કચ્છખબરડૉટકોમ, ભુજઃ દેશ-વિદેશમાં પ્રવાસ કરવા ઈચ્છતાં લોકો સાથે અજાણી ટૂર એન્ડ ટ્રાવેલ્સ એજન્સીઓ દ્વારા થતી છેતરપિંડીના કિસ્સા અવારનવાર બહાર આવે છે. પરંતુ, ભુજના ચાર મિત્રો જોડે અમદાવાદના ઓળખીતા ટ્રાવેલ એજન્ટે જ બે લાખની ઠગાઈ કરી છે! ભુજની સનસીટી મુંદરા રીલોકેશન સાઈટમાં રહેતા અને ઈન્સ્યોરન્સ સર્વેયર તરીકે કામ કરતા ૩૭ વર્ષિય દિગ્વિજયસિંહ ગોહિલે ભુજના અન્ય ત્રણ મિત્રો સાથે મળીને ઓક્ટોબરમાં અઝરબૈઝાનના બાકુ શહેરમાં ફરવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. ગોહિલે વિઝાથી લઈ રીટર્ન એર ટિકિટ સહિતની તમામ સેવાઓ સાથેનું ટૂર પેકેજ પ્લાન કરી આપવા અમદાવાદમાં રહેતા ઓળખીતા ટ્રાવેલ એજન્ટ જીગર જીતેન્દ્રભાઈ દવે (રહે. જનતાનગર, ચાંદખેડા)ને કામ સોંપ્યું હતું.
જીગરે ચારે મિત્રો માટે અમદાવાદથી બાકુ વાયા દિલ્હીની રીટર્ન એર ટિકિટ સાથે ૨.૧૦ લાખમાં પેકેજ પ્લાન કરી આપ્યું હતું. આ માટે તેણે વિવિધ બહાને ટૂકડે ટૂકડે એડવાન્સમાં ૧ લાખ ૪ હજાર રૂપિયા મેળવ્યાં હતાં.
જીગરે તેમને વોટસએપ પર દિલ્હીથી બાકુ જતી ફ્લાઈટની એર ટિકિટ પણ મોકલી આપી હતી. બીજી ઓક્ટોબરના રોજ ચારે મિત્રો હોંશથી ભુજથી અમદાવાદ પહોંચ્યાં હતાં. પરંતુ, જીગર તેમને મળ્યો નહોતો. જીગરે તેમને અમદાવાદથી ફ્લાઈટમાં દિલ્હી જઈ બાકુની ફ્લાઈટ ટાઈમસર પકડી લેવા જણાવી અમદાવાદ દિલ્હીની ફ્લાઈટનું એર ફેર પાછળથી પેકેજમાં એડજસ્ટ કરી આપવાનો વાયદો કર્યો હતો.
દિલ્હીથી ચારે મિત્રો બાકુની ફ્લાઈટમાં બેસવા ગયાં હતા પરંતુ એરપોર્ટ ઑથોરીટીએ તેમની પાસે રહેલી એર ટિકિટ કોઈએ બૂક કરી ના હોવાનું જણાવ્યું હતું. જીગરનો ફોન બંધ થઈ ગયો હતો.
ચારે મિત્રો ધોયેલાં મૂળાની જેમ ફ્લાઈટમાં પરત અમદાવાદ આવ્યાં હતાં. ફરિયાદીએ જીગરના ઘેર જઈ તપાસ કરતાં તેની પત્ની અને પિતાએ હાથ અધ્ધર કરી દઈ જણાવ્યું હતું કે તેમને જીગર સાથે કશી લેવા દેવા નથી. તે કોઈને કહ્યાં વગર ઘર છોડીને જતો રહ્યો છે. ફરિયાદીએ જણાવ્યું કે ભુજથી દિલ્હી સુધી આવવા-જવાની ટિકિટ અને હોટેલ સ્ટે પાછળ તેમના બીજા ૯૬ હજાર રૂપિયા ખર્ચાઈ ગયાં હતાં. ઘટના અંગે ભુજ એ ડિવિઝન પોલીસે જીગર સામે ચારસોવીસીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Share it on
|