કચ્છખબરડૉટકોમ, ભુજઃ સોશિયલ મીડિયા પર એકના ડબલ કરવાની લાલચ આપીને દેશભરના લોકોની ઠગાઈ કરતી ભુજની ઠગ ત્રિપુટીએ મધ્યપ્રદેશના યુવક જોડે ૯૫ હજારની ઠગાઈ કરી છે. બીજી તરફ, મુંદરા પોલીસે નકલી ગોલ્ડ અને એકના ડબલની લાલચ આપી ઠગાઈ કરવાનો પ્રયાસ કરતા ભુજના ૬૪ વર્ષિય શખ્સને રંગેહાથ ઝડપી પાડ્યો છે. મધ્યપ્રદેશના બડવાનીમાં રહેતો ૨૫ વર્ષિય શ્રેયાંશ જૈન નામનો યુવક મોબાઈલ એસેસરીઝની દુકાન ચલાવે છે. ચારેક માસ અગાઉ ભુજની ઠગ ટોળકીએ તેને ટાર્ગેટ કરેલો. આર્યન જૈન નામની ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી તેને એકના ડબલ રૂપિયા મળવાની લાલચ આપેલી. લલચાયેલો શ્રેયાંશ ગઈકાલે સવારે ટ્રેનથી ભુજ આવેલો.
આ ટોળકીએ તેને ભુજ બસ સ્ટેશન પાસે બોલાવેલો બાદમાં નંબર વગરની સફેદ બલેનો કારમાં તેને બેસાડીને ત્રિમંદિર વિસ્તારમાં લઈ ગઈ હતી.
અહીં તેની પાસેથી ૯૫ હજાર રૂપિયા લઈ લીધા હતા અને હિલ ગાર્ડન નજીક ખુલ્લાં મેદાન પાસે તેને લઈ ગયેલાં. ત્યારબાદ રૂપિયાની ગડ્ડીઓ કારની ડીકીમાં પડી હોવાનું કહી ડીકી ખોલીને લઈ લેવા જણાવેલું.
શ્રેયાંશ જેવો કારમાંથી નીચે ઉતરી ડીકી ખોલવા ગયો કે આરોપીઓ તુરંત પૂરઝડપે કાર હંકારીને નાસી છૂટેલાં.
કાર સાથે ઘસડવાથી તેને હાથ પગે ઉઝરડાં થયા હતા. જી.કે. જનરલમાં પ્રાથમિક સારવાર કરાવ્યા બાદ શ્રેયાંશ લોકલ ક્રાઈમ બ્રાન્ચની કચેરીએ ગયો હતો.
પોલીસે તેને એકના ડબલ કરી આપતી ગેંગના આરોપીઓના ફોટો બતાડતાં તે ત્રણે આરોપીઓને ઓળખી ગયો હતો.
આરોપીઓની ઓળખ થયા બાદ શ્રેયાંશે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે સાહિલ રમજુભાઈ સમેજા (કેમ્પ એરિયા, ભુજ), કરીમ ઈબ્રાહિમ ત્રાયા (સીતારા ચોક, ભુજ) અને આમદશા કરીમશા શેખડાડા (આલાવારા કબ્રસ્તાન પાછળ) વિરુધ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.
મુંદરામાં ઠગાઈના પ્રયાસમાં ભુજનો શખ્સ ઝડપાયો
મુંદરા પોલીસે લોકો સાથે ઠગાઈના હેતુથી નકલી ગોલ્ડ બિસ્કીટ અને રૂપિયાની ગડ્ડીઓના ફોટો તથા વીડિયો બનાવીને, સોશિયલ મીડિયા પર અપલોડ કરનારા ભુજના ૬૪ વર્ષિય ઈલિયાસ દાદા બાવા (રહે. કોટવાલ શેરી, લખુરાઈ ચાર રસ્તા પાસે, ભુજ)ની ધરપકડ કરી છે.
ઈલિયાસ મુંદરાના સાડાઉ પાસે માલધારી હોટેલ પાછળ એક નિર્જન મકાન પાસે નકલી બિસ્કીટ અને નોટોના ફોટો વીડિયો રેકોર્ડ કરતો હોવાની બાતમીના આધારે પોલીસે તેને બે મોબાઈલ સાથે એક્ટિવા પર બેસેલી હાલતમાં રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
આરોપીએ સલીમભાઈ નામની આઈડી પરથી ઈન્સ્ટાગ્રામના ડીપીમાં નકલી ગોલ્ડ બિસ્કીટનો ફોટો મુક્યો હોવાનું તથા સલીમ ખાન નામથી વોટસએપ પર જુદા જુદા નંબરો પર સોનાના બિસ્કીટના ફોટો વીડિયો ફોરવર્ડ કર્યાં હોવાનું પણ સ્પષ્ટ થયું છે. તેની વિરુધ્ધ ઠગાઈના હેતુથી સોશિયલ મીડિયા પર નકલી ગોલ્ડ બિસ્કીટ અને નકલી ચલણી નોટોના ભ્રામક ફોટો વીડિયો પોસ્ટ કરવા બદલ ગુનો નોંધ્યો છે.
Share it on
|