|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના ગડા પાટિયા પાસે આવેલી SOS ચિલ્ડ્રન વિલેજ નામની સંસ્થા સામે વધુ એકવાર ગંભીર ગુનો નોંધાયો છે. નિરાધાર અને કાળજી રક્ષણની જરૂરવાળા બાળકોને આશ્રય આપતી આ સંસ્થાની મધર લતીફા બેગમે માસૂમ બાળકો પર ક્રૂર અત્યાચાર આચર્યો છે. જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ લતીફા સામે માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પાંચમી ઓક્ટોબરે બાળ સુરક્ષા અધિકારીને એક ઈ-મેઈલ મળેલો. જેમાં સંસ્થામાં મધર તરીકે બાળકોની સંભાળનું કામ કરતી લતીફા બેગમના અત્યાચારોની ગંભીર વિગતો લખેલી હતી. બાળ સુરક્ષા અધિકારીએ માહિતીને ગંભીરતાથી લઈ સંસ્થામાં તપાસ કરેલી. લતીફા બેગમના અત્યાચારનો ભોગ બનેલાં બાળકોને મળેલાં. જેમાં લતીફા બેગમની નિર્દયતા જાણવા મળી હતી. લતીફા આશ્રિત નાનાં બાળકોને નાની નાની બાબતે અમાનુષી માર મારતી હતી. તેમને અત્યંત અસભ્ય અને માનસિક આઘાત પહોંચાડે તેવી ગાળો ભાંડતી હતી.
નિષ્ઠુર લતીફા બેગમ ઘણીવાર શારીરિક અત્યાચારોની પરાકાષ્ઠા વટાવીને બાળકોના મોંઢા પર માનવ મળ ફેંકવા જેવી અત્યંત ઘૃણાસ્પદ અને અમાનવીય ક્રૂરતા આચરતી હતી. તેના આ અત્યાચારોના લીધે સંસ્થામાં આશ્રિત બાળકો ભારે ભય અને માનસિક આઘાત હેઠળ જીવી રહ્યાં છે.
બાળ સુરક્ષા અધિકારીએ આ અંગે સંસ્થાના જવાબદાર પદાધિકારીઓને જાણ કરીને પગલાં લેવા જણાવ્યું હતું પરંતુ સંસ્થાએ તેની સામે કોઈ જ કાયદેસર કાર્યવાહી કરી નથી અને કેવળ તેની દિલ્હીમાં બદલી કરી દઈને તપાસ ચાલુ હોવાનો એકનો એક રાગ આલાપી રહી છે.
લતીફા બેગમના કરતૂતમાં સંસ્થાના જવાબદાર પદાધિકારીઓની પણ ગુનાહિત સંડોવણી અને બેદરકારી સ્પષ્ટ થતી હોઈ ગુનામાં મદદગારી બદલ તેમની સામે કાર્યવાહી કરવા જણાવાયું છે.
ઘટના અંગે માધાપર પોલીસે જુવેનાઈલ જસ્ટિસ એક્ટની કલમ ૭૫ અને ૮૨ તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૫ (૨), ૨૯૬ (બી) અને ૧૩૧ હેઠળ લતીફા બેગમ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. લતીફા હાલ દિલ્હી છે.
►બાળકો પર ગંભીર અત્યાચારના મામલે SOS સંસ્થા ભૂતકાળમાં પણ વિવાદોમાં ચમકતી રહેલી છે. સંસ્થામાં આશ્રય મેળવતાં અને ધોરણ પાંચમા અભ્યાસ કરતાં ત્રણ બાળકો સંસ્થાના નિર્દયી સ્ટાફ દ્વારા મારવામાં આવતા ઢોર મારથી ત્રાસીને ૦૩-૦૭-૨૦૧૭ની રાત્રે નાસી છૂટેલાં. યોગાનુયોગે કુકમા પાસે રખડતાં ત્રણે બાળકોને જોઈને એક રીક્ષાચાલક તેમને વિશ્વાસમાં લઈ પધ્ધર પોલીસ મથકે લઈ ગયેલો. બનાવ અંગે પોલીસે બાળકોના વાલી વારસોને જાણ કરેલી પરંતુ ગરીબ વાલી-વારસો ફોજદારી ફરિયાદ નોંધાવવા આગળ ના આવતા પોલીસે પણ ભેદી કારણોસર મામલો ત્યાં પડતો મૂકીને સંસ્થાના તત્કાલિન આસિસ્ટન્ટ ડિરેક્ટર હિમાંશુ ત્રિવેદીને કાયદેસર કાર્યવાહીની ચીમકી આપીને જવા દીધો હતો
►ઑગસ્ટ ૨૦૦૮ના વર્ષમાં સંસ્થામાં આશ્રય મેળવતી સગીર દીકરીએ સંસ્થાના કર્મચારી બ્રિજાનંદ દુબે અને કીર્તિકા પરમાર સામે દુષ્કર્મની કલમો તળે ફરિયાદ નોંધાવેલી. બ્રિજાનંદ અને કીર્તિકા વચ્ચે લફરું હતું અને ભોગ બનનારને તે અંગે ખબર પડી જતાં કીર્તિકાએ બ્રિજાનંદને ઉશ્કેરીને પોતાના પર બળાત્કાર કરાવ્યો હોવાની ફરિયાદ નોંધાવેલી.
ઘટના અંગે તત્કાલિન ભુજ તાલુકા પોલીસ સ્ટેશનમાં ૩૧-૦૮-૨૦૦૮ના રોજ ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર ૩૯૧/૦૮થી ફરિયાદ નોંધી હતી.
કીર્તિકાએ પોતાને બલિનો બકરો બનાવાઈ હોવાનું જણાવીને સંસ્થામાં ચાલતા સેક્સ રેકેટ અને મોટાં માથાંની સંડોવણીનો ઘટસ્ફોટ કરવાની તત્પરતા દર્શાવી હતી તેમ જે-તે સમયે કચ્છખબરને સૂત્રોએ જણાવ્યું હતું.
કીર્તિકાએ પોતે તાજના સાક્ષી બનવાની તત્પરતા દર્શાવીને સંસ્થામાં ચાલતા સેક્સ રેકેટ અંગે તત્કાલિન મામલતદારની હાજરીમાં સોગંદનામું કર્યું હતું.
સોગંદનામા બાદ કીર્તિકા ભેદી સંજોગોમાં લાપત્તા થઈ ગયેલી. અગમ્ય શક્તિઓ સક્રિય થતાં કેસ સાથે સંકળાયેલાં તમામ પાત્રો ગાયબ થઈ ગયેલાં અને પોલીસની તપાસ પણ અચાનક ઠંડી પડી ગયેલી. આ કેસ આજ દિન સુધી અનડિટેક્ટ જ રહ્યો છે. જો પોલીસ આજે પણ એ કેસની ફાઈલ પરની ધૂળ ખંખેરે તો એપ્સ્ટિન ફાઈલ્સની જેમ ૧૮ વર્ષ જૂના કેસની ગંભીર વિગતો બહાર આવી શકે છે.
Share it on
|