કચ્છખબરડૉટકોમ, ભુજઃ અંદાજે અઢી વર્ષ અગાઉ ૨૮-૧૦-૨૦૨૨ની રાત્રે સાડા દસના અરસામાં અબડાસાના વાગોઠ ગામે છરી વડે બે સગાં ભાઈની ઘાતકી હત્યા કરવાના કેસમાં એક જ પરિવારના તમામ પાંચ આરોપીને સેશન્સ કૉર્ટે યોગ્ય પૂરાવાના અભાવે નિર્દોષ છોડી મૂક્યાં છે. સમગ્ર કેસની તપાસમાં બહાર આવેલા છબરડાં અને સરકારી વકીલની ભૂમિકા મુદ્દે કૉર્ટે ગંભીર અવલોકનો વ્યક્ત કરીને બેઉની સામે તપાસ કરીને યોગ્ય પગલાં લેવા રાજ્યના ગૃહ વિભાગ સહિતના સંબંધિત તંત્રોને અનુરોધ કરતાં ચકચાર મચી ગઈ છે. બે સગાં ભાઈને છરીથી રહેંસી નખાયેલાં
૨૮-૧૦-૨૦૨૨ની રાત્રે વાગોઠના કોલીવાસમાં રહેતા વિનોદ શાંતિલાલ કોલી (૨૯) અને તેના નાના ભાઈ કાનજી શાંતિલાલ કોલી (૨૭)ને તેમના ફળિયામાં રહેતા ઉમરશી ડાડા કોલી, ભરત ઉમરશી કોલી, રાજેશ ઉમરશી કોલી, લક્ષ્મીબેન ઉમરશી કોલી અને વિજય અચાર કોલીએ છરીના ઘા ઝીંકી ઘરના આંગણાંમાં જ ઢીમ ઢાળી દીધા હતાં. મરણ જનાર વિનોદને ભરતની બહેન સાથે અનૈતિક સંબંધો હોવાના મામલે પાંચે જણે ગેરકાયદે મંડળી બનાવીને બંને ભાઈઓ પર હુમલો કરી તેમની હત્યા કરી નાખી હોવાનો વાયોર પોલીસે ગુનો નોંધ્યો હતો.
ક્રાઈમ સ્પોટ પંચનામા અંગે IOએ હરફ ના ઉચ્ચાર્યો
આ કેસમાં ફરિયાદ પક્ષે ૩૨ સાક્ષી અને ૪૭ દસ્તાવેજી આધાર રજૂ કર્યાં હતાં. બચાવ પક્ષે ઘટનાસ્થળની બાજુમાં જ પોલીસ ચોકી આવેલી હોવા છતાં ફરિયાદ દાખલ કરવામાં વિલંબ થયો હોવાનું, રાત્રિના અંધકાર વચ્ચે લાઈટ વગર ક્રાઈમ સ્પોટ પર પંચનામું થયું હોવા સહિતના મુદ્દે વાંધો ઉઠાવેલો. કૉર્ટે તપાસ કરનાર પો.સ.ઈ. વિનોદ ગેમરભાઈ ચૌધરીને પંચનામા મુદ્દે ઉઠેલાં સવાલો અંગે પૃચ્છા કરી ત્યારે તેમણે ખુલાસામાં એક હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો નહોતો. સરકારી વકીલે પણ તે અંગે કોઈ પરવા કરી નહતી.
પોલીસે મજૂર ગણાવેલાં તે મોટાભાગના સાક્ષી GRD હતા!
કૉર્ટમાં પોલીસે રજૂ કરેલાં ૮૦ ટકા પંચ સાહેદો ગ્રામ રક્ષક દળ (GRD)ના જવાનો હોવા છતાં તેમના વ્યવસાયમાં મજૂરીકામ લખાયું હોવાનો મુદ્દો બચાવ પક્ષે ઉઠાવ્યો હતો. કૉર્ટે આ મુદ્દે સરકારી વકીલનો ખુલાસો માંગતા તેમણે તપાસની ખામી ગણાવેલી.
