કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજની ૧૬ વર્ષની તરુણીને ઈન્સ્ટાગ્રામ મારફતે પ્રેમજાળમાં ફસાવી, તેના ફોટા અને વીડિયો મેળવી સોશિયલ મીડિયા પર વાયરલ કરવાના નામે બ્લેકમેઈલ કરી માંડવીના મસ્કાના યુવકે ટુકડે ટુકડે ૪ લાખ મેળવ્યા હોવાનો બનાવ બહાર આવ્યો છે. બ્લેકમેઈલીંગથી કંટાળી તરુણીએ ઘરમાં ફિનાઈલ પીને મરવા માટે પ્રયાસ કરતાં સમગ્ર ઘટના બહાર આવી છે. યુવતીના પિતાએ આપેલી વિગતના આધારે ભુજ સાયબર ક્રાઈમ પોલીસે મોહમ્મદ ઉમર ધા અને તેના મિત્ર આદિલ કલર સામે પોક્સો, ખંડણીની કલમો તળે ફરિયાદ દાખલ કરી છે. એક સપ્તાહ અગાઉ ૨૪ જૂલાઈની સવારે તરુણીએ આત્મહત્યાના કરવાના હેતુથી ઘરમાં રહેલું ફિનાઈલ પી લીધું હતું. તરુણીને તત્કાળ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. દીકરીએ ફિનાઈલ પીધું હોવાનું જાણીને કામસર મુંબઈ ગયેલો પિતા તત્કાળ ફ્લાઈટ પકડી ભુજ દોડી આવ્યો હતો.
સમયસર સારવારના પગલે તરુણી સ્વસ્થ થઈ ગયા બાદ પોતે મોહમ્મદના બ્લેકમેઈલીંગથી કંટાળીને ફિનાઈલ પીધું હોવાનું જણાવ્યું હતું.
ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ જોતાં જોતાં તરુણી આરોપીના સંપર્કમાં આવેલી. આરોપીએ તેને પ્રેમજાળમાં ફસાવેલી. આરોપીએ બેઉની એક અલગ આઈડી બનાવેલી અને તેમાં એકમેક જોડે વીડિયો કૉલ અને ચેટ કરતાં હતા.
અચાનક એક દિવસ આરોપીએ તેનું પોત પ્રકાશીને તરુણીને ધમકી આપેલી કે જો હું કહું એમ તું નહીં કરે તો હું તારા ફોટો, વીડિયો વાયરલ કરી દઈશ. તારા પિતાને પણ પતાવી દઈશ.
તરુણી પાસેથી આરોપીએ ટુકડે ટુકડે રૂપિયા પડાવવાનું શરૂ કરેલું. ઘણીવાર તે મોટર સાયલક લઈ ભુજ આવતો ત્યારે સાથે તેનો મિત્ર આદિલ કલર પણ જોવા મળતો હતો.
આદિલને પણ મિત્ર તરુણીને બ્લેકમેઈલ કરીને રુપિયા મેળવતો હોવાની ખબર હતી.
૨૩મી જૂલાઈના રોજ પોતાને અજમેર જવું છે તેમ કહીને આરોપીએ તેની પાસે સાત હજાર રૂપિયા માગ્યાં હતા. થોડીવાર પછી તે ઘરની સામે આવેલી કેબિન પર રૂપિયા લેવા આવ્યો હતો.
તરુણીનો ભાઈ રૂપિયાની માંગણીની ચેટ અને તેને ઘર પાસે રૂબરૂ જોઈ ગયો હતો.
બીજા દિવસે તરુણીએ ફિનાઈલ પી લીધું હતું.આરોપીએ આ રીતે તરુણી પાસેથી ચાર લાખ રૂપિયા પડાવી લીધા હોવાનું લખાવાયું છે.
Share it on
|