કચ્છખબરડૉટકોમ, ભુજઃ દિવાળીના સપરમા દિવસોમાં થયેલાં જીવલેણ માર્ગ અકસ્માતોની વધુ ત્રણ ઘટના મુંદરા, માંડવી અને પધ્ધર પોલીસ મથકના ચોપડે નોંધાઈ છે. દુર્ઘટનામાં ત્રણ યુવકે અકાળે જીવ ગુમાવ્યાં છે. ૧૪ નવેમ્બરે પત્નીને બાઈક પર બેસાડી માંડવી બીચ પર ફરવા નીકળેલાં મુંદરાના કારાઘોઘાના ૩૨ વર્ષિય કરસન લાલજીભાઈ જોગીનું માંડવીમાં માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજાથી મૃત્યુ નીપજ્યું હતું. કરસન માંડવીના લુગડાં બજાર શૉરૂમ પાસેથી બપોરે એકના અરસામાં પસાર થતો હતો ત્યારે આગળ જતાં વાહનને ઓવરટેક કરવા જતાં એકાએક તેની મોટર સાયકલ સ્લીપ થઈ ગઈ હતી. જેમાં તેને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. કરસનને ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો પરંતુ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. દુર્ઘટનામાં તેની પત્ની જ્યોતિ પણ ઘાયલ થઈ હતી.
મુંદરાઃ રોડસાઈડમાં પાર્ક ટ્રેલરમાં ભટકાતાં યુવકનું મોત
મુંદરાના ધ્રબ ગામની સીમમાં હોટેલ લંબુ સામે રોડસાઈડમાં પાર્ક ટ્રેલર પાછળ રાત્રિના અંધારામાં બાઈકચાલક ભટકાતાં માથાં અને ગળામાં ગંભીર ઈજાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું. દુર્ઘટના ૧૫ અને ૧૬ નવેમ્બરની મોડી રાત્રે ઘટી હતી. મરણ જનાર ૩૭ વર્ષિય નૌરંગલાલ ચૈતરામ સૈની મૂળ રાજસ્થાનના ઝુંઝનુનો વતની હતો અને નાના કપાયા પાસે આવેલી હોટેલમાં કામ કરતો હતો. વતન જવા માટે નાણાં કઢાવવા તે મિત્રની બાઈક લઈને નીકળ્યો હતો ત્યારે અંધારામાં ટાંપીને બેઠેલાં યમરાજની અડફેટે આવી ગયો હતો.
નાડાપા ફાટકે ટ્રેક્ટરની ટક્કરે યુવકનું મોત
ભુજ તાલુકાના ધાણેટી નજીક નાડાપા ફાટક પાસે ટ્રેક્ટરે બાઈકને ટક્કર મારતાં ૧૮ વર્ષિય યુવકનું પેટમાં ગંભીર ઈજાથી મૃત્યુ નીપજ્યું છે. ૧૫ નવેમ્બરની બપોરે સવા બારના અરસામાં દુર્ઘટના ઘટી હતી. હતભાગી બિબેક બાબુલ પૉલ મૂળ આસામના બાદલપુર જિલ્લાનો વતની હતો અને ધાણેટી નજીક આવેલી વિનસ કંપનીના કોન્ટ્રાક્ટર પાસે મજૂરી કરતો હતો. ફેક્ટરીમાં કામ દરમિયાન અચાનક તબિયત લથડતાં તે બાઈક પર સુપરવાઈઝરને પાછળ બેસાડી ધાણેટીના દવાખાને દવા લેવા નીકળ્યો હતો પરંતુ રસ્તામાં અધવચ્ચે મોત ભેટી ગયું હતું. ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બીજા દિવસે તેણે કાયમ માટે આંખો મીંચી લીધી હતી. પધ્ધર પોલીસે GJ-12 FD-2050 નંબરના ટ્રેક્ટરચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Share it on
|