કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના હોસ્પિટલ રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં આગ લાગતાં ફાયર બ્રિગેડે તત્કાળ ધસી જઈને, બે દર્દીને સલામત રીતે બહાર કાઢીને આગ બૂઝાવી દીધી છે. આજે સવારે સવા નવના અરસામાં આગનો બનાવ બન્યો હતો. હોસ્પિટલના પ્રથમ માળના ખૂણામાં આવેલા ડિલક્સ રૂમના એર કન્ડિશનરના ઈન્ડોર યુનિટમાં અચાનક આગ લાગતાં એસી નીચે રહેલી બારીનો પડદો અને બેડનું ગાદલું પણ ભડભડ સળગવા માંડેલું.
ભુજ નગરપાલિકાના ફાયર ઑફિસર સચિન પરમારે જણાવ્યું કે એસી બંધ હતુ પરંતુ વીજલોડ વધી જવાના અથવા શોર્ટ સર્કિટના કારણે એસીના ઈન્ડોર યુનિટમાં આગ લાગી હતી.
હોસ્પિટલના સ્ટાફે ફાયર એક્સટીંગ્વિશરની મદદથી આગને ઓલવવા પ્રયાસો કરવા સાથે તત્કાળ ફાયર બ્રિગેડને જાણ કરતાં આગ વધુ પ્રસરે તે અગાઉ કાબૂમાં આવી ગઈ હતી. શહેરના ધમધમતાં રોડ પર આવેલી હોસ્પિટલની બારીઓમાં નીકળતાં ધુમાડાંના ગોટાં જોઈને લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી.
ધુમાડાં વચ્ચે ફસાયેલી બે મહિલા દર્દીને બહાર કઢાઈ
ડિલક્સ રૂમ સામે આવેલા જનરલ વૉર્ડમાં બે મહિલા દર્દી દાખલ થયેલી હતી. સામાન્યતઃ આગ લાગે ત્યારે ધુમાડાના કારણે ઑક્સિજનના અભાવે લોકો ગૂંગળાઈ જતાં હોય છે. ફાયર સ્ટાફે સૌપ્રથમ ધુમાડા વચ્ચે ફસાઈ ગયેલી બંને મહિલા દર્દીને સલામત રીતે બહાર કાઢીને અગ્નિશમન કામગીરી હાથ ધરીને ગણતરીની મિનિટોમાં આગ ઓલવી નાખી હતી.
આખી હોસ્પિટલમાં પાંચ દર્દીઓ દાખલ હતા. પરમારે ઉમેર્યું કે અગ્નિશમન માટે જરૂરી હાયડ્રન્ટ સિસ્ટમ અને ફાયર એલાર્મથી હોસ્પિટલ સજ્જ છે અને ફાયર એનઓસી ધરાવે છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અગાઉ હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગની ઘટનાઓ બાદ ગુજરાત સરકારે કાયદામાં સુધારા કરીને કડક નિયમો અમલી બનાવ્યાં છે. આ ઘટનાએ કચ્છમાં કાર્યરત મોટી કોર્પોરેટ હોસ્પિટલોની અગ્નિશમન સજ્જતા અંગે વધુ એકવાર ચર્ચા છેડી દીધી છે.
Share it on
|