કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના પરા સમાન માધાપરમાં એક સપ્તાહમાં બે મહિલાઓના ગળામાંથી સોનાની ચેઈન અને મંગળસૂત્રની ચીલઝડપના બનાવો બન્યાં છે. જો કે, એક ગુનામાં પોલીસે દોડધામ કરીને ગણતરીના કલાકોમાં બે યુવકોને દબોચી લીધાં છે. પરંતુ, અગાઉ બનેલાં ગુનાના આરોપીઓનો કોઈ પત્તો મળ્યો નથી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બેઉના ફોટો શૅર કર્યાં છે.
રેલવે ટ્રેક પર મંગળસૂત્રની ચીલઝડપ કરનાર ઝડપાયાં
માધાપરની ભવાની હોટેલ પાછળ આવેલા રેલવે ટ્રેક પરથી રવિવારે સાંજે ૨૬ પરિણીતા અંજલિદેવી ઠાકુર અઢી વર્ષના બાળકને લઈને પસાર થતી હતી ત્યારે સામેથી પગપાળા આવેલા બે યુવકો તેના ગળામાં રહેલું વીસ હજારનું મંગળસૂત્ર ખેંચી, લૂંટીને ભુજોડી તરફ નાસી છૂટ્યાં હતાં.
ફરિયાદ નોંધ્યા બાદ માધાપર પોલીસે આજે મંગળસૂત્રની ચીલઝડપ કરનાર બંને યુવકોને ઝડપી લીધા છે.
બે યુવકો મંગળસૂત્ર વેચવાની ફિરાકમાં હોવાની બાતમીના આધારે માધાપરના સોનાપુરી ગેટ પાસેથી પોલીસે તેમને પકડી લીધા છે. ઝડપાયેલાં યુવકોમાં નરેન્દ્ર ઊર્ફે નવીન લાલાભાઈ સુમાર મારવાડા (ઉ.વ. ૧૯) અને જાસીન ઊર્ફે જાસ્લો ઈશાકઅલી નોડે (ઉ.વ. ૨૦. બંને રહે. સુમરાવાંઢ, ભવાની હોટેલ પાછળ, મધર ડેરી નજીક, માધાપર)નો સમાવેશ થાય છે. બેઉ પાસેથી પોલીસે વીસ હજારનું મંગળસૂત્ર રીકવર કરી લીધું છે.
NRI મહિલાની ચેઈન ચીલઝડપનો ગુનો વણઉકલ્યો
ગત ૮મી જૂનની સાંજે પોણા છના અરસામાં માધાપરના ભીમાસર વિસ્તારમાં ઘર બહાર સગા સંબંધીઓ જોડે ઊભીને વાતો કરતી NRI મહિલા મંજુલાબેન વરસાણીના ગળામાંથી ૩ તોલાની દોઢ લાખની સોનાની ચેઈન ખેંચીને બે બાઈકસવાર યુવકો ગંગેશ્વર રોડ તરફ નાસી છૂટ્યાં હતાં. માધાપર નવા વાસ ગ્રામ પંચાયતે ગામમાં તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ સહિત ૪૫ જેટલી જગ્યાએ સીસીટીવી કેમેરા લગાડેલાં છે. આ કેમેરામાં બંને ચેઈન સ્નેચરોના ફૂટેજ કેપ્ચર થઈ ગયાં છે.
પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એમ. ઝાલાએ સીસીટીવીના આધારે બેઉ આરોપીની તસવીરો શૅર કરતાં જણાવ્યું કે બંને પ્રોફેશનલ સ્નેચરો જણાય છે.
ગુનો બન્યાની ગણતરીની મિનિટોમાં તેમણે પહેરેલાં કપડાં બદલી નાખ્યાં હતાં. જે બાઈક પર તેઓ ફરતાં હતા તે બાઈક ભુજના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી મળ્યું હતું અને તે અંજારમાંથી ચોરાયેલું હોવાની શક્યતા છે. જો કોઈ આ બેઉ સ્નેચરોને ઓળખતાં હોય તો પોલીસને જાણ કરવા તેમણે અનુરોધ કર્યો છે.
Share it on
|