હત્યા બાદ તરત બેની ધરપકડ છતાં ગંભીર છબરડો
આરોપી ભરત અને તેના ભાઈની હત્યાની રાત્રે જ પોલીસે ધરપકડ કરી લીધેલી પરંતુ તેમનું અરેસ્ટ પંચનામું ૩૦ ઓક્ટોબરે તૈયાર કર્યું હતું. બનાવના ત્રણ દિવસ બાદ પણ આરોપીઓએ લોહીવાળાં કપડાં પહેરી રાખ્યાં હોવા મુદ્દે બચાવ પક્ષે સંદેહ દર્શાવતાં કૉર્ટે સરકારી વકીલનો ખુલાસો માગ્યો હતો. સરકારી વકીલે ખુલાસો આપતાં જણાવેલું કે બેઉ ભાઈઓની ધરપકડ કરવામાં આવી ત્યારે ફરિયાદ દાખલ થઈ નહોતી. તેથી અરેસ્ટ પંચનામું તૈયાર શકે તેમ નહોતું. આરોપીઓ ફક્ત નિરીક્ષણ હેઠળ હોવાનું જણાવી વકીલે તેને તપાસની ખામી ગણાવેલી.
કેટલાંક સાક્ષીને હોસ્ટાઈલ જાહેર ના કરાયાં
કેસમાં મોટાભાગના સાક્ષીઓ તેમની જુબાનીમાંથી ફરી (હોસ્ટાઈલ) ગયાં હતા. કેટલાંક સાક્ષીઓએ ફરિયાદ પક્ષની જુબાનીને સમર્થન આપેલું પરંતુ બચાવ પક્ષની ઉલટ તપાસ વખતે તેમણે બચાવ પક્ષની વાતને સમર્થન આપેલું. જો કે તેમ છતાં સરકારી વકીલે આ સાક્ષીઓને હોસ્ટાઈલ જાહેર કરવાની પરવા લીધી નહોતી.
આ પૂરાવાના હ્રાસનો કેસ છેઃ કૉર્ટ
આઠમા અધિક સેશન્સ જજ શિલ્પાબેન એમ. કાનાબારે આરોપીઓને છોડી મૂકતાં ચુકાદામાં જણાવ્યું કે દુઃખ સાથે જાહેર કરવું પડે છે કે ફરિયાદ પક્ષ ગુનાની તપાસ યોગ્ય રીતે કરવામાં સંપૂર્ણ નિષ્ફળ રહ્યો છે. કેસના ફરિયાદી અને મૃતકોની માતા માનબાઈ કોલી, મૃતક વિનોદની પત્ની રામીબેન અને મૃતક કાનજીની પત્ની રમીલાબેન ગુનાને નજરે જોનાર સાક્ષી હતા. તેમની સાક્ષીને સમર્થન આપતાં સાક્ષી પૂરાવાનો ક્ષય થતો અટકાવવામાં તે નિષ્ફળ રહ્યા છે. આ કેસ પૂરાવા વિનાનો નહીં પરંતુ અગમ્ય કારણોસર થયેલાં પૂરાવાના હ્રાસનો કેસ છે (This is not the case of no evidence but spoiling of evidence under what so ever reasons)
IOની સ્પષ્ટ અને સંપૂર્ણ બેદરકારીનો કેસ છે
આ કેસ તપાસકર્તા અમલદારની સ્પષ્ટ અને સંપૂર્ણ બેદરકારીનો કેસ હોવાનું જણાવતાં કૉર્ટે કહ્યું કે ભરત અને તેનો ભાઈ ઘટનાની રાત્રે જ ઘટનાસ્થળેથી અરેસ્ટ થયેલાં તો ૩૦ તારીખે અરેસ્ટ પંચનામું કેમ બનાવાયું તે ગળે ઉતરતું નથી. જો ભરત ઘટના બાદ તત્કાળ પોલીસના કબજામાં આવી ગયેલો તો પોલીસે રજૂ કરેલા ડિસ્કવરી અને રીકવરી પંચનામા પણ સંદેહ સર્જે છે.
પોલીસે કોઈ સ્વતંત્ર પંચ સાહેદ રજૂ નથી કર્યાં અને એંસી ટકા પંચ સાહેદો GRDના જવાનો છે જે ઈન્વેસ્ટીગેશન ઑફિસરના તાબાના (સબઓર્ડિનેટ) ગણાય અને તેમના પોલીસ સ્ટેશનમાંથી વેતન મેળવે છે.
