કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના પ્રમુખ સ્વામી નગરમાં રહેતી ૩૮ વર્ષિય મહિલાએ ત્રણ બેનપણી સામે વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણી બદલ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ૩૮ વર્ષિય ફરિયાદી કોમલબેન હિતેશભાઈ ઠક્કરે તેની ત્રણ બેનપણી યોગેશ્વરી ઊર્ફે ટીના કિશોરભાઈ જણસારી, જિજ્ઞા રાજેશભાઈ ઠક્કર અને નીતા ગૌતમભાઈ ગજરા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. ટીનાના ૫.૫૦ લાખ સામે ૯.૪૬ લાખ ચૂકવ્યાં
ફરિયાદમાં કોમલે જણાવ્યું કે જૂનાગઢ રહેતા તેના ભાઈને અગરબત્તીના જથ્થાબંધ વેપારમાં નાણાંની જરૂરત ઊભી થયેલી. ફરિયાદી કિટ્ટી પાર્ટીમાં જતી હોઈ મિરજાપરના મહાદેવનગરમાં રહેતી ટીના જણસારી સાથે તેનો પરિચય થયેલો. ટીનાને વાત કરતાં તેણે વ્યાજે રૂપિયા આપેલાં. કોમલે ટીના પાસેથી ૨૦૨૩થી ટુકડે ટુકડે અલગ અલગ વ્યાજદરે પચાસ પચાસ હજાર લેખે કુલ ૫.૫૦ લાખ મેળવેલાં. બદલામાં ટીનાને વ્યાજ પેટે ૯.૪૬ લાખ રૂપિયા ચૂકવી આપેલાં. ટીનાએ સ્યોરીટી માટે કોમલ પાસેથી સહી કરેલાં ત્રણ કોરાં ચેક અને સોનાની ચેઈન, કાનની બુટ્ટી લઈ લીધા હતા.
જિજ્ઞા અને નીતાને પણ ઊંચુ વ્યાજ ચૂકવ્યું
વ્યાજનું વિષચક્ર પૂરું ના થતાં કોમલે પ્રમુખ સ્વામી નગરમાં રહેતી જિજ્ઞા ઠક્કર પાસેથી ટુકડે ટુકડે ૧૦ લાખ રૂપિયા મેળવેલાં. તેની સામે વ્યાજ પેટે ૧૫.૬૫ લાખ રૂપિયા ચૂકવી આપ્યાં છે. તો, પ્રમુખ સ્વામી નગરની નીતા ગજરા પાસેથી મેળવેલા દોઢ લાખ સામે અઢી લાખ રૂપિયા ચૂકવી આપ્યાં છે.
ભાઈ મરી ગયો છે પરંતુ વ્યાજનું ચકરડું ચાલું જ રહ્યું છે. ત્રણે બેનપણી મુદ્દલ અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરી રહી છે.
ભાઈના ધંધા માટે ત્રણ બહેનપણીઓ પાસેથી ટુકડે ટુકડે અલગ વ્યાજ દર અને સમયે ૧૭ લાખ રૂપિયા સામે વ્યાજ પેટે ૨૭.૬૧ લાખ ચૂકવી દીધા છતાં વ્યાજનું વિષચક્ર ચાલુ રહેતા કંટાળીને કોમલે મરવા માટે પણ પ્રયાસ કરેલો. પોલીસે ત્રણે બેનપણીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Share it on
|