કચ્છખબરડૉટકોમ, ભુજઃ મુંદરાના નવીનાળ ગામની ૧૦૮ હેક્ટર ગૌચર જમીન અદાણી પોર્ટ એન્ડ સેઝ પાસેથી પરત લેવાના ગુજરાત હાઈકૉર્ટના નિર્ણય સામે સુપ્રીમ કૉર્ટે સ્ટે આપ્યો છે. ૨૦૦૫માં ગુજરાત સરકારે નવીનાળ સહિત ત્રણ ગામના ગૌચરની ૧૨૯ હેક્ટર જમીન અદાણી જૂથને પોર્ટ તથા સેઝનો વિકાસ કરવા ફાળવી હતી. જમીન ફાળવણી પેટે રાજ્ય સરકારે અદાણી જૂથ પાસેથી ૩૦ ટકા પ્રિમિયમ વસૂલી ૩૭.૩૯ લાખ રુપિયા વસૂલ્યાં હતાં. સરકારે આ ગામોને બદલામાં ગૌચરની વૈકલ્પિક જમીન ફાળવવા જણાવ્યું હતું. જો કે, નવીનાળ ગામને ગામથી દૂર અલગ અલગ ટૂકડામાં ગૌચરની વૈકલ્પિક જમીન ફાળવતાં ૨૦૧૧માં નવીનાળ ગ્રામ પંચાયતે ગુજરાત હાઈકૉર્ટમાં અરજી દાખલ કરેલી. સુનાવણી દરમિયાન હાઈકૉર્ટે ગામને ગામમાં જ ગૌચર જમીન ઉપલબ્ધ કરાવવા સૂચના આપતાં ગુજરાત સરકારે નવીનાળની ૧૦૮ હેક્ટર ગૌચર સહિતની ૧૨૯ હેક્ટર જમીન પરત લેવા ઠરાવ કર્યો હતો. ગત શુક્રવારે હાઈકૉર્ટમાં સુનાવણી દરમિયાન આ ઠરાવ અંગે ગુજરાત સરકારને જાણ કરી હતી. સરકારના આ નિર્ણયનો અદાણી જૂથે વિરોધ કરી સુપ્રીમમાં અરજી કરતાં આજે સ્ટે મળ્યો છે.
Share it on
|