click here to go to advertiser's link
Visitors :  
03-Jul-2026, Friday
Home -> Bhuj -> SMC strikes on Gamble Den running near Bhuj Caught 7 gamblers
Thursday, 02-Jul-2026 - Bhuj 2281 views
ભુજની ભાગોળે ચાલતી જુગાર ક્લબ પર SMCનો દરોડોઃ  ૯.૩૬ લાખ રોકડ સાથે ૭ ખેલી પકડાયાં
કચ્છખબરડૉટકોમ, ભુજઃ સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ભુજની ભાગોળે સેડાતા અને ભારાપર વચ્ચે જંગલ વિસ્તારમાં ખુલ્લામાં ચાલતી ધાણી પાસાની જુગાર ક્લબ પર દરોડો પાડી ૯.૩૬ લાખ રોકડાં રૂપિયા સાથે ૭ ખેલીની અટક કરી છે, જ્યારે ૮ નાસી ગયાં છે. સ્થળ પરથી પોલીસે રોકડાં રૂપિયા ઉપરાંત મહિન્દ્રા થાર, ટેમ્પો ટ્રેક્સ, બોલેરો કેમ્પર અને ત્રણ મોટર સાયકલ મળી ૩૨ લાખ ૮૦ હજારની કિંમતના ૯ વાહનો, ૨ લાખ ૯૫ હજારના મૂલ્યના ૯ મોબાઈલ ફોન વગેરે મળી કુલ ૪