|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ પશ્ચિમ કચ્છના વિવિધ ગામોની વાડીઓમાં આવેલી બંધ ઓરડીઓને નિશાન બનાવીને ચોરી કરતાં બોટાદના રાણપુરના બે ભાઈ પોલીસના હાથે ઝડપાઈ ગયાં છે. બેઉ જણ જૂનાં વસ્ત્રો માગીને વેચવાના કામની આડમાં વાડીઓમાં આવેલી બંધ ઓરડીઓની રેકી કરીને ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. નખત્રાણાના લાખાડી ગામમાં શંકાસ્પદ હાલતમાં ફરતાં બેઉ જણને અટકાવી પોલીસે તલાશી લેતા ઘરફોડ માટે વપરાતું ગણેશિયું, ઈલેક્ટ્રીક પકડ, ડિસમિસ, કાનસ, તાળાંની ચાવીઓનો ઝૂડો મળી આવ્યો હતો. પકડાયેલો રાજા રમેશભાઈ રાઠોડ (ચિત્રાસણ) અને તેનો નાનો ભાઈ જયસિંગ ઊર્ફે પ્રવિણ ઊર્ફે સુકો બેઉ મૂળ બોટાદના રાણપુરના વતની છે અને ઘણાં સમયથી નખત્રાણાના યક્ષ ત્રણ રસ્તા પાસે ઝૂંપડા વાળીને રહેતા હતા.
વિવિધ ૧૨ વિસ્તારમાં કરેલી ઘરફોડની કબૂલાત
બંનેની અટક કરી પોલીસે ગહન પૂછપરછ કરતા બેઉ જણે પશ્ચિમ કચ્છમાં વિવિધ ૧૨ સ્થળે આચરેલી ચોરીઓના ગુનાની કબૂલાત કરી છે. બેઉ જણે ભુજ તાલુકાના ગોડપર સરલી ગામે ખીમીબેન મહેશ્વરી નામની મહિલાના બંધ ઘરમાંથી ૫૦ હજારના દર-દાગીનાની ચોરી કર્યા અંગે ૧૫-૧૦-૨૦૨૫ના રોજ માનકૂવા પોલીસ મથકે ફરિયાદ નોંધાયેલી. મુંદરાના મોટી ભુજપુર નજીક જબલપુર વાડી વિસ્તારમાં નારણભાઈ ગાંગીયા (ગઢવી)ના બંધ મકાનના તાળાં તોડી ૨૬ હજારની રોકડ રકમ અને સોના ચાંદીના ઘરેણાં મળી ૧.૮૭ લાખની ચોરી કર્યા અંગે ૨૩-૧૦-૨૦૨૫ના રોજ મુંદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાયેલી. બેઉ જણે ૧૯-૦૫-૨૦૨૩ના રોજ ભુજના મિરજાપર ગામે રમેશ ભોગીલાલ દરજીના બંધ મકાનમાંથી ૩૯ હજારની રોકડ અને ઘરેણાંની ચોરી કરેલી.
પકડાયાં બાદ વધુ બે ગુના દાખલ કરાયાં
બેઉ જણે ભુજના દહીસરા ગામે દિપ દરજી નામના યુવકના બંધ ઘરમાં ૧૩-૧૧-૨૦૨૫થી ૧૬-૧૧-૨૦૨૫ દરમિયાન ૬ હજાર રોકડાં અને બે મોબાઈલ ફોન મળી ૧૬ હજારની ચોરી કરી હોવાનું કબૂલતાં તે અંગે ગઈકાલે માનકૂવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે. એ જ રીતે, આ બેલડીએ નખત્રાણાના રામેશ્વર વિસ્તારમાં દશરથ દરજીયા નામના યુવકના ઘરમાં ૨૧-૦૯-૨૦૨૫ના રોજ સોના-ચાંદીના ઘરેણાં મળી ૧.૨૦ લાખની માલમતાની કરેલી ચોરી અંગે ગઈકાલે નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે.
અન્ય ૭ ચોરીના બનાવો અંગે FIR નથી થયેલી
પોલીસ ચોપડે ચઢેલાં બનાવો ઉપરાંત બેઉ જણે ભચાઉના કબરાઉ તથા ભુજ, માનકૂવા, કોઠારા પોલીસ સ્ટેશનની હદના વિસ્તારોમાં કરેલી અન્ય સાત ઘરફોડના ગુનાની કબૂલાત આપી છે. તેમની પાસેથી પોલીસે સોના ચાંદીના દર-દાગીના, ચાર મોબાઈલ ફોન મળી ચાર લાખનો ચોરીનો મુદ્દામાલ હસ્તગત કર્યો છે.
ચોરીઓમાં સામેલ અન્ય ૬ના નામ ખૂલ્યાં
જયસિંગ અને તેના ભાઈ રાજા વિરુધ્ધ અગાઉ હળવદમાં ચોરીના બે ગુના, ભુજ અને હિંમતનગર પોલીસ મથકમાં ઘરફોડના એક એક ગુના નોંધાયેલાં છે. બેઉની પૂછપરછમાં ગુનામાં સામેલ તેમના છ સગાં- સાગરીતોના નામ ખૂલ્યાં છે. જેમાં રાજાની પત્ની ચમેલી ઊર્ફે મોતી, અજય હિંમતભાઈ વીરા (નટ), તેની પત્ની રોમન, ગંજીભાઈ કરમાવત (મારવાડી) અને તેના બે પુત્રો ધારસિંહ તથા નરેશના નામ બહાર આવ્યાં છે.
ચોરીનો માલ ખરીદનાર સોની સામે ગુનો ના નોંધાયો
ભુજના નાયબ પોલીસ અધીક્ષક એમ.જે. ક્રિશ્ચિયને જણાવ્યું કે આરોપીઓ ચોરીનો માલ ભુજના મહેશ કેશવજી સોની નામના સોનીને વેચતાં હતા. મહેશે કેટલાંક ઘરેણાં ખરીદીને તેની લગડી બનાવી દીધી હતી. તે લગડી પોલીસે રીકવર કરી છે. જો કે, લોકલ ક્રાઈમ બ્રાન્ચે મહેશ સોનીને આરોપી ના બનાવતાં આશ્ચર્ય ફેલાયું છે. કારણ કે, ચોરીનો માલ ખરીદતાં સોનીઓ સામે પોલીસ મોટાભાગે ગુનો દાખલ કરતી હોય છે. ડીવાયએસપી ક્રિશ્ચિયને જણાવ્યું કે સોનીની ભૂમિકા અંગે ગહન તપાસ ચાલી રહી છે.
ચોર ઉચક્કાઓ કરતાં જાણી બૂઝીને ચોરીનો માલ સામાન ખરીદતાં લોકોની ભૂમિકા વધુ ગંભીર હોય છે. કારણ કે, તેનાથી આવા ચોર ઉચક્કાઓને વધુ ગુના કરવા માટે પ્રોત્સાહન મળતું હોય છે.
Share it on
|