click here to go to advertiser's link
Visitors :  
25-Apr-2025, Friday
Home -> Bhuj -> Unknown Sadhu and his aide booked for cheating of Rs 2.74 Lakh in Nakhtrana
Monday, 30-Sep-2024 - Nakhtrana 41627 views
વિધિના બહાને સાધુએ નિઃસંતાન યુગલના રોકડાં ૨ લાખ અને ૭૪ હજારના ઘરેણાં હજમ કર્યાં
કચ્છખબરડૉટકોમ, નખત્રાણાઃ નખત્રાણા તાલુકાના લાખિયાવીરા ગામે અજાણ્યા સાધુએ તેના બે સાગરીતો સાથે મળીને ધાર્મિક વિધિ કરવાના બહાને ૭૪ હજાર ૭૦૦ની કિંમતના ઘરેણાં અને પાછળથી ઉછીના બે લાખ રૂપિયા મેળવીને નિઃસંતાન યુગલ સાથે છેતરપિંડી કરી છે. દંપતીએ ત્રણ લોકો સામે કાવતરું રચી છેતરપિંડી કરવા બદલ નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ૫૩ વર્ષિય વિમળાબેન લધારામ સથવારાએ પોલીસને જણાવ્યું કે ૧૫ સપ્ટેમ્બરે તેમના ઘેર એક અજાણ્યો સાધુ આવેલો. તે સમયે પતિ અને અન્ય સંબંધી હાજર હતાં.

સાધુએ આવીને ‘કિતને બચ્ચેં હૈ?’ તેવું પૂછતાં દંપતીએ પોતે નિઃસંતાન હોવાનું જણાવેલું. સાધુએ તમારી પરિસ્થિતિ નબળી છે, રોજ ખેતરમાં બે અગરબત્તી કરજો અને બીજના દિવસે નાળિયેર ફોડીને અગરબત્તી કરજો તેમ કહીને વિમળાબેનને પોતાની ધર્મની બહેન બનાવીને સામેથી વીસ રૂપિયા આપીને કહેલું કે ‘આજથી તારા ઘરની પરિસ્થિતિ સારી થઈ જશે અને તને બાળક થશે’

સાધુએ રૂપિયા ટકાની જરૂર હોય તો મદદ કરવાની પણ તૈયારી દર્શાવેલી. સાધુની દાતારી જોઈને દંપતી ગદગદ્ થઈ ગયેલું અને શાલ ઓઢાડી તેનું સન્માન કરેલું. ત્યારબાદ એકાદ કલાક વાતચીત કરીને વિમળાબેનના પતિનો ફોન નંબર લઈને સાધુ રવાના થઈ ગયેલો.

પાંચ દિવસ બાદ ૨૦ સપ્ટેમ્બરે સાધુએ ફરિયાદી મહિલાના પતિ લધારામને ફોન કરીને ઘરમાં હોય તેટલાં તમામ દર-દાગીના એક કાળાં કપડાંનું પોટલું બનાવીને તેમાં રાખવા તથા સાથે લિંબુ, લીલાં મરચાં, સોપારી વગેરે મૂકીને ઘરના માતાજીના મંદિરમાં મૂકીને રોજ પૂજા કરવા કહેલું. સાધુના કહ્યાં મુજબ દંપતીએ તમામ દાગીના કાળાં પોટલાંમાં રાખીને મંદિરમાં મૂકેલાં.

૨૩ સપ્ટેમ્બરના રોજ સાધુએ આ પોટલાંની વિધિ કરવાની છે તેમ કહીને દંપતીને પોટલાં સાથે કોટડા જડોદર ત્રણ રસ્તે બોલાવ્યું હતું. દંપતીને રાત્રે નવેક વાગ્યાના અરસામાં સાધુ ત્યાંથી એકાદ કિલોમીટર બાવળની ઝાડીમાં લઈ ગયો હતો અને કહેવાતી વિધિ કરેલી.

તે સમયે સાધુના અન્ય બે સાગરીતો પણ સ્થળ પર પહેલાંથી હાજર હતાં. વિધિ કર્યાં બાદ સાધુએ એક લોખંડની પેટીમાં કાળું પોટલું મૂકીને તે પેટી દંપતીને પરત આપી પોતે કહે ત્યારે જ ખોલવા કહેલું. દંપતી પેટી લઈને ઘરે પરત ફરેલું અને પેટીને માતાજીના મંદિરમાં મૂકીને પૂજા કરવા માંડેલું. બીજા દિવસે સાધુએ એક દરબારનો છોકરો બીમાર છે તેને બે લાખ રૂપિયાની જરૂર છે તેમ કહીને ગમે તે રીતે નાણાંની વ્યવસ્થા કરવા ફરિયાદીના પતિને વાત કરેલી.

ફરિયાદીના પતિએ તેમના મિત્ર અને સંબંધી પાસેથી ઉછીના બે લાખ રૂપિયા લઈને સાધુના કહ્યા મુજબ ૨૬ સપ્ટેમ્બરના રોજ સંતકૃપા ત્રણ રસ્તા પર આપ્યાં હતાં. ત્યારબાદ પણ સાધુ સતત નાણાંની માંગણી કરતાં ફોન કરતો હોઈ દંપતીને શંકા ગયેલી.

તેમણે લોખંડની પેટી ખોલીને જોતાં તેમાં રહેલાં તમામ દાગીના ગાયબ થઈ ગયાં હોવાનું માલૂમ પડેલું. બનાવ અંગે નખત્રાણા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
મુંદરા પોલીસે જાળ બીછાવી બે રાજસ્થાની ડ્રગ્ઝ પૅડલરને ૩૭ લાખના કોકેઈન સાથે ઝડપ્યા