કેસની જે રીતે તપાસ થઈ છે તે ખૂબ આઘાતજનક છે. રહેણાંક વિસ્તારમાં ડબલ મર્ડરનો કેસ હોવા છતાં તપાસકર્તા અમલદાર કાં તો યોગ્ય રીતે તપાસ કરવામાં નિષ્ફળ રહ્યા છે અથવા કોઈ ચોક્કસ હેતુસર તપાસમાં બેદરકારી દાખવી છે.
પીપી જવાબદારી નીભાવવામાં નિષ્ફળ ગયાં છેઃ કૉર્ટ
પોલીસ અમલદાર સાથે સરકારી વકીલની પણ ટીકા કરતાં કૉર્ટે ચુકાદામાં જણાવ્યું કે સરકારી વકીલે જે રીતે ટ્રાયલ ચલાવી તેનાથી કૉર્ટને આઘાત લાગ્યો છે. ફરિયાદી અને આઈ વીટનેસ માનબાઈ તેમના વકીલ સાથે ટ્રાયલના અંત સમયે જ્યારે મોટાભાગના સાક્ષીઓ હોસ્ટાઈલ થઈ ગયેલાં તે વખતે કૉર્ટમાં હાજર થયેલાં. આ પરિસ્થિતિમાં કેવી ‘લીગલ પોઝીશન’ લેવી જોઈએ તે અંગે સરકારી વકીલ કંઈ જાણતા જ નહોતા અથવા ભેદી સંજોગોમાં તેમણે ઈરાદાપૂર્વક આ બાબતની અવગણના કરેલી. સરકારી વકીલ તેમની જવાબદારી નીભાવવામાં નિષ્ફળ ગયાં છે તેવું કૉર્ટ માને છે.
...એટલે કૉર્ટે કોઈ સક્રિય ભૂમિકા ના ભજવી
હતભાગી ભાઈઓની હત્યાને નજરે નિહાળનાર આઈ વીટનેસ એવી માતા અને તેમની પત્નીઓની જુબાની સપોર્ટીવ ગણાવી કૉર્ટે જણાવ્યું કે તેનાથી કેસ શંકાથી પર સાબિત થતો નથી. જજે જણાવ્યું કે લગભગ ૨૪ સાક્ષીઓની તપાસ થયાં બાદ કેસ જ્યારે તેમની પાસે આવ્યો ત્યારે લગભગ પતી ગયેલી હાલત (vanish condition)માં આવ્યો હતો. અગાઉની કૉર્ટે ઉલટ તપાસમાં ફરી ગયેલાં સાક્ષીઓ મુદ્દે કશી કાળજી લીધી નહોતી. જજે ઉમેર્યું કે કેસમાં સક્રિય કાયદાકીય સહભાગી બનવા જતાં વકીલોનો વિરોધ જોવા મળે છે અને ઘણીવાર ખુલાસો સાંભળવાની તક આપ્યા વગર ઉચ્ચ સ્તરેથી ઠપકો સાંભળવો પડ્યો છે. તેથી IO દ્વારા પૂરાવાની પેશી વખતે કૉર્ટે કોઈ સક્રિય ભૂમિકા ભજવી નથી.
IO અને PP સામે તપાસ કરી યોગ્ય પગલાં લેવા વિનંતી
આવા ગંભીર ગુનાની તપાસમાં વકીલ સાથે આ પ્રકારની બેદરકારી દાખવવા બદલ કૉર્ટ બેઉ સામે તપાસ કરી યોગ્ય પગલાં ભરવા ગૃહ વિભાગને અનુરોધ કરે છે. ચુકાદાની નકલ ગૃહ વિભાગ, રાજ્ય પોલીસ વડા, ભુજના એસપી, ડાયરેક્ટર ઑફ પ્રોસિક્યુશન વગેરેને મોકલી આપવા જણાવાયું છે. કેસમાં ફરિયાદ પક્ષ તરફે સરકારી વકીલ સુરેશ એ. મહેશ્વરી અને મૂળ ફરિયાદીના વકીલ બાબુલાલ ગોરડીયા તથા બચાવ પક્ષે એડવોકેટ ડી.વી. ગઢવી અને વાય.વી. વોરાએ પેરવી કરી હતી.
Share it on
|