કચ્છખબરડૉટકોમ, ભુજઃ પશ્ચિમ કચ્છ પોલીસે ભુજ અને મુંદરામાંથી ગાંજા સાથે બે યુવકોની ધરપકડ કરી છે. ભુજ એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે શહેરના સંજોગનગરમાં રહેતા રફીક ઈસબ જુણેજા નામના શખ્સના રહેણાક મકાનમાં દરોડો પાડ્યો હતો. રફીકે ટીવી પાછળ રાખેલા પ્લાસ્ટિકના ઝબલામાંથી ૯૩૫ રૂપિયાની કિંમતનો ૯૩.૪૫ ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો. પીઆઈ એ.એમ. પટેલ અને તેમની ટીમે આ શખ્સને ઝડપ્યો હતો. બીજી તરફ, એસઓજીએ મુંદરામાં કૂરિયર મારફતે આવેલા ૫૦ હજારના ૫ કિલો ગાંજાના પાર્સલની ડિલિવરી લેવા ગયેલા સૂરજ શાહ નામના નાના કપાયામાં રહેતા બિહારી યુવકની બાઈક સાથે ધરપકડ કરી હતી. સૂરજે પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું કે આઠ દિવસ અગાઉ મોટા કપાયામાં રહેતા આકાશ પાસવાન અને ગબ્બર નામના મિત્રોએ બિહારથી કૂરિયરમાં આવનારા ગાંજાની ડિલિવરી લેવા તેને જણાવેલું. બિહારથી ગાંજો મોકલનાર શખ્સ પાસેથી પોતે અગાઉ ગાંધીધામમાં ગાંજો મેળવ્યો હોવાનું સૂરજે જણાવ્યું હતું.
Share it on
|