કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ નજીક મોખાણા ગામે ‘લગડી’ જેવી મહામૂલી જમીનના પાણીના મૂલે રાતોરાત થયેલાં સોદાએ આહીરપટ્ટીમાં ભારે ઘમાસાણ સર્જ્યું છે. હાલ જમીન જેમના કબજામાં છે તે લોકોનો દાવો છે કે મૂળ માલિક કે તેના વારસોનો વર્ષોથી કશો અતોપત્તો જ નથી. રાતોરાત એકાએક મુંબઈથી જમીન માલિક આધાર કાર્ડ અને પાન કાર્ડ સાથે પ્રગટ થયો અને જમીનોના સોદામાં કોઠાં-કબાડાંમાં કુખ્યાત દલાલ મારફતે પાણીના મૂલે જમીનનો સોદો કરી પરત જતો રહ્યો! આ બાબત સંપૂર્ણ શંકાપ્રેરક છે. જમીનનો બાપ-દાદાના સમયથી કબજો ભોગવટો ધરાવતાં અને ગણોતિયા તરીકેનો હક્ક મેળવવા પાંચ વર્ષ અગાઉ કેસ દાખલ કરનાર વર્તમાન કબજેદારોએ આરોપ કર્યો છે કે હકીકતમાં જમીન માલિકના નામે ડમી માણસને ઊભો કરાઈ, તેના નામના બોગસ આધાર કાર્ડ અને પાન કાર્ડ કઢાવી બારોબાર સોદો કરી દેવાયો છે.
જમીન ખરીદનારાં લોકો કહે છે કે અમે દલાલ મારફતે સોદો કર્યો છે, જમીન માલિકને ઓળખતાં નથી. સોદો કરાવનાર ‘દલાલ’ સામે અગાઉ ખોટાં દસ્તાવેજો મારફતે જમીનના સોદો કરવાના અને બાદમાં તોડ કરવાના આરોપ થયેલાં છે.
વર્તમાન કબજેદારો અને દલાલ બેઉ એક જ સમાજના હોઈ થોડાં સમય અગાઉ માધાપરમાં સામાજિક આગેવાનોની બેઠક બોલાવાઈ હતી. શરૂઆતમાં દલાલે સોદો ફોક કરાવી દેવાની બાંહેધરી આપેલી પરંતુ બીજા દિવસે તે ફરી ગયો હોવાનો કબજેદારોનો આરોપ છે. આધાર કાર્ડના આધારે જમીન માલિકની વય હાલ ૭૪ વર્ષની છે.
૧૯૬૦માં ગામના ૬ હક્ક પત્ર બંધ રેકર્ડની નોંધ મુજબ પ્રમોલ્ગેશનથી જમીન મૂળ માલિકના નામે થયેલી. તે મુજબ ગણતરી કરાય તો ૧૯૬૦માં જમીન મંજૂર થઈ ત્યારે જમીન માલિકની વય ૧૧ વર્ષની હોવાનું તારણ નીકળે છે.
આ બાબત પણ સંદેહને વધુ દ્રઢ બનાવે છે. વર્તમાન કબજેદારોએ મહેસુલી અને ફોજદારી રાહે કાર્યવાહી હાથ ધરી છે.
જમીનનો સોદો શંકાપ્રેરક જણાય છેઃ પોલીસ
જમીન દલાલનો ભાઈ ભુજ મામલતદાર કચેરીમાં ઈ ધરા કેન્દ્રમાં ફરજ બજાવે છે. તેની ભૂમિકા સામે પણ અંગુલિનિર્દેશ કરાઈ રહ્યો છે. બીજી તરફ, આ મામલે તપાસ કરી રહેલાં પધ્ધરના ઈન્ચાર્જ પીએસઆઈ એચ.એમ. ગોહિલનો કચ્છખબરે સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે અમે જમીન ખરીદનાર બંને પાર્ટીનો સંપર્ક કર્યો. તેમણે જમીન માલિકને ઓળખતાં હોવાનો ઈન્કાર કરી દલાલને આગળ ધરી દીધો. દલાલ મૂળ જમીન માલિક સાથે કેવી રીતે પરિચય અને સંપર્કમાં આવ્યો તે અંગે સંતોષકારક ખુલાસો આપતો નથી. મૂળ જમીન માલિકનું નિવેદન લેવા વચેટિયાને પોલીસે જણાવ્યું પરંતુ જમીન માલિકને રજૂ કરાયો નથી. જમીનની ઊંચી બજાર કિંમત સામે ખરીદનારાઓએ સાવ પાણીના મૂલે દસ્તાવેજ કર્યાં છે તે બાબત પણ શંકાસ્પદ જણાય છે. હાલ આ મામલે ઝીણવટભરી તપાસ ચાલું છે.
Share it on
|