કચ્છખબરડૉટકોમ, ભુજઃ પશ્ચિમ કચ્છ પોલીસ દળના સ્પેશિયલ ઓપરેશન ગૃપએ ભુજના શેખપીર ત્રણ રસ્તા પાસે દરોડો પાડીને ૧૭ લાખના મૂલ્યના ૧૭ ગ્રામ MD તરીકે ઓળખાતાં સિન્થેટીક ડ્રગ્ઝ સાથે ઝડપી પાડ્યાં છે. શુક્રવારે ટ્રકનું અમદાવાદથી ભાડું ભરીને બેઉ કચ્છ આવતાં હતા ત્યારે શાહઆલમના સલીમ સૈયદ નામના ડ્રગ પૅડલરના માણસ મારફતે તેમણે MD ખરીદયું હતું. બેઉ જણ ભુજ શહેરમાં MDનું છૂટક વેચાણ કરતાં હતાં. શનિવારે બપોરે ASI નરેન્દ્રસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે SOGની ટીમે શેખપીર ત્રણ રસ્તા પાસે મરચાંના સ્ટૉલ નજીક આવેલા પાર્કિંગમાં રહેલી આઈસર ટ્રકમાં બેઠેલાં કરીમ સિધિક મમણ (ઉ.વ. ૩૩, રહે. નાના વરનોરા, ભુજ) અને હરેશ વાલજી કેરાસીયા (૩૪, ઝીંકડી, ભુજ)ને ઝડપી પાડ્યાં હતાં.
સિધિકની અંગઝડતી લેવાતાં તેના ખિસ્સામાં રહેલી પ્લાસ્ટિકની બે પડીકીમાંથી ડ્રગ્ઝ મળી આવ્યું હતું.
પ્રાથમિક પૂછપરછમાં બેઉ જણે કબૂલ્યું કે ડ્રગ્ઝ ખરીદવા માટે અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં રહેતા સલીમ સૈયદ નામના શખ્સનો ફોનથી કોન્ટેક્ટ કરેલો અને તેનો માણસ ડ્રગ્ઝની ડિલિવરી આપી ગયેલો.
સલીમ પાસેથી તેમણે ૩૨ હજારમાં ડ્રગ્ઝ ખરીદેલું જે પૈકી ૧૯૦૦ રૂપિયા ઓર્ડર આપ્યો ત્યારે એડવાન્સમાં ચૂકવેલાં અને ૧૩ હજાર રૂપિયા ડિલિવરી મળ્યાં બાદ ચૂકવ્યાં હતાં.
આરોપીઓના કબજામાં રહેલા ડ્રગ્ઝ ઉપરાંત ૧૫ લાખની આઈસર ટ્રક, ૨૦ હજાર ૯૮૫ રોકડાં રૂપિયા, બે મોબાઈલ ફોન વગેરે મળી કુલ ૧૭ લાખ ૩ હજાર ૯૮૫ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને પધ્ધર પોલીસ મથકે NDPS Actની કલમો તળે ફરિયાદ નોંધાવાઈ છે.
સિધિક સામે ગયા વર્ષે માધાપર પોલીસ મથકે સગીર બાળાના અપહરણ, પોક્સોની કલમો તળે ગુનો નોંધાયો હતો. હરેશ કેરાસીયા અગાઉ માધાપર અને પધ્ધર પોલીસના હાથે જુગાર રમતાં ઝડપાયેલો છે.
કામગીરીમાં SOGના પીઆઈ કે.એમ. ગઢવી, એએસઆઈ નરેન્દ્રસિંહ જાડેજા, દિનેશ ગઢવી, રઘુવીરસિંહ જાડેજા, ભાવેશ ચૌધરી વગેરે સ્ટાફ જોડાયો હતો.
Share it on
|