કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજમાં મોબાઈલના દુકાનદાર પાસે રહેલી રોકડ રૂપિયા ભરેલી બેગ લૂંટવાનો ફિલ્મી ઢબે નિષ્ફળ પ્રયાસ કરનાર બે યુવકો પલ્સર બાઈકની નંબર પ્લેટના આધારે ગણતરીના કલાકોમાં ઝડપાઈ ગયાં છે. ભુજના આરટીઓ સર્કલ પાસે ગત રાત્રે ૧૧ વાગ્યાના અરસામાં છરીની અણીએ લૂંટના નિષ્ફળ પ્રયાસનો બનાવ બન્યો હતો. ફરિયાદી ૩૨ વર્ષિય અરુણ ઠક્કર (રહે. રઘુવંશીનગર, ભાનુશાલીનગર પાછળ, ભુજ) ભુજની લખુરાઈ ચોકડી પાસે મોબાઈલની દુકાન ધરાવે છે. આ રીતે ફિલ્મી ઢબે લૂંટનો પ્રયાસ થયેલો
ફરિયાદી ગત રાત્રે દુકાન વધાવીને આખા દિવસના વકરાને બેગમાં લઈ બાઈક પર ઘરે જવા નીકળ્યો હતો. આરટીઓ સર્કલ પાસે ખોદાયેલાં રોડના કારણે બાઈક ધીમું કરેલું. તે સમયે અચાનક પાછળથી પલ્સર બાઈક પર બુકાની ધારણ કરીને આવેલા બે યુવકો પૈકી બાઈક પાછળ બેઠેલાં યુવકે તેને ચાલું વાહને લાત મારતાં તે બાઈક સમેત નીચે પટકાયો હતો.
અરૂણ નીચે પડતાં જ બેઉ જણે છરી બતાડી, મારી નાખવાની ધમકી આપીને હાથમાં રહેલી બેગ ઝૂંટવવા પ્રયાસ કરેલો.
જો કે, અરુણે રાડારાડ કરીને બેઉ હાથ વડે બેગને મજબૂતીથી પકડી રાખેલી. દરમિયાન, કોઈ વાહનની હેડલાઈટનો શેરડો પડતાં બેઉ જણ તેને પડતો મૂકીને બાઈક પર નાસી ગયેલાં. હેડલાઈટના પ્રકાશમાં અરુણે પલ્સર બાઈકનો નંબર વાંચી લીધો હતો.
બાઈક નંબર યાદ રહી ગયેલો ને આરોપીઓ ઝબ્બે
ઘટના બાદ લોકો ત્યાં દોડી આવેલાં. બાઈક પરથી પડી જવાથી વાગ્યું હોય તેને જી.કે. જનરલમાં લઈ જવાયેલો. આજે બપોરે તેણે બનાવ અંગે ભુજ બી ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવેલી. બાઈકના નંબરના આધારે GJ-12 HC-5045 નંબરની બાઈક પર સવાર રજબઅલી બરકતઅલી પઠાણ અને સમીર અલીમામદ કકલ (બેઉ રહે. ભૂતેશ્વર, ભીડ નાકા બહાર, ભુજ)ને ઝડપી લેવાયાં છે.
Share it on
|