|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજમાં ભાડૂતી માણસોની ભીડ ભેગી કરીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના રોડ શોને સફળ બનાવવા હવાતિયાં મરાયાં હતા. સંઘવીએ ફિલ્મી ડાયલોબાજી કરતા હોય તેમ ભાષણ આપેલું કે તમારા વોર્ડમાં કોંગ્રેસનો એકાદો ચૂંટાઈ આવશે તો નવરાત્રિ બંધ કરી દેશે! કોંગ્રેસને મત ના આપવા આવી ડાયલોગબાજી કરી રહેલા સંઘવીને કદાચ એ ખબર નથી કે ભુજની ભાગોળે માધાપર નવા વાસ ગામમાં ભાજપ સમર્થિત પંચાયતનું શાસન આવ્યાં બાદ લોકોને મળતું પાણી બંધ થઈ ગયું છે!
ભાજપની બૉડી સત્તામાં આવી ને જનતાની દુર્દશા બગડી
માધાપર નવા વાસ ગ્રામ પંચાયતમાં વર્ષોથી કોંગ્રેસ સમર્થિત બોડી ચૂંટાતી રહી છે. છેલ્લે યોજાયેલી ચૂંટણીમાં અપસેટ સર્જીને ભાજપ સમર્થિત બોડી સત્તામાં આવી છે.
નવી બોડી પોતાનો સિક્કો જમાવવા ગામમાં નવા વિકાસકાર્યો હાથ ધરશે તેમ લોકોને હતું. પરંતુ હકીકત તેનાથી ઊલટી થઈ છે.
ગટર, પાણી, સફાઈને લગતી પાયાની સમસ્યાઓ ઓર વકરી ગઈ છે. દોઢ માસ અગાઉ માધવ રેસિડેન્સી અને ઐશ્વર્યાનગરના રહીશોએ ગ્રામ પંચાયત કચેરીએ ઉમટી પડીને ગટર ઉભરાવાની અને જર્જરિત રોડ રસ્તા બાબતે ઉગ્ર રજૂઆતો કરી હતી, છતાં કોઈના પેટનું પાણી હલ્યું નથી.
ગામની ભાગોળે ગંગેશ્વર રોડ પર આવેલા નરનારાયણનગર સહિતના વિસ્તારમાં છેલ્લાં એક માસથી પાણીની વિકટ તંગી સર્જાઈ છે. પંદર દિવસથી તો લોકોને ટીપું પાણી મળ્યું નથી.
વક્રતા એ છે કે ચૂંટણી ટાણે ઈરાદાપૂર્વક સર્જવામાં આવેલી આ સમસ્યા ચૂંટણી પતી, ભાજપના ઉમેદવારો જીતી ગયાં તે પછી પણ યથાવત્ રખાઈ છે!
પાણીની તંગીની સમસ્યાથી વાકેફ ભાજપના સ્થાનિક આગેવાન જીતુ માધાપરીયા દર વખતે સ્વીકારે છે કે આ સમસ્યા માનવસર્જીત છે!
‘પોતાના’ માણસો સાચવવા સરપંચ-તલાટીનો કુટિલ ખેલ
આ વિસ્તારમાં રહેતાં મોટાભાગના લોકો સ્થાનિક મતદારો નથી. અન્ય ગામ શહેરોમાંથી અહીં સ્થળાંતરિત થઈને અહીં બનતી નવી નવી સોસાયટીઓમાં વસવાટ કરવા આવ્યાં છે. ચૂંટણીઓ આવે ત્યારે ગામમાં વસતાં પોતાના ‘સમર્થિત મતદારો’ને પાણીની જરાય તંગી ના સર્જાય તેની લ્હાયમાં ભાગોળે આવેલી સોસાયટીઓના રહીશોના પાણીના જથ્થામાં ‘અદ્રશ્ય આદેશ’થી કાપ મૂકાઈ ગયો છે!
અગાઉ ગ્રામ પંચાયતની ચૂંટણી ટાણે પણ આવો જ ખેલ થયેલો. આ સમસ્યા અંગે ગામના સરપંચ, તલાટીથી લઈ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી સુધી રજૂઆત કરાઈ છે.
પરંતુ, ડબલ કે ટ્રીપલ એન્જિનવાળી સરકારની ખૂબી ગણો કે ખામી, કોઈપણ સ્તરેથી કોઈ એક્શન લેવાતાં નથી. લોકો ટેન્કરો મગાવવા મજબૂર છે. એક માસથી સતત ઉગ્ર રજૂઆત છતાં નાક વગરનો સરપંચ કે તલાટી એકપણ વાર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતાં નથી. ઉશ્કેરાયેલી પબ્લિક ફટકારે તેવી આશંકા હોય તો પોલીસ પ્રોટેક્શન સાથે લોકોની સમસ્યા જાણવા મુલાકાત લેવી જોઈએ.
Share it on
|