click here to go to advertiser's link
Visitors :  
19-Jul-2025, Saturday
Home -> Bhuj -> Third FIR of 5 Lakh extortion lodged against so called journo of Bhuj
Thursday, 17-Jul-2025 - Bhuj 11393 views
ભુજની પત્રકાર બેલડી સામે ત્રીજી ફરિયાદઃ ડૉક્ટરને રિવોલ્વર બતાડી પાંચ લાખ માગેલા
કચ્છખબરડૉટકોમ, ભુજઃ બદનામ કરવાની, ખોટાં કેસમાં ફસાવી દેવાની ધાકધમકી આપી ખંડણીની માંગણી અને વસૂલાત કરવાના બે ગુનામાં અંદર થયેલાં ભુજના ટીવી પત્રકારોની બેલડી પર હવે ખંડણીની ત્રીજી ફરિયાદ દાખલ થઈ છે. ભુજના હોસ્પિટલ રોડ પર આવેલી જાણીતી ગણાત્રા હોસ્પિટલના ડૉ. સત્યમ ગણાત્રાએ ભુજ બી ડિવિઝનમાં પત્રકાર અલી ચાકી (રહે. રેહા, ભુજ) અને વાજીદ ચાકી (રહે. મદિનાનગર, ભુજ) સામે પાંચ લાખ રૂપિયાની ખંડણીની માંગણી કર્યાની ફરિયાદ નોંધાવી છે.

ડૉ. સત્યમે જણાવ્યું કે તેઓ વડીલોપાર્જીત ખેતીની જમીનો ધરાવે છે અને પોતે ખેડૂત ખાતેદાર છે. ૨૦૨૪માં તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઈરાદે તેમની સામે મુંબઈ ગણોત વહીવટ અધિનિયમ હેઠળ ભુજ શહેર મામલતદાર અને એગ્રિકલ્ચર લેન્ડ ટ્રિબ્યુનલમાં ફરિયાદ કરાયેલી. આ મામલે સુનાવણી હાથ ધરાયેલી અને ૦૯-૦૪-૨૦૨૫ના રોજ મામલતદારે તેમની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

જમીનના કેસમાં કૂદી પડી પાંચ લાખ માગેલા

આ ફરિયાદની સુનાવણી ચાલતી હતી તે સમયે તેમાં કરાયેલા આરોપની આડ લઈને ચાર માસ અગાઉ વાજીદ અને અલી બેઉ તેમને હોસ્પિટલમાં મળવા આવેલાં. અમે મોટી નેશનલ ન્યૂઝ ચેનલોના મોટા ગજાના પત્રકાર છીએ તેવી ઓળખાણ આપીને બેઉ જણે પાંચ લાખ રૂપિયાની માંગણી કરીને જો રૂપિયા ના મળે તો તેમની વિરુધ્ધમાં ચુકાદો અપાવીને બધી જમીનો શ્રીસરકાર કરાવી દેવાની ધમકી આપેલી.

ફરિયાદીએ રૂપિયા આપવા ઈન્કાર કરતાં તેણે મોટું જમીન કૌભાંડ કર્યું હોવાનું, બોગસ ખેડૂત ખાતેદાર હોવાના આરોપ કરતાં સમાચારો અલગ અલગ સમયે કચ્છ સંદેશ, કચ્છ  ઉદય, કચ્છ કલાપી, મંતવ્ય ટીવી ન્યૂઝ, સત્યાડે ડૉટકોમ વગેરેમાં પ્રગટ કરાવ્યાં હતા.

ફરિયાદી પોતે કોઈ ચોપાનિયાં મગાવતા નહોતા પરંતુ અજાણ્યા માણસો તેમના વિરુધ્ધ છપાયેલા સમાચારોવાળા ચોપાનિયાં આપી જતો હતો. 

