કચ્છખબરડૉટકોમ, ભુજઃ અબડાસાના ખારુઆ ગામે રહેતી મહેશ્વરી મેઘવાળ સમાજની યુવતીને તથાકથિત ‘લવ જેહાદ’ ષડયંત્ર હેઠળ સામત્રા ગામના મુસ્લિમ યુવકે ભગાડીને લગ્ન કરી લીધા હોવાના ફેલાવાતાં ભરમના મામલે આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે.
Video :
આજે પોલીસ રક્ષણ હેઠળ ખુદ પ્રેમલગ્ન કરનાર યુવતીએ સમાચાર માધ્યમો સમક્ષ રજૂ થઈને જણાવ્યું છે કે ‘મેં મારી મરજીથી પ્રેમ લગ્ન કર્યાં છે, મારું કોઈ ધર્મ પરિવર્તન થયું નથી અને મારા આ લગ્નના મામલે સમાજના આગેવાનો ખોટી અફવા ફેલાવે છે’
૨૦૧૮થી ઈકરામ બાફણ સાથે પ્રેમ સંબંધમાં રહેલી મિત્તલ મહેશ્વરી નામની યુવતીએ જણાવ્યું કે લગ્ન કર્યા બાદ પણ મેં ધર્મ પરિવર્તન કર્યું નથી.
બોગસ દસ્તાવેજોથી લગ્ન કરાયાનો આરોપ છે વાહિયાત
એકાદ માસ અગાઉ મિત્તલ અને ઈકરામ પ્રેમ લગ્ન કરવાના હેતુથી કચ્છથી મુંબઈ ભાગી ગયેલાં. ત્યાં તેમણે સ્વેચ્છાએ લગ્ન કરેલાં. એસસી એસટી સેલના નાયબ પોલીસ અધીક્ષક એમ.જે. ક્રિશ્ચિયને જણાવ્યું કે તેમના લગ્નના પ્રમાણપત્ર અંગે કેટલાંક લોકોએ શંકા દર્શાવીને તે બોગસ હોવાનું જણાવેલું પરંતુ ખુદ ગુજરાત હાઈકૉર્ટના જસ્ટિસે બારકોડના આધારે લગ્નના પ્રમાણપત્રની ખરાઈ કરી તે સાચું હોવાનું જણાવી બંનેને પોલીસ રક્ષણ આપવા હુકમ કર્યો હતો.
આરોપ કરતા એકે’ય આગેવાન મિત્તલને મળવા ના આવ્યા!
ગઈકાલે ભુજમાં રેલી યોજીને મિત્તલના આ પ્રેમ લગ્નને તથાકથિત ‘લવ જેહાદ’ના બનાવમાં ખપાવવા પ્રયાસ કરાયેલો. રેલીમાં ભાજપ અને હિંદુ સંસ્થાના આગેવાનો પણ જોડાયા હતા. મિત્તલ તે સમયે ભુજમાં પોલીસ રક્ષણ હેઠળ કલેક્ટર કચેરીથી અડધો કિલોમીટર દૂર પોલીસ કચેરીમાં હાજર હતી.
પોલીસે મિત્તલના માતા પિતા, સમાજ અને સંગઠનોના આગેવાનોને ફોન પર જાણ કરીને મિત્તલને મળીને સાચી વાત જાણી લેવા અનુરોધ કર્યો હતો પરંતુ કોઈ મિત્તલને મળવા આવ્યું નહોતું.
પોલીસ અને મિત્તલના બયાનોએ વાસ્તવિક હકીકત સ્પષ્ટ કરી દીધી છે. મિત્તલે કહ્યું કે હવે તે કચ્છમાં રહેવા ઈચ્છતી નથી. પોલીસે પણ ભારપૂર્વક જણાવ્યું છે કે મિત્તલ પુખ્ત છે. તે જ્યાં અને જેની સાથે રહેવા ઈચ્છતી હોય તે મુક્ત છે અને તે જ્યાં જાય ત્યાં પોલીસનું રક્ષણ મળતું રહેશે.