કચ્છખબરડૉટકોમ, ભુજઃ ઈન્ડિયા ટીવી નામની નેશનલ ચેનલના પત્રકાર તરીકે પોતાની ઓળખાણ આપીને સતત તોડ કરવાની તાકમાં રહેતા ભુજના રેહા ગામના અલીમામદ ચાકી નામના તોડબાજ પત્રકાર સામે ચોથી ફરિયાદ દાખલ થઈ છે. ભુજની લક્ષ્મી બેકરીમાં કેક પર માખી ઉડતી હોવાના વીડિયોના આધારે બેકરીને બદનામ કરી નાખવાની, સીલ મરાવી દેવાની ધમકી આપી અલીયાએ અડધા લાખ રૂપિયાની ખંડણી માગી હતી. નીતિન ગરવા નામના પત્રકારે વીડિયો રેકોર્ડ કરેલો
બેકરી માલિક નીતિન ભાનુશાલીએ જણાવ્યું કે ૧૪ જૂલાઈના રોજ સાંજે પોણા આઠ વાગ્યે તેમને અજાણ્યા વોટસએપ નંબર પરથી નીતિન ગરવા નામના શખ્સે પેસ્ટ્રીમાં માખીઓ ઉડતી હોવાની વીડિયો ક્લિપ ફોટો મોકલેલાં. બાદમાં આ શખ્સે ફોન કરીને જણાવેલું કે હું શોપમાં કેક લેવા ગયેલો ત્યારે માખી ઉડતી હતી. જેના ફોટો વીડિયો મેં ઉતારીને મીડિયા ગૃપમાં વાયરલ કર્યાં છે. બેકરી માલિકે બેકરીમાં પૂરતી સ્વચ્છતા રખાતી હોવાનું જણાવતાં આ શખ્સે ફોન કટ કરી દીધો હતો.
ધમકી આપીને પચાસ હજાર રૂપિયા માગેલા
એક કલાક બાદ અલી મામદ ચાકીએ માલિકને ફોન કરેલો. તેણે આ વીડિયો વીડી હાઈસ્કુલ પાસે આવેલી તમારી બેકરીનો હોવાનું જણાવીને તેના સમાચાર પ્રગટ કરું છું તેવો દમ મારેલો. બીજા દિવસે અલીયો બેકરી માલિકને મળવા ગયેલો .
અલીયાએ બેકરીની કથિત ગંદકીના સમાચાર બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરીને બેકરીને બદનામ કરી દેવાની તથા ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં રજૂઆતો કરીને બેકરીને સીલ મારી દેવડાવવાની ધમકી આપેલી.
આ બધાથી બચવું હોય તો પચાસ હજાર રૂપિયા આપવા પડશે તેમ કહીને ખંડણી માંગેલી. ફરિયાદીએ તેને વિનવણી કરીને સાંજ સુધીનો સમય આપવા વિનંતી કરી હતી.
પૈસા લેવા પહોંચે તે પહેલાં પોલીસે ઝડપી લીધેલો
ફરિયાદીએ સાંજે આ અંગે પિતા અને ભાઈને વાત કરતાં તેમણે બદનામીથી બચવા માટે પચાસ હજાર રૂપિયા આપી દેવા જણાવ્યું હતું. જો કે, બીજા દિવસે અલીયા અને વાજીદ ચાકીની લોકલ ક્રાઈમ બ્રાન્ચે ખંડણી કેસમાં ધરપકડ કરી લીધી હતી અને પછી અલીયાનો ફોન જ આવ્યો નહોતો.
કહેવાતા પત્રકાર નીતિન સામે પણ તપાસ શરૂ
ફરિયાદમાં પોલીસે અલી ચાકી સામે જ ગુનો નોંધ્યો છે. જો કે, અલી ચાકીને આ વીડિયો ફોટો રેકોર્ડ કરીને નીતિન નામના સાગરીતે મોકલેલાં તેમ ફરિયાદમાં જણાવાયું છે.
અલીયાના સાગરીત નીતિને જ સૌપ્રથમ ફરિયાદીના વોટસએપ પર વીડિયો ફોટો મોકલેલાં અને પોતે કેક ખરીદવા ગયો ત્યારે આ બધું રેકોર્ડીંગ કરેલું તેમ જણાવેલું. આ નીતિન પણ અવારનવાર અવનવી ટીવી ચેનલોના માઈક લઈને ગામમાં ફરે છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે નીતિને આ વીડિયો અને ફોટો વોટસએપ અને ટ્વિટર પર પોસ્ટ કરીને ગામમાં વાયરલ કર્યાં હતા.
ખંડણીના હેતુથી કોણે કયા કેમેરાથી વીડિયો રેકોર્ડીંગ કરેલું, બેકરીને બદનામ કરતા ફોટો વીડિયો મેસેજ કોણે કોણે વાયરલ કરેલાં, જેની બદનામી કરવા પ્રયાસ કરાયો તે બેકરી માલિકનો ખુલાસો લેવાયો હતો કે કેમ તે સહિતના મામલે પોલીસ તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે આ ગેંગે ભૂતકાળમાં ઠંડા પીણાંની બાટલીઓમાં જીવડાંઓ ફરતાં હોવાના ભ્રામક વીડિયો ફોટા બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલાં છે. ભુજ એ ડિવિઝન પોલીસ ઊંડી ઉતરે તો હજુ નવા ચહેરા અને નવા કાંડ બહાર આવી શકે છે.
Share it on
|