કચ્છખબરડૉટકોમ, દુધઈઃ ૬૦ વરસ અગાઉ વડીલોએ વેચી મારેલા ખેતર પર ફરી હક્કો કબજો જમાવવા હથકંડા કરીને, ખેડૂત પર ખોટાં કેસ કરવાની ધમકી આપીને કાં જમીન અથવા દસ લાખ રૂપિયાની આપવાની ખંડણી માંગી રહેલા નવી દુધઈના એક પરિવારના છ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. છેલ્લાં એક સપ્તાહથી આરોપી પરિવારે ખેતરમાં કબજો જમાવી દીધો હતો અને મૂળ કબજેદાર માલિકને ધાક ધમકી કરી અંદર પ્રવેશવા નહીં દઈને, ખોટાં કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને જમીન આપી દેવા અથવા દસ લાખ આપી દેવાની ખંડણી માગતાં હતા. ફરિયાદીના દાદાએ ૧૯૬૦માં જમીન ખરીદેલી
જૂની દુધઈ ગામે રહેતા ૫૭ વર્ષિય નરશી રાઘુભાઈ હાથિયાણી (પટેલ)એ પોલીસને જણાવ્યું કે સને ૧૯૬૦માં તેમના દાદા નારણ પેથાભાઈ હાથિયાણીએ દુધઈ ગામના સીમ સર્વે નંબર ૨૯૯-૨વાળી ૪ એકર જમીન વેલા હાજા મહેશ્વરી અને કાના પુજા પાસેથી ૧ હજાર રૂપિયામાં અઘાટ વેચાણ દસ્તાવેજથી ખરીદી હતી. આ જમીનનો નવા સર્વે નંબર ૫૯૪ પૈકી ૧ અને ૨ છે અને સાત બારના ઉતારામાં ફરિયાદી તથા તેના બે ભાઈઓના નામ બોલે છે.
હાલના વારસદારોએ કરેલો કેસ ના. કલેક્ટરે કાઢી નાખેલો
વર્ષો અગાઉ બાપ દાદાઓએ પટેલોને પાણીના મૂલે જમીન વેચી મારી હોવાનું માનીને વેલા હાજાના હાલના વારસદારો દેવલ જેઠા, શામજી જેઠા, ડાઈ જેઠા, રામજી જેઠા (રહે. નવી દુધઈ)એ ૨૦૧૫માં અંજાર પ્રાંત અધિકારીની કૉર્ટમાં તેમની જમીન ખોટાં દસ્તાવેજોથી પચાવી પડાઈ હોવાનો તકરારી કેસ દાખલ કરેલો. જો કે, તેમની પાસે આરોપબાજી સિવાય કોઈ જ નક્કર આધાર પુરાવા ના હોઈ એસડીએમએ ૨૦૨૦માં તેમની અરજી ફગાવી દીધી હતી.
એક સપ્તાહથી ખેતરમાં ફરી કબજો જમાવી દીધેલો
આ ઘટના બાદ ૨૦-૦૩-૨૦૨૩માં રામજી જેઠા મહેશ્વરીએ નરશી હાથિયાણી અને તેમના પત્ની પર મારામારી, એટ્રોસિટીની કલમો તળે ફરિયાદ નોંધાવી હતી. જે કેસ હાલ કૉર્ટમાં ચાલી રહ્યો છે. છેલ્લાં એક અઠવાડિયાથી આરોપી પરિવારે ફરી જમીન પચાવી પાડવા હથકંડા શરૂ કરેલાં. ૨૩ જૂલાઈના રોજ તેઓ ફરિયાદીના ખેતરનો કબજો જમાવીને બેસી ગયેલાં.
ખોટાં કેસની ધમકી આપી ખંડણીની માંગણી
ફરિયાદી ખેતરે ગયાં તો તેમને કાં જમીનના દસ લાખ આપો અથવા જમીન પાછી આપી દો કહીને માથાકૂટ કરેલી. આરોપીઓએ ફરિયાદી પર છેડતી, એટ્રોસિટી, ઝેરી દવા પીવડાવીને મારી નાખવા કોશિશ કર્યા વગેરે આરોપ હેઠળ ખોટી ફરિયાદ નોંધાવવા ધમકી આપી ખેતરેથી હાંકી કાઢેલ. ત્યારબાદ સતત ૨૮ જૂલાઈ સુધી ફરિયાદીને તેમની માલિકીની ખેતરમાં પ્રવેશવા ના દઈને ધાક ધમકી કરેલી. ગઈકાલે ફરી આ જ આરોપીઓએ ફરી એ જ ધાક ધમકી કરેલી. બનાવ અંગે દુધઈ પોલીસે એક અજાણ્યા શખ્સ સહિત ૬ જણ સામે વિવિધ ગંભીર કલમો તળે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
Share it on
|