click here to go to advertiser's link
Visitors :  
21-Jun-2025, Saturday
Home -> Bhuj -> Key Accused Jusab Kakal Arrested in DA case earned by crime
Friday, 20-Jun-2025 - Bhuj 5980 views
બે ભાઈ સાથે મળી ઠગાઈ કરી સવા કરોડની મિલકત ધરાવતો ફરાર રીઢો જુસબ કકલ ઝડપાયો
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છમાં છેલ્લાં ૨૨ વર્ષથી સસ્તાં સોનાના નામે ચીટીંગ, હત્યાના પ્રયાસ, લૂંટ, પોક્સો, એટ્રોસીટી, લેન્ડ ગ્રેબિંગ સહિતના ૧૯થી વધુ ગુનાઓમાં સંડોવાયેલાં નામીચા કકલબંધુઓની ત્રિપુટી પર ગત એપ્રિલ માસમાં LCBએ નવો ગુનો દાખલ કરેલો. જુસબ દિલાવર કકલ અને તેના ભાઈ હુસેન તથા દિલાવરે છેલ્લાં વીસ વર્ષ દરમિયાન સિન્ડિકેટ બનાવી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ આચરીને ૧ કરોડ ૨૩ લાખ ૭૬ હજારની ચલ અને અચલ સંપત્તિઓ વસાવી હોવા બદલ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધાવેલી.

૨૪-૦૪-૨૦૨૫ના રોજ ભુજ એ ડિવિઝનમાં દાખલ થયેલા ગુનામાં ભુજના એરપોર્ટ રોડ પર રુદ્ર રેસિડેન્સીમાં રહેતો જુસબ વલીમામદ કકલ નાસી ગયેલો. જુસબ સામે સસ્તાં સોનાના નામે ઠગાઈ સહિત લેન્ડગ્રેબિંગ, પોક્સો, લૂંટ અને હત્યાના પ્રયાસના બે ગુના સહિત આઠ ગુના નોંધાયેલાં છે. ધરપકડથી બચતો જુસબ ફોર્ડ કાર સાથે આણંદના વિદ્યાનગરમાં હોવાની માહિતીના આધારે સ્થાનિક પોલીસની મદદથી તેેને ઝડપી એલસીબી ભુજ લઈ આવી છે.

સરકાર તરફે દાખલ કરેલી ફરિયાદમાં પોલીસે જણાવ્યું હતું કે જુસબે પોતાની વાર્ષિક આવક ત્રણ લાખ જણાવેલી. પરંતુ, જુસબના પોતાના તથા તેની પત્ની સલમા, પુત્ર નિઝામ, પુત્રી સીમ્મી વગેરેના નામે ભુજની ઓધવ વંદના સોસાયટીમાં બે મકાનો, બે પ્લોટ સહિત કુલ ૧૨ મકાનો-પ્લોટ જેવી અચલ સંપત્તિ સબ રજિસ્ટ્રારના ચોપડે નોંધાયેલી છે.

આરટીઓના ચોપડે જુસબના નામે સ્કોર્પિયો, આઈ ટ્વેન્ટી જેવી બે કાર અને બે દ્વિચક્રી વાહનો નોંધાયેલાં છે. આમ, જુસબની કથિતપણે જમીન દલાલ તરીકેની વાર્ષિક આવક માત્ર ત્રણ લાખ હોવા છતાં તેણે ગુના આચરીને ૫૫ લાખ ૨૮ હજાર ૮૦૦ રૂપિયાની વધુ મિલકત વસાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. પીએસઆઈ એચ.આર. જેઠી અને તેમની ટીમે સઘન તપાસ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
૩૦ લાખની ખંડણીના કેસમાં ભુજના સરકારી વકીલ સામે પગલાં ના લેવાતા હાઈકૉર્ટમાં રજૂઆત
 
શાળા પ્રવેશોત્સવના સરકારી તાયફા માટે કચ્છી નવા વર્ષની જાહેર રજા રદ્દ કરાતાં રોષ
 
ભુજના ટ્રૉલી મોલમાં પાર્ટનર બનાવનાના નામે બે જણે વૃધ્ધ તબીબના ૬૦ લાખ હજમ કર્યાં