કચ્છખબરડૉટકોમ, માંડવીઃ માંડવીના કંસારા બજારમાં ગૃહિણીની નજર ચૂકવીને તેની પાસે રહેલા થેલામાંથી અજાણ્યા શખ્સો ૧.૧૦ લાખની કિંમતના પોણા ૪ તોલા સોનાના દાગીના સેરવી ગયાં છે. બનાવ અંગે સીસીટીવી ફૂટેજના આધારે મહિલાએ બે અજાણી સ્ત્રી અને બે અજાણ્યા પુરુષો પર શક દર્શાવી પોલીસ ફરિયાદ નોંધાવી છે. ૩૬ વર્ષિય શમીમબાનુ અકબર પલીજા નામની ગૃહિણી નવું મકાન ખરીદવા માટે નાણાંની જરૂર ઊભી થતાં તેની પાસે રહેલા સોનાના દાગીના લઈને માતા સાથે શનિવારે સાંજે કંસારા બજારમાં વેચવા માટે આવી હતી. કંસારા બજારમાં એક સોનીને ત્યાં ઘરેણાંનો ભાવ તાલ ઠરાવીને વેચવા માટે નક્કી કરેલું. જો કે, તેની પાસે રહેલા સોનાના પાટલા પાછળ પ્લાસ્ટિકનું પડ ચઢાવેલું હોઈ સોનીએ આ પ્લાસ્ટિક દૂર કરાવી આવવા કહેલું.
ફરિયાદી બંને પાટલાં હાથમાં જ રાખી અને બાકીના ઘરેણાં થેલામાં મૂકીને સામેની લાઈનમાં આવેલી એક દુકાને પાટલા પરનું પ્લાસ્ટિકનું પડ હટાવવા ગઈ હતી.
પ્લાસ્ટિક દૂર કરાવીને સોનીની દુકાને પરત ફરી ત્યારે થેલામાંથી સોનાનો ટીકો, સોનાની ચેઈન, ચા વીંટી, લોકેટ, નાકમાં પહેરવાની ચાર સળી વગેરે દાગીના ગાયબ હતા. સાંજે સાડા છના અરસામાં બનાવ બન્યો હતો. માંડવી પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
Share it on
|