કચ્છખબરડૉટકોમ, ભુજઃ ઈન્ડિયા ટીવી નામની રાષ્ટ્રીય કક્ષાની હિન્દી ન્યૂઝ ચેનલ અને વીટીવી ગુજરાતી નામની પ્રાદેશિક ગુજરાતી ટીવી ન્યૂઝ ચેનલના બે પત્રકારોની ખંડણી માગવાના ગુનામાં ભુજ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. વરલી મટકો, આંકડો લખતાં એક જૂના ધંધાર્થી પાસે વીટીવી ગુજરાતીના પત્રકાર વાજીદ ચાકી અને ઈન્ડિયા ટીવીના પત્રકાર અલી ચાકીએ મહિને વીસ હજાર રૂપિયાના હપ્તાની માંગણી કરેલી. હપ્તો વસૂલતાં અગાઉ આરોપીઓએ ફરિયાદીના બે પુત્રો પર હુમલો કરાવેલો. એટલું જ નહીં, તેના બંને પુત્રોનું પોતાના માણસો મારફતે અપહરણ કરી મારી નાખવાની ધમકી આપીને SMC, પોલીસના નામે દબાવીને બેઉ જણે ખોટી અરજીઓ કરાવડાવીને પોલીસ દરોડા પડાવેલાં. લોકલ ક્રાઈમ બ્રાન્ચે બનાવ અંગે ગહન તપાસ કરીને ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવડાવી બેઉ હપ્તાખોર તોડબાજ પત્રકારોની ધરપકડ કરીને બંનેની ‘ચાકી’ના આંટા ઢીલા કરી નાખ્યા છે!
તોડબાજ કહેવાતા પત્રકારોએ બાળકો પર હુમલો કરાવ્યો
ભુજના અપનાનગરમાં રહેતો ૪૩ વર્ષિય મોહમ્મદ હનીફ આમદ સમેજા કે જે હાલ જમીન લે વેચનો ધંધો કરે છે તે ભૂતકાળમાં એકવાર વરલી મટકા, આંકડાના કેસમાં પકડાયો હતો. હનીફે વીટીવીના પત્રકાર વાજીદ ચાકી (રહે. મદિનાનગર- ૨) અને ઈન્ડિયા ટીવીના પત્રકાર અલી ચાકી (રહે. નાના રેહા ગામ, પધ્ધર, ભુજ) વિરુધ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ૨૮ મેની રાત્રે શહેરની ઈંગ્લિશ મિડિયમની સ્કુલમાં સાયન્સમાં અભ્યાસ કરતાં તેના સગીર વયના બે દીકરા એક્ટિવાથી મામાની દુકાને જતા હતા ત્યારે અજડિયા ગેંગના માણસોએ બંને પર લોખંડના પાઈપથી હુમલો કરેલો.
અજડિયા ગેંગના માણસોએ એમ કહીને હુમલો કરેલો કે ‘આ લોકોને મારો, આપણને વાજીદ ચાકીએ છૂટ આપેલી છે અને તેમને મારવા કહ્યું છે’
હુમલામાં ફરિયાદીના એક દીકરાને માથામાં ઈજા થયેલી અને તેને ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયેલો. બીજા દિવસે ફરિયાદીએ આરોપીઓ પર ફરિયાદ નોંધાવેલી તો તેની સામે આરોપીઓ વતી વળતી ફરિયાદ નોંધાવાયેલી.
વાજીદે તેના અને અલી ચાકીના નામે હપ્તો માગેલો
આ બનાવના એક મહિના બાદ ફરિયાદી તેના મિત્ર આમીર ખાન સાથે ભુજના સોનીવાડમાં આવેલી ખાવડા ટી હાઉસમાં બેઠો હતો ત્યારે વીટીવીનો પત્રકાર વાજીદ ચાકી ત્યાં આવ્યો હતો. તેને જોઈને ફરિયાદીએ તેને ‘મારા પુત્રો પર તેં કેમ હુમલો કરાવેલો’ તેમ પૂછતાં વાજીદે તેને ધમકી આપતાં કહેલું કે ‘તું ખોટા ધંધા કરે છે, તને અગાઉ પણ ચેતવણી આપેલી, આ તો હજુ ટ્રેલર છે, હવે આખી ફિલ્લમ બતાવીશ. તારે મને અને મારી સાથે ફરતાં પત્રકાર અલી ચાકી (ઈન્ડિયા ટીવી)ને મહિને વીસ હજાર રૂપિયાનો હપ્તો આપવો પડશે’
હપ્તો આપવા ઈન્કાર કરાતાં પોલીસના નામે ધમકી આપેલી
ફરિયાદીએ પોતે હાલ કોઈ ખોટા ધંધા કરતો ના હોવાનો ઈન્કાર કરીને રૂપિયા આપવાનો ઈન્કાર કરેલો. તે સમયે વાજીદે પોતાની SMCમાં ઓળખાણ હોવાનું, દારુ જુગારના ખોટાં કેસો કરાવીને તેને ફીટ કરાવી દેવાની તથા તેના બે દીકરાઓને રહીમનગરના માણસો પાસે ઉપડાવીને જાનથી મારી નખાવવાની ધમકી આપેલી.
છોકરાઓનો પીછો કરાવ્યો, ઘરે રેઈડ પડાવી
ફરિયાદી પર દબાણ લાવવા માટે ફરિયાદીના બંને પુત્રો સ્કુલે જતા હતા ત્યારે તેમના માણસોએ પીછો કરતાં બેઉ જણ ડરી ગયેલાં અને સ્કુલ જવાનું બંધ કરી દીધેલું. ત્યારબાદ, આ તોડબાજ પત્રકારોએ ફરિયાદી પર દબાણ વધારવા ભુજ સીટી પોલીસમાં ખોટી બાતમીઓ આપીને તેની ઑફિસ અને ઘર પર દરોડા પડાવ્યાં હતાં. પરંતુ, પોલીસને તપાસમાં કશું મળ્યું નહોતું. બંનેની હપ્તાખોરી અને પત્રકાર તરીકેની વગના દુરુપયોગથી ત્રસ્ત થઈને ફરિયાદીએ પોલીસને અરજી આપેલી.
આજીવન કેદની સજાને પાત્ર કલમો તળે ગંભીર ગુનો દાખલ
જેની તપાસ બાદ બંને સામે આજીવન કેદની સજાને પાત્ર એવી ભારતીય ન્યાય સંહિતાની વિવિધ ભારેખમ કલમો તળે ખંડણી માગવા સહિતની કલમો તળે ગુનો દાખલ કરાયો છે. બંને સામે આગામી દિવસોમાં અન્ય પીડિતો પણ ફરિયાદ નોંધાવવા આગળ આવે તેવી શક્યતા છે. પત્રકારના સ્વાંગમાં ફરતાં બેઉ તોડબાજોની દાદાગીરી વિશે ભૂતકાળમાં અનેક બનાવો બહાર આવેલાં છે. પરંતુ, તેમની મોડસ ઓપરેન્ડી એવી હતી કે કોઈ ફરિયાદ નોંધાવવા આગળ આવતું નહોતું. જો કે, આ વખતે એલસીબી પીઆઈ એચ.આર. જેઠીએ બંનેની ચાકી ઢીલી કરી નાખી છે!
Share it on
|