કચ્છખબરડૉટકોમ, ભુજ (ઉમેશ પરમાર) હિન્દી ફિલ્મોનો ચવાઈ ગયેલો ડાયલૉગ ‘કાનૂન કે હાથ બહુત લંબે હૈ’ વધુ એકવાર એક વૃધ્ધ દંપતીના જીવનમાં યથાર્થ સાબિત થયો છે. ૯ વર્ષ અગાઉ ૨૦૧૬માં માંડવીમાં દાખલ થયેલા જમીનના ફ્રોડ ફોર્જરીના ગુનામાં ૬૮ વર્ષની મહિલા અને ૭૫ વર્ષના પુરુષ અત્યારસુધી પોલીસની મહેરબાનીથી બચતાં તો રહ્યાં પરંતુ કૉર્ટે કાયદો આગળ ધરીને કશું રક્ષણ આપવાનો ઈન્કાર કરી દીધો છે. મૃત માણસના નામે જમીન પચાવવાનો પ્રયાસ થયેલો
ઘટના છે ૨૦૧૬ની. માંડવી પોલીસ મથકે નજીકના દુર્ગાપુર ગામના કસ્તૂરબેન લિંબાણી અને તેમના પતિ કાનજીભાઈ હંસરાજ લિંબાણી, માયાભાઈ દેવજી મહેશ્વરી, ગોવિંદ મહેશ્વરી સહિતના છ આરોપીઓ સામે બોગસ દસ્તાવેજોથી મૃત વ્યક્તિને જીવિત દર્શાવી, તેના નામના પાવર ઑફ એટર્ની મારફતે સોનાની લગડી જેવી કિંમતી જમીન પોતાના નામે વેચાણ દસ્તાવેજ બનાવી, સરકારી ચોપડે તેની નોંધ પ્રમાણિત કરાવવા પ્રયાસ કરવા સબબ ગુનો નોંધાયો હતો.
ગોવિંદ મહેશ્વરીએ સર્વે નંબર ૪૮૪ની જમીનના મૂળ મૃત માલિક આમદ લુહારને જીવિત દર્શાવીને બોગસ દસ્તાવેજ બનાવેલાં, તેમાં માયા મહેશ્વરીએ સહીઓ કરેલી અને કાનજીભાઈ લિંબાણીએ પત્ની કસ્તૂરબેનના નામે જમીન ખરીદેલી.
બાદમાં પત્નીના નામે આ જમીનનું પોતાની ફેવરમાં પાવરનામું બનાવીને પતિ કાનજીએ જમીનની વેચસાટ કરવા સબ રજિસ્ટ્રાર કચેરીમાં પ્રયાસ કરેલો.
સબ રજિસ્ટ્રારને કંઈક ખોટું થયાની ગંધ આવી જતા તેમણે જમીનના મૂળ માલિક સહિતના લોકોને નોટિસ મોકલી હતી.
પોતે ખોટું કર્યું છે તે પકડાઈ જશે તેવી શક્યતા જણાતાં કાનજીભાઈએ સબ રજિસ્ટ્રારને વેચાણ દસ્તાવેજ રદ્દ કરવા અરજી કરેલી. પરંતુ, સરકારી ચોપડે બોગસ દસ્તાવેજો રજૂ કરાઈને મૃત વ્યક્તિની જમીન હડપ કરી લેવાઈ હોઈ ફોજદારી ફરિયાદ નોંધાઈ હતી.
હાઈકૉર્ટે અરજી ફગાવી પરંતુ પોલીસ જાગતી નથી
આ ગુનામાં આરોપીઓએ ગુજરાત હાઈકૉર્ટમાં ફરિયાદ રદ્દબાતલ ઠેરવવા અરજી કરેલી. જો કે, વડી અદાલતે તેમાં લાગેલી એટ્રોસીટીની કલમને રદ્દ ઠેરવવા પૂરતી આંશિક રાહત આપીને ગુનામાં લાગેલી ઈપીકો કલમ ૧૨૦ (૨), ૪૬૫, ૪૬૭ અને ૪૭૧ હેઠળ કેસ ચલાવવા હુકમ કર્યો હતો.
હાઈકૉર્ટના હુકમ બાદ પોતાની ધરપકડ થવાની દહેશત સાથે દુર્ગાપુરના લિંબાણી દંપતીએ ભુજ સેશન્સ કૉર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરેલી.
આરોપી યુગલની ગુનામાં રહેલી સક્રિય સંડોવણી, પ્રથમદર્શનીય રીતે વર્તાઈ આવતી ભૂમિકા વગેરે પરિબળોને અનુલક્ષીને કૉર્ટે અરજી ફગાવી દીધી છે. મદદનીશ સરકારી વકીલ એસ.એ. મહેશ્વરીની દલીલો અને પ્રથમદર્શનીય પુરાવાના આધારે આઠમા અધિક સેશન્સ જજ તુષાર ખંધડીયાએ આ અરજી ફગાવી દીધી છે.
ગાંધીબાપુની શરમ રાખી પોલીસ હજુ પણ સમય આપશે?
જમીન કૌભાંડમાં સંડોવાયેલા આરોપી યુગલની નવ નવ વર્ષ સુધી ધરપકડ ના થાય તેવી મહેરબાની પોલીસે શા માટે કરી હશે તે ચિંતા અને ચિંતનનો વિષય છે. પોલીસ હજુ પણ યુગલની ધરપકડ કરશે કે પછી ‘ગાંધીબાપુ છાપ કાગળોને માન આપીને’ હાઈકૉર્ટમાંથી આગોતરા મેળવવા માટે વધુ સમય આપશે તે જોવું રહ્યું.
Share it on
|