કચ્છખબરડૉટકોમ, ભુજઃ ‘સાઈડ ઈન્કમ’ માટે ભુજમાં નાની નાની પડીકીઓમાં ગાંજાનું વેચાણ કરતા એક હંગામી બેન્કકર્મીને કારમાં રાખેલા ૨૪૨ ગ્રામ ગાંજા સાથે સ્પેશિયલ ઓપરેશન ગૃપએ ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા ધૃવ નિલેશભાઈ જોશી (ઉ.વ. ૨૬, રહે. ઉપલી પાળ, પારેશ્વર ચોક પાસે, ભુજ)એ ભચાઉના નામચીન રાજભા ગઢવી નામના શખ્સ પાસેથી માલ મેળવ્યો હતો. બાતમીના આધારે SOGએ મધરાત્રે બાર વાગ્યે ભુજ મુંદરા રોડ પર બાલાજી ગ્રીન સોસાયટીમાં રેનૉલ્ટ ક્વિડ કારમાં બેઠેલાં ધૃવ જોશીને ઝડપ્યો હતો. કારની તલાશી લેતા પાછલી સીટ પર રાખેલા થેલામાંથી ગાંજો ભરેલી પ્લાસ્ટિકના ઝીપ લૉકવાળી નાની નાની ૧૧ પડીકી મળી આવી હતી. પોલીસે પડીકીઓમાં રહેલા ગાંજા વજન કરતાં ૨૪૨૦ રૂપિયાના મૂલ્યનો ૨૪૨ ગ્રામ ગાંજો થયો હતો.
SOG પોલીસ ઈન્સ્પેક્ટર કે.એમ. ગઢવીએ જણાવ્યું કે ધૃવ પર અમારી લાંબા સમયથી નજર હતી. આરોપી ધૃવ બેન્ક ઑફ બરોડામાં હંગામી કર્મચારી તરીકે નોકરી કરે છે.
તેની પાસેથી ઝડપાયેલો ગાંજો તેને ભચાઉનો રાજુભાઈ ઊર્ફે રાજભા ગઢવી નામનો શખ્સ સાંજે જ આ વિસ્તારમાં આવીને આપી ગયો હતો. રાજભા સામે અગાઉ પણ વિવિધ ગુના નોંધાયેલા છે. ધૃવના કબજામાં રહેલી ક્વિડ કાર, આઈ ફોન વગેરે મળી પોલીસે ૨.૧૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
Share it on
|