click here to go to advertiser's link
Visitors :  
21-Jun-2025, Saturday
Home -> Bhuj -> Two booked for swindling Rs 60 Lakh under pretext of business partnership in Bhuj
Friday, 20-Jun-2025 - Bhuj 9625 views
ભુજના ટ્રૉલી મોલમાં પાર્ટનર બનાવનાના નામે બે જણે વૃધ્ધ તબીબના ૬૦ લાખ હજમ કર્યાં
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના આઈયાનગરમાં પાસે આવેલા ટ્રૉલી મોલમાં રોકાણ કરીને મોટો નફો રળવાનું ગાજર લટકાવી, પેઢીમાં ભાગીદાર બનાવવાનું વચન આપીને બે શખ્સોએ ૬૦ વર્ષિય હોમિયોપેથીક તબીબ જોડે ૬૦ લાખની છેતરપિંડી કરી છે. બેઉ આરોપીએ મોલમાં પાર્ટનર તરીકે જોડાવા માટે છાપામાં ટચૂકડી જાહેરખબર આપીને મોલનું સંચાલન કરતી પેઢીના પાર્ટનર તરીકે પોતાની ખોટી ઓળખ આપી હતી. હકીકતે બેઉ પગારદાર નોકરિયાત છે.

ભુજના ભાજપ કાર્યાલય નજીક ગાયત્રી રેસિડેન્સીમાં રહેતા સુરેશ નારણભાઈ પટેલ અગાઉ હોમિયોપેથી તબીબ તરીકે પ્રેક્ટિસ કરતા હતા અને હાલમાં નિવૃત્તિમય જીવન ગાળે છે.

૧૫-૧૦-૨૦૨૪ના રોજ કચ્છના સ્થાનિક છાપામાં ટ્રૉલી મોલમાં રોકાણ કરવાની ટચૂકડી જાહેરખબર વાંચી હતી.

તેમાં આપેલા મોબાઈલ નંબર પર ફોન કરતા રાજેશ શાંતિલાલ આહીર (રહે. પ્રમુખ સ્વામી, કુકમા)એ ફોન ઉપાડીને તેમને માધાપરમાં ટ્રસ્ટ માર્બલ પાસે આવેલા ટ્રૉલી મોલમાં રૂબરૂ મળવા માટે બોલાવ્યાં હતા.

પાર્ટનર ગણાવી નવ ટકાના પ્રોફિટનું ગાજર લટકાવ્યું

સુરેશભાઈ રૂબરૂ મળ્યા ત્યારે હાજર રાજેશ આહીર અને સવરાજ પાલુ સુમાણિયા (ગઢવી) (રહે. કૃષ્ણનગર, અંજાર) બેઉ જણે પોતાને ‘મામા એન્ટરપ્રાઈઝ’ પેઢીના ભાગીદાર માલિકો ગણાવીને તેમની પેઢી ભુજ, માધાપર અને અંજારમાં ટ્રૉલી મોલનું સંચાલન કરતી હોવાનું જણાવ્યું હતું. બેઉ જણે રોકાણ કરવા પેટે માસિક નવ ટકા જેટલો નફો મળવાના કોમ્પ્યુટર પર આંબા આંબલી બતાડીને ૬૦ લાખ રૂપિયામાં સરખા હિસ્સામાં પાર્ટનર બનવા પ્રસ્તાવ મૂકીને ભુજમાં આઈયાનગર ખાતે D & H મોલને માસિક સાત લાખના ભાડેથી મેળવી ત્યાં નવો ટ્રૉલી મોલ શરૂ કરવાનું આયોજન હોવાનું જણાવેલું.

રૂપિયા આપ્યા બાદ ખબર પડી કે બેઉ પગારદાર નોકરિયાત છે

બેઉની વાતો પર ભરોસો મૂકીને ફરિયાદીએ ૨૫-૧૦-૨૦૨૪ના રોજ પ્રથમ પંદર લાખ આપેલાં. તે નાણાંમાંથી ભાડું અને રાજકોટથી મોલને લગતું ફર્નિચર તથા સેલ્ફ ખરીદી ૦૫-૧૨-૨૦૨૪ના રોજ મોલ શરૂ કરાયો હતો. ત્યારબાદ ફરિયાદીએ ૨૪-૦૨-૨૦૨૫ સુધીમાં પોતાના બેન્ક ખાતામાંથી ટૂકડે ટૂકડે પેઢીના ખાતામાં ૬૦ લાખ ચૂકવી આપ્યા હતા. રૂપિયા ચૂકવ્યાં બાદ ફરિયાદીએ પાર્ટનરશીપ ડીડનું લખાણ કરવાનું કહેતા બેઉ જણ વાયદા કરીને ટાળવા માંડ્યા હતા.

ફરિયાદીએ તપાસ કરતાં ખબર પડી હતી કે હકીકતમાં મામા એન્ટરપ્રાઈઝ પેઢીના પાર્ટનર માલિક પુષ્પાબેન મહેશભાઈ કતિરા છે અને આ બેઉ જણ તેમણે મોલના સંચાલન માટે રાખેલા પગારદાર માણસો છે.

સ્લિપીંગ પાર્ટનર એવા પુષ્પાબેન તેમને નફામાંથી અમુક રોયલ્ટી આપે છે. પેઢીનું બેન્ક ખાતું પણ આ બેઉ જણ ઓપરેટ કરે છે.

રૂપિયા પરત માગ્યા તો ધાકધમકીઓ આપી

રાજેશે વળી ‘મુરલીધર એન્ટરપ્રાઈઝ’ નામથી પેઢી બનાવીને આઈયાનગરનો મોલ તે પેઢીના નામે તબદીલ કરી પોતે માલિક બની બેઠો છે. ફરિયાદીએ રૂપિયા પરત માગવાનું શરૂ કરતાં આરોપીઓએ ‘તારાથી થાય તે કરી લેજે, રૂપિયા નહીં મળે, બહુ કરીશ તો જાનથી હાથ ખોઈ નાખીશ’ તેવી ધમકીઓ આપતાં તે ડરી ગયેલાં. એક નિવૃત્ત મામલતદાર મિત્રની મદદ અને સલાહ બાદ તેમણે બેઉ સામે ફરિયાદ નોંધાવી છે.

Share it on
   

Recent News  
૩૦ લાખની ખંડણીના કેસમાં ભુજના સરકારી વકીલ સામે પગલાં ના લેવાતા હાઈકૉર્ટમાં રજૂઆત
 
બે ભાઈ સાથે મળી ઠગાઈ કરી સવા કરોડની મિલકત ધરાવતો ફરાર રીઢો જુસબ કકલ ઝડપાયો
 
શાળા પ્રવેશોત્સવના સરકારી તાયફા માટે કચ્છી નવા વર્ષની જાહેર રજા રદ્દ કરાતાં રોષ