ૨૩.૬૩ લાખની વસતિ સામે કુલ નોંધાયેલા મતદારોનું પ્રમાણ ૭૦ ટકા જેટલું છે. આ પ્રમાણ જોતાં કચ્છમાં લાખોની સંખ્યામાં બોગસ અને બેવડા મતદારો નોંધાયા હોય તેમ જણાય છે. આ બધાની તપાસ જરૂરી છે. કોંગ્રેસ દ્વારા આ મામલે ચૂંટણી પંચ અને સ્થાનિક વહીવટી તંત્ર સમક્ષ તપાસ કરવા માટે રજૂઆત કરવામાં આવશે. રાહુલ ગાંધીના એક વ્યક્તિ એક વોટના અભિયાનને સમર્થન આપવા કોંગ્રેસ દ્વારા મશાલ રેલી સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
સૌથી છેલ્લે પાયાનો સવાલ એ ઉઠે છે કે શા માટે ચૂંટણી પંચ આધાર કાર્ડ કે બેન્ક ખાતાઓની જેમ વોટર આઈડી કાર્ડની સમગ્ર વ્યવસ્થા ઓનલાઈન ડિજીટાઈઝ કરતું નથી? પંચની દાનતમાં શું ખોટ છે? લોકશાહી શાસન વ્યવસ્થામાં સંપૂર્ણ પારદર્શક્તા જળવાય તે અનિવાર્ય છે.
Share it on
|