click here to go to advertiser's link
Visitors :  
26-May-2025, Monday
Home -> Bhuj -> Two suspended and LCB PI placed in HQ following SMC raid in Mandvi
Saturday, 24-May-2025 - Bhuj 9734 views
SMCના દરોડાના પગલે માંડવી મરીન PI અને બીટ જમાદાર સસ્પેન્ડઃ LCB PI HQમાં મૂકાયાં
કચ્છખબરડૉટકોમ, ભુજઃ SMCએ માંડવીના ત્રગડીમાં રીઢા બૂટેલગર દ્વારા બિન્ધાસ્ત ચલાવાતા ઈંગ્લિશ શરાબના કારોબારનો પર્દાફાશ કરી ૮૩.૭૮ લાખના શરાબ અને છ કાર મળી ૧ કરોડ ૨૧.૫૪ લાખનો મુદ્દામાલ કબજે કરીને ખાખીનું ‘નાક’ કાપી લેતાં ભારે ચકચાર મચી ગઈ છે. SMC રેઈડના પગલે રેન્જ આઈજી ચિરાગ કોરડીયાએ એસપીને આ દરોડા સબબ તપાસ કરી, બેદરકાર પોલીસ અધિકારી કર્મચારીઓ સામે એક્શન લેવા આપેલી સૂચનાના પગલે એસપીએ બે પીઆઈ અને એક બીટ જમાદાર સામે પગલાં લીધાં છે.

સૂત્રોના જણાવ્યા મુજબ માંડવી મરીનના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એન. વસાવા અને જ્યાં દરોડો પડ્યો તે બીટના જમાદાર હેડ કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ જાડેજાને સસ્પેન્ડ કરી દેવાયાં છે. જો કે, આ અંગે જવાબદાર પોલીસ અધિકારીઓનું સત્તાવાર સમર્થન પ્રાપ્ત થઈ શક્યું નથી. ઓક્ટોબર ૨૦૨૨થી અત્યારસુધીના છેલ્લાં બે વર્ષ સાત માસથી લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ તરીકે ફરજ બજાવતા સંદિપસિંહ એન. ચુડાસમાની જાહેર હિતમાં તાત્કાલિક અસરથી લીવ રીઝર્વમાં ટ્રાન્સફર કરી દેવાઈ છે.

નિર્લિપ્ત રાયની કચ્છ પર ફોકસ કરવા સૂચના

ઉલ્લેખનીય છે કે આ અગાઉ SMCએ પશ્ચિમ કચ્છમાં દારૂ જુગારના કેસો કરેલાં પરંતુ એકેય કેસમાં જવાબદાર થાણાં ઈન્ચાર્જ કે બ્રાન્ચના પીઆઈ સામે કોઈ એક્શન લેવાયાં નહોતાં. જેથી પશ્ચિમ કચ્છમાં ‘ટોપ ટૂ બોટમ’ ખાખીની મીઠીનજર અને મિલિભગતથી અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાનો સંદેશ ગયો હતો. સૂત્રોના દાવા મુજબ SMCના વડા નિર્લિપ્ત રાય સુધી આ વાત પહોંચતાં તેમણે SMCને પશ્ચિમ કચ્છમાં ચાલતાં ગોરખંધા પર ફોકસ કરવા સૂચના આપી છે.

પાંચ માસ છતાં અનેક વહીવટદારો છૂટાં નથી થયાં

આજથી પાંચ માસ અગાઉ ૨૭-૧૨-૨૦૨૪ના રોજ પશ્ચિમ કચ્છ એસપીએ કચ્છના ૧૮૯ એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ શ્રેણીના પોલીસ કર્મચારીઓની સામૂહિક બદલી કરેલી. ‘મલાઈદાર’ પોલીસ સ્ટેશનોમાં નોકરી કરીને ‘વહીવટ’ કરતાં વહીવટદારોથી લઈને વર્ષોથી એક જ તાલુકાના આસપાસના પોલીસ સ્ટેશનોમાં નોકરી કરતાં અનેક પોલીસ કર્મચારીઓને સરહદના ગામડાં દેખાડી દેવાયેલાં. ત્યારબાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ, એસઓજીમાં પણ બદલીનો ગંજીપો ચીપાયેલો.

પાંચ માસ વીત્યાં છતાં અનેક પોલીસ મથકો અને બ્રાન્ચોના બદલી પામેલાં ‘વિશ્વાસુ’ પોલીસ કર્મચારીઓ હજુ ફરજ બજાવે છે અને છૂટાં થયાં નથી.

કેટલાંક ખેલ પાડીને ફરી મનગમતી જગ્યાએ ગોઠવાઈ ગયાં. એ જ રીતે, વિવિધ પોલીસ સ્ટેશનોમાંથી દર મહિને મોટાં અધિકારીઓના નામે નિશ્ચિત રકમના કોણ ઉઘરાણાં કરે છે અને કેમ કરે છે તે અંગે પણ ગહન તપાસ થાય તો ચોંકાવનારી વિગતો સામે આવે તેવી શક્યતા છે.

કાલ્પનિક બૂટલેગર પર કેસ કરવાનો ચાલે છે ખેલ?

ત્રગડીમાં જે બૂટલેગરને ત્યાં દરોડો પડ્યો તે યુવરાજ જાડેજા અગાઉ અનેકવાર પાસામાં જઈ આવી ચૂકેલો છે. પોલીસ ખાતામાં ચર્ચાતી વિગતો મુજબ છેલ્લાં દોઢેક વર્ષથી ત્રગડીના પોઈન્ટ પરથી વેચાણ અર્થે શરાબ લાવતો કોઈ છૂટકિયો બૂટલેગર જો ઝડપાય તો પાછળથી તપાસમાં માલ આપનાર તરીકે માંડવીના ‘વિશ્રામ ગઢવી’ નામના બૂટલેગરનું નામ ખૂલતું હતું.

સૂત્રોના દાવા મુજબ હકીકતમાં અસલી બૂટલેગરને બચાવવા ખાતર ગોઠવણ પાડીને ચોપડે વિશ્રામ ગઢવી નામના જે બૂટલેગરનું નામ જાહેર કરાતું તે કાલ્પનિક નામ છે! ‘વિશ્રામ ગઢવી’ની આજ સુધી કદી ધરપકડ જ થઈ નથી, કારણ કે તેવા નામની કોઈ વ્યક્તિ અસ્તિત્વ જ ધરાવતી નથી!

નિર્લિપ્ત રાય અને રાજ્ય પોલીસ વડા આ બાબતે ગુપ્ત તપાસ કરાવે તો ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવે તેમ જાણકાર સૂત્રો દાવો કરે છે. 

Share it on
   

Recent News  
KASEZ સમક્ષ બોગસ બેન્ક ગેરન્ટી રજૂ કરનારા દિલ્હીના ઈમ્પોર્ટરની આગોતરા ફગાવાઈ
 
માંડવીમાં ગૃહિણીની નજર ચૂકવી થેલામાંથી પોણા ચાર તોલા સોનાના ઘરેણાં સેરવી લેવાયાં
 
જામનગરના કોવિડ પોઝીટીવ દર્દીના લીધે ભુજ માંડવીમાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