click here to go to advertiser's link
Visitors :  
10-Jul-2026, Friday
Home -> Bhuj -> Two brokers swindle Rs 72 lakh under pretext of selling house in Bhuj
Tuesday, 30-Jun-2026 - Bhuj 24436 views
ભુજમાં મકાન વેચવાના બહાને ૭૨ લાખ પડાવીને બે દલાલો નાણાં હજમ કરી ગયાં
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના બસ સ્ટેશન પાસે વર્ષોથી ડબલ રોટીની દુકાન ધરાવતા ૭૪ વર્ષના તુલસીદાસ ચત્રભુજ સેજપાલ જોડે મકાન વેચવાના બહાને બે વિશ્વાસુ જમીન દલાલે ૭૨ લાખ પડાવીને વિશ્વાસઘાત સાથે ઠગાઈ કરી છે. તુલસીદાસે યુનુસ હારૂન કાતિયાર અને ઈકબાલ સુલેમાન લોહારવાઢા (બંને રહે. ભુજ) સામે ભુજ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. ગત મે ૨૦૨૫માં બેઉ જણે રૂપિયા પડાવ્યાં હતા.

ફરિયાદીએ પોલીસને જણાવ્યું કે ૨૫ વર્ષ અગાઉ યુનુસ તેમની પાસે નોકરી કરતો હતો. ત્યારબાદ તેણે પોતાની બેકરી શરૂ કરેલી. ફરિયાદી પોતાની દુકાન માટે તેની બેકરીમાંથી પાંઉ ખરીદતા હતા. યુનુસ તેના મિત્ર ઈકબાલ સાથે મળીને જમીન લે-વેચ તથા દલાલીનું કામ પણ કરતો હતો.

મકાન વેચવાના નામે આ રીતે ૭૨ લાખ મેળવેલાં

માર્ચ ૨૦૨૫માં બેઉ જણે ફરિયાદીને રૂબરૂ મળીને શહેરના વાલરામનગરમાં તેમની માલિકીનું મકાન વેચવાનું હોવાનું જણાવી તેને ખરીદવા ઑફર કરેલી. ફરિયાદીએ ૭૦ લાખમાં મકાન ખરીદવાનું નક્કી કરેલું. બેઉ જણે કહેલું કે મકાનનો દસ્તાવેજ હાટકેશ મંદિર સામે રહેતો અનિલ ઠક્કર નામનો શખ્સ લખી આપશે. મે ૨૦૨૫માં બેઉ જણે વેચાણ રકમ પેટે ફરિયાદી પાસેથી ૧૮.૫૦ લાખનો ચેક અને સ્ટેમ્પ ડ્યુટી, રજિસ્ટ્રેશન ફી તથા બાકી નીકળતાં રૂપિયા પેટે ૫૩.૫૦ લાખ રોકડાં મળીને ૭૨ લાખ મેળવ્યાં હતા. યુનુસે પોતાના ખાતામાં ચેક વટાવેલો.

બોલો, મકાન તો કોઈ ત્રીજાના નામે બોલતું હતું

૧૬ મે ૨૦૨૫ના રોજ ઈકબાલે ફરિયાદીને જણાવેલું કે ‘ટોકન લેવાઈ ગયો છે, તમે અનિલ ઠક્કર પાસેથી વેચાણ દસ્તાવેજ લઈને રજિસ્ટ્રાર ઑફિસે પહોંચો, અમે પણ ત્યાં આવીએ છીએ’ ફરિયાદી અનિલ ઠક્કર પાસેથી દસ્તાવેજ લઈને રજિસ્ટ્રાર કચેરી પહોંચેલા પરંતુ બેઉ જણ ત્યાં આવ્યાં નહોતાં.

ફરિયાદીએ દસ્તાવેજ વાંચ્યો તો તેમાં મિલકત વેચનાર તરીકે પરાગ હિરાલાલ ભગલાણી અને નૂતન પરાગ ભગલાણીના નામ લખેલાં હતા. ફરિયાદીએ અનિલ ઠક્કરને પૂછતાં તેણે જણાવેલું કે દસ્તાવેજમાં તેનું નહીં પરંતુ આ બેઉના નામ છે.

દરમિયાન, પરાગની માતા બીમાર પડી ગઈ હોવાનું અને આજે તે નહીં આવી શકે તેમ જણાવીને ઈકબાલે બીજીવાર ટોકન લેવો પડશે તેવું બહાનુ કરેલું.

‘રૂપિયા પાછાં નહીં મળે, થાય તે કરી લો’

પંદરેક દિવસ બાદ બેઉ જણે ફરિયાદી સમક્ષ બહાનું કરેલું કે ‘પરાગે વિશ્વાસઘાત કરીને બીજાને મકાન વેચવા આપેલું છે, તેની સામે ફરિયાદ નોંધાવવી પડશે. તમે અમને આપેલા રૂપિયા હાલ ડૂબી ગયાં છે, પાછળથી આપી દઈશું’ ત્યારબાદ બેઉ જણ વાયદા કરતાં રહેલાં.

ફરિયાદીએ પરાગ ભગલાણીનો સંપર્ક કરતાં તેણે ફોડ પાડેલો કે ‘યુનુસ અને ઈકબાલે સુથી પેટે તેને ૫૧૦૦ રૂપિયા આપેલા પરંતુ દસ્તાવેજ કરવા માટે ફરી ડોકાયાં જ નહોતા. રૂપિયાની જરૂર હોઈ પોતે મકાન બીજાને વેચી મારેલું’

બેઉ જણ એકાદ વર્ષથી તુલસીદાસને રૂપિયા પરત આપવાના નામે ઠાલાં વાયદા આપતાં રહેલાં. છેલ્લે બેઉ જણે ‘રૂપિયા પરત નહીં મળે, થાય તે કરી લો’ કહીને ધમકી આપેલી.

Share it on
   

Recent News  
ગાંધીધામમાં ૫૨ વર્ષની મહિલા પર દુષ્કર્મ આચરનાર ૨૫ વર્ષના યુવકને ૧૦ વર્ષની કેદ
 
મુંદરા પોલીસે બિહારમાં જઈને સ્થાનિક ગ્રામજનોનો વેશ પહેરીને હત્યારાને ઝડપી પાડ્યો
 
કચ્છ કાંઠે મળેલા કરોડોના બિન વારસી ડ્રગ્ઝના ૮ કેસની તપાસ NCBએ બંધ કરી દીધી!