રિવોલ્વરથી ડરાવીને ફરી વખત ખંડણી માગેલી

એપ્રિલ મહિનામાં મામલતદારે ફરિયાદીની તરફેણમાં ચુકાદો આપ્યો ત્યારબાદ બેઉ જણ તેમને હોસ્પિટલમાં મળવા આવેલાં. તે સમયે વાજીદ ચાકી કમરે રિવોલ્વર લટકાવીને આવેલો અને ફરિયાદીને ડરાવવા માટે તેનું ધ્યાન રિવોલ્વર તરફ જાય તે રીતે વારેવારે ઈશારા કરતો હતો. બેઉ જણે ડેપ્યુટી કલેક્ટરમાં રિવિઝન અરજી દાખલ કરાવી, મામલતદારનો હુકમ રદ્દ કરાવીને જમીનો શ્રીસરકાર કરાવી દેવાની ધમકી આપી તથા છાપાઓમાં બદનામ કરતાં સમાચારો પ્રગટ કરાવવાની ધમકી આપીને ફરી પાંચ લાખ રૂપિયા માંગેલા.

એક તબક્કે ડરી ગયેલાં ફરિયાદીએ રૂપિયા આપવાની તૈયારી પણ કરી લીધેલી પરંતુ હોસ્પિટલમાં કામ કરતા તેમના માણસ મુસ્તાક ચાકીએ આ બેઉ જણાનો પત્રકારના નામે આ જ ધંધો છે, રૂપિયા ના અપાય કહીને ફરિયાદીને હિંમત બંધાવી હતી.

વધુ  એકવખત બેઉ જણે જુદાં જુદાં ફરફરિયાઓમાં ફરિયાદી વિરુધ્ધ જાણે તે જમીનનો મોટો કૌભાંડીયો હોય તે પ્રકારના આરોપ સાથેના બદનક્ષીકારક સમાચારો પ્રગટ કરાવેલાં. કોઈક સમાચારમાં અલી ચાકીને જાગૃત નાગરિક તરીકે કોઈક છાપામાં આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે ટાંકવામાં આવ્યો હતો.

ત્રીજીવાર મળી ધમકીઃ પાંચ લાખ ના મળ્યાં તો.. 

સમાચારોનો બીજો રાઉન્ડ પૂરો કરીને બંને જણા ત્રીજીવાર ડૉક્ટરને મળવા હોસ્પિટલમાં આવેલાં અને ફરી એ જ ધમકીઓ આપીને પાંચ લાખ આપી દેશો તો બીજા દિવસથી સમાચારો બંધ થઈ જશે નહિતર છેલ્લે હોસ્પિટલ બંધ કરવાનો વારો આવશે.

બદનામીની બીકે ડૉક્ટર અત્યારસુધી ચૂપ બેઠાં હતા પરંતુ બેઉ જણની હપ્તાખોરી અંગે પોલીસે જનતાને આગળ આવી ફરિયાદ નોંધાવવા અનુરોધ કરતાં તેમણે ગત રાત્રે ભુજ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી.

પૂર્વ આઈજીની સૂચના છતાં લાયસન્સ રદ્દ ના થયું

૧૪-૧૨-૨૦૨૨ના રોજ ભુજ આરટીઓ કચેરીમાં આરટીઓ ઈન્સ્પેક્ટર ડી.એમ. પંચાલે પોતાને ગાળો ભાંડીને માથાકૂટ કરવા બદલ વાજીદ ચાકી સહિત ચાર લોકો સામે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ, ધાક ધમકી, જાહેરનામા ભંગ સબબની કલમો તળે ફરિયાદ નોંધાવેલી. તે સમયે પોલીસે તેની રિવોલ્વર કબજે કરી લીધી હતી. આ બનાવને ગંભીરતાથી લઈ તત્કાલિન રેન્જ આઈજી મોથલિયાએ વાજીદની રિવોલ્વરનું લાયસન્સ કેન્સલ કરાવવા પોલીસને ખાસ સૂચના આપી હતી. વરિષ્ઠ અધિકારીની ખાસ સૂચના છતાં પોલીસે લાયસન્સ કેન્સલ કરવા કેમ કોઈ કાર્યવાહી ના કરી તે બાબત તપાસનો વિષય છે.

Share it on
   

Recent News  
‘સાહેબ, મારા દીકરાને તેની પત્ની, પુત્ર અને પુત્રવધૂએ મારી નાખ્યો છે!’ તપાસ કરો
 
ભુજના એ અકસ્માતમાં ૧૯ દિવસે પોલીસે ભારે કલમ લગાડેલીઃ કૉર્ટે આરોપીને જામીન આપ્યા
 
ગાંધીધામના એ અપહૃત વેપારીએ કર્યો નવો ઘટસ્ફોટઃ ખૂંખાર ગેંગનો હેતુ ખંડણીનો હતો?