કચ્છખબરડૉટકોમ, ભુજઃ નવમા ધોરણમાં ભણતી અનુસૂચિત જાતિની ૧૫ વર્ષની બાળાને પ્રેમજાળમાં ફસાવી, તેને અપનયન કરી લઈ જઈ વારંવાર જાતીય સંબંધ બાંધનારાં સ્કુલ રીક્ષાચાલકને ભુજ ખાસ કૉર્ટે અંતિમ શ્વાસ સુધીની સખત કેદ અને ૬૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. બનાવ અંગે માધાપર પોલીસ મથકે ૧૨-૦૫-૨૦૨૪ના રોજ ભુજના કોડકી રોડ પર ક્રિષ્નાસીટીમાં રહેતા ૩૦ વર્ષિય મજીદ મીઠા હિંગોરજા (રહે. મૂળ નાની દધ્ધર, ખાવડા) સામે ઈપીકો કલમ ૩૬૩, ૩૬૬ અને એટ્રોસીટી એક્ટની કલમ ૩ (૨) (૫) હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે ગુનાનો ભોગ બનનાર બાળા માનકૂવાથી ભારાસર ખાતે ધોરણ આઠમાં અભ્યાસઅર્થે મજીદની સ્કુલ રીક્ષામાં આવ-જા કરતી હતી ત્યારથી મજીદે તેને પ્રેમની જાળમાં ફસાવી હતી.
મજીદ અવારનવાર બાળાના પિતાના મોબાઈલ ફોનમાં ફોન કરીને બાળા જોડે અવારનવાર વાતચીત કરતો રહેતો હતો અને તેની જોડે લગ્ન કરવાનું કહેતો હતો.
માધાપરથી મધરાતે બાળાને અપનયન કરી લઈ ગયેલો
બનાવના આગલા દિવસે બાળા માતા જોડે માધાપર ખાતે મામાના ઘેર ગઈ તે રાત્રે મજીદ તેને મોટર સાયકલ પર બેસાડીને અપનયન કરીને માંડવી બીચ પર લઈ ગયો હતો. બાદમાં માપર નજીક તળાવની પાળે બાવળોની ઝાડીમાં તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.
તપાસમાં બહાર આવ્યું હતું કે બાળા ૧૩ વર્ષની હતી ત્યારથી મજીદે તેને પ્રેમજાળમાં ફસાવેલી અને અલગ અલગ જગ્યાએ તેની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો.
જેથી પોલીસે ગુનામાં દુષ્કર્મ અને પોક્સો સહિતની અન્ય કલમોનો ઉમેરો કર્યો હતો.
મજીદને સખત કેદ, બાળાને ૪ લાખના વળતરનો હુકમ
આ કેસમાં ફરિયાદ પક્ષે રજૂ કરેલા ૨૨ દસ્તાવેજી પુરાવા અને ૬ સાક્ષીઓને તપાસી વિશેષ પોક્સો કૉર્ટના જજ જે.એ. ઠક્કરે આજે મજીદને ગુનામાં દોષી ઠેરવીને પોક્સો એક્ટની કલમ ૬ અને એટ્રોસીટી એક્ટની કલમ ૩ (૧) (w) (૧) હેઠળ અંતિમ શ્વાસ સુધીની સખત કેદ સાથે પચાસ હજાર રૂપિયાના દંડની સજા ફટકારી છે. કૉર્ટે ઈપીકો કલમ ૩૬૩ હેઠળ ૩ વર્ષની કેદ અને ૩ હજાર રૂપિયા દંડ, ૩૬૬ હેઠળ ૫ વર્ષની ૫ હજાર રૂપિયા દંડ પણ ફટકાર્યો હતો.
કૉર્ટે આરોપી દ્વારા ચૂકવાતી દંડની તમામ રકમ વળતર તરીકે ગુનાનો ભોગ બનનાર બાળાને ચૂકવી આપવા ઉપરાંત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને ચાર લાખ રૂપિયા વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
આ કેસમાં સરકાર તરફે પોક્સો કૉર્ટના વિશેષ સરકારી વકીલ એચ.બી. જાડેજાએ હાજર રહીને તર્કબધ્ધ દલીલો કરી હતી.
જાણો, જજે ચુકાદામાં કઈ બાબતોને ગંભીર લેખાવી
જજે ચુકાદામાં નોંધતા જણાવ્યું કે, ૩૦ વર્ષની મોટી ઉંમર ધરાવતા પરિણીત આરોપીએ એક ૧૬ વર્ષથી નાની ઉંમર ધરાવતી સગીરા સાથે ગુનાહિત કૃત્ય કર્યાનું સ્પષ્ટ જણાઈ આવે છે. બેઉની ઉંમર જોતાં સામાન્ય રીતે, સામાન્ય સંજોગોમાં બે તરુણો વચ્ચે જે પ્રેમ સંબંધ હોય તે પ્રકારનો આ પ્રેમ સંબંધ કહી શકાય નહીં.
બનાવ બન્યા બાદ પિતાએ દીકરીની સ્કુલ છોડાવી દીધી હતી, જેથી તેનો અભ્યાસ અટકી ગયેલ છે. આવા બનાવોથી અન્ય દીકરીઓના વાલીઓમાં પણ અસર પડે છે. જેથી અંતે તો દીકરીઓના વિકાસ, ભવિષ્ય, સમાજ અને દેશના વિકાસને નુકસાન થાય છે.
મજીદ સ્કુલ રીક્ષાચાલક હતો અને આ કૃત્યથી એક માવતરે તેના પર મૂકેલા વિશ્વાસનો તેણે ભંગ કર્યો હતો. આવા એક બનાવના કારણે સમાજમાં રહેતા માતા પિતા બાળકીઓને આવી રીતે વાહનમાં મોકલવાની હિંમત કરી શકતા નથી.
આરોપીના આ કૃત્યથી સમાજમાં જે અસર પડેલ છે તે જોતાં આ કૃત્યને હળવાશથી લઈ શકાય નહીં.
સભ્ય સમાજની સ્થાપના માટે આ પ્રકારના કૃત્યોને, બાળકો-સ્ત્રીઓ સાથે થતાં અત્યાચારને રોકવા જ પડશે. સગીર બાળકીઓ સાથે આવા કૃત્યની અસર તેમના સમગ્ર જીવન પર પડે છે.
Share it on
|