કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજમાં ફક્ત ૧૦૦ રુપિયા ખાતર અજાણ્યા શખ્સે નેપાળી યુવકને છરીના આડેધડ ઘા મારી ગંભીર રીતે ઘાયલ કર્યો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. ગુરુવારે રાત્રે ૧૧ વાગ્યે શહેરના બસ સ્ટેશન ખાતે સરાજાહેર હુમલાનો બનાવ બન્યો હતો. ઈજા પામનાર ૪૫ વર્ષિય યુવક કમલ મહેરસિંગ ભુલે પોલીસને જણાવ્યું કે તે ચાઈનીઝ અને પંજાબી વાનગીઓનો રસોયો છે અને પંદરેક દિવસ અગાઉ નેપાળથી ગાંધીધામ આવેલો. તેનો પુત્ર અને ભાઈઓ કચ્છમાં વિવિધ હોટેલમાં નોકરી કરે છે. એક પરિચિતે તેને નલિયા કોઠારા હાઈવે પર આવેલી હોટેલમાં માણસની જરૂર હોવાનું જણાવતાં ગુરુવારે સાંજે ગાંધીધામથી ટ્રેનમાં બેસીને રાત્રે દસ વાગ્યે તે ભુજ ઉતર્યો હતો. અહીંથી પગપાળા ચાલતો ચાલતો તે ભીડ નાકા પાસે પહોંચ્યો હતો અને પાણી પુરી આરોગી તેને બસ્સો રૂપિયાની નોટ આપી હતી.
નાણાંની લેતી-દેતી પર કેસરી લાલ રંગનો શર્ટ પહરેલો અજાણ્યો યુવક જોઈ રહ્યો હતો. ત્યારબાદ તે ચાલતો ચાલતો ભુજ બસ સ્ટેશન આવેલો ત્યારે તે યુવક પણ તેનો પગપાળા પીછો કરતો હતો.
ભુજ બસ સ્ટેશનમાં આ અજાણ્યા યુવકે તેની પાસે ૧૦૦ રુપિયા માગેલા પરંતુ કમલે નાણાં આપવા ઈન્કાર કરતાં અજાણ્યો યુવક ઉશ્કેરાઈને તેના પર છરી વડે તૂટી પડેલો. અજાણ્યા શખ્સે તેના ખભા, કોણી, માથા અને પંજા પર છરીના આડેધડ ઘા મારતાં તે લોહીલુહાણ થઈ નીચે ફસડાઈ પડીને બેહોશ થઈ ગયેલો. ઘટનાના પગલે જાગૃત લોકોએ એમ્બ્યુલન્સ મારફતે કમલને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ઉલ્લેખનીય છે લોહીલુહાણ થઈને નીચે પડેલાં યુવકની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે. ભુજ એ ડિવિઝન પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટના પશ્ચિમ કચ્છમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો સંકેત આપી રહી છે.
ગોધરામાં બંગાળી મજૂરી ગાંજા સાથે ઝડપાયો
માંડવી પોલીસે ગોધરા ગામે આવેલી જૂની જૈન કન્યા છાત્રાલયની ઓરડીમાં રોકાયેલાં બંગાળી મજૂર પાસેથી ૫૫.૬૫ ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. ગામમાં જૈન સમાજના ચાલી રહેલાં ધાર્મિક ઉત્સવ દરમિયાન કેટરીંગની મજૂરી અર્થે તપન ચક્રવર્તી (ઉ.વ. ૫૭, રહે. હાલ સુરત, મૂળ રહે. બંગાળ) શુક્રવારે ગોધરા આવ્યો હતો અને તેને છાત્રાયલયની એક ઓરડીમાં ઉતારો અપાયો હતો. સુરતના પૅડલર પાસેથી અંગત વપરાશ હેતુ ગાંજો ખરીદીને સાથે લાવ્યો હોવાનું તેણે પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. ઈન્ચાર્જ પીઆઈ વી.વી. ભોલાએ આરોપી સામે ગુનો દર્જ કરાવ્યો છે.
Share it on
|