કચ્છખબરડૉટકોમ, ભુજઃ સાયબર ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટ અંગે જાગૃતિ આણવાના લાખ પ્રયાસો છતાં લોકો લૂંટાતા છેતરાતાં રહ્યાં છે. ભુજમાં સાયબર ફ્રોડસ્ટરોએ જૂની અને જાણીતી મોડસ ઓપરેન્ડી દ્વારા નિવૃત્ત મહિલા શિક્ષકને ત્રણ દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરીને ૭૬ લાખ જેવી જંગી રકમ પડાવી લીધી છે. શરૂઆત સીમકાર્ડ બંધ થવાની ચીમકીથી થઈ
શહેરની બેન્કર્સ કોલોનીમાં રહેતા ૬૪ વર્ષિય વિધવા ગિરિજા લિન્કન ટેનન નિવૃત્ત શિક્ષિકા છે. તેમનો એક દીકરો દુબઈ અને બીજો દીકરો બેંગ્લોર સ્થાયી થયેલાં છે. બુધવાર તારીખ ૧૬ જૂલાઈની બપોરે દોઢ વાગ્યે તેમને અજાણ્યા નંબર પરથી ફોન આવેલો. ફોન કરનાર સ્ત્રીએ તેમને જણાવેલું કે તમારા આ સીમકાર્ડનો નંબર ગેરકાયદે પ્રવૃત્તિમાં સંકળાયેલો હોવાનું બહાર આવ્યું છે, જેથી થોડીકવાર પછી તમારું આ સીમકાર્ડ બંધ થઈ જશે. વધુ માહિતી જાણવી હોય તો નવ નંબરનો આંકડો ડાયલ કરો. ફરિયાદીએ નવ નંબર દબાવતા કોઈ અન્યને કૉલ જોડાયેલો.
મની લોન્ડરીંગના કેસના નામે બીક બતાડી
ફોન ઉપાડનારે પોતે મુંબઈ કોલાબા પોલીસ સ્ટેશનથી બોલતો હોવાનું જણાવીને નરેશ ગોયલ નામના શખ્સે કરેલા કરોડોના ગેરકાયદે ટ્રાન્ઝેક્શનમાં તમારા બેન્ક ખાતાનો પણ ઉપયોગ થયો છે. તમારા ખાતામાં ૬ કરોડના ટ્રાન્ઝેક્શન થયા છે અને મની લોન્ડરીંગનો ગુનો નોંધાયો છે. તમે તાત્કાલિક કોલાબા પોલીસ સ્ટેશન આવી જાવ. ફરિયાદીએ પોતે ગુજરાતમાં હોવાનું જણાવીને ફોન કટ કરી દીધો હતો.
પોલીસ યુનિફોર્મ પહેરીને હાઉસ અરેસ્ટ કર્યાં
ત્યારબાદ બે જુદાં જુદાં અજાણ્યા નંબરો પરથી વૉટસએપ પર ગૃપ કૉલ આવેલો. ફોન ઉપાડ્યો ત્યારે પોલીસ યુનિફોર્મમાં રહેલા શખ્સે પોતાની પોલીસ કર્મચારી તરીકે ઓળખાણ આપીને મની લોન્ડરિંગના ગુના વિશે વાત કરીને તમને ડિજિટલ અરેસ્ટ કરવા પડશે, તમે સિનિયર સિટિઝન છો એટલે હાઉસ અરેસ્ટ કરવા પડશે, સુપ્રીમ કૉર્ટના ધક્કા ખાવા પડશે વગેરે કહી સેટલમેન્ટ માટે તમારી સંપત્તિની વિગતો જણાવવી પડશે તેમ કહેલું.
સતત ત્રણ દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા મેળવ્યાં
ફ્રોડસ્ટરોએ તેમને સુપ્રીમ કૉર્ટે તેમના નામે ઈસ્યૂ કરેલી નોટિસ પણ બતાવી હતી. બાદમાં એફડી તોડાવી તથા ખાતામાં રહેલી રકમ યસ બેન્કના ખાતામાં જમા કરાવવી પડશે તેમ કહીને તેમણે ફરિયાદીને તેમના ત્રણ જુદાં જુદાં ખાતામાં રહેલી ૭૬ લાખની રકમ પોતાના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવી દીધી હતી. ફરિયાદી બેન્કમાં ગયા ત્યારે પણ તેમણે સતત વીડિયો કૉલ ચાલું રાખેલાં. ગઠિયાઓએ સતત ત્રણ દિવસ સુધી તેમને ડિજિટલ અરેસ્ટ કરી રાખ્યા હતા.
પુત્રએ માતાને પૃચ્છા કરતાં ખબર પડી
માતાએ કરેલા બેન્ક ટ્રાન્ઝેક્શનના મેસેજ અને ઈ મેઈલ બેંગ્લોર ખાતે રહેતા પુત્રને જતાં તેણે માતાને પૂછતાં આખો મામલો સમજી ગયો હતો. ગઈકાલે પુત્રએ તેના મિત્રના પિતાને ઘરે મોકલીને માતાને ગઠિયાઓની જાળમાંથી મુક્ત કરાવી હતી. બનાવ અંગે બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને વિવિધ કલમો તળે અજ્ઞાત સાયબર માફિયાઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Share it on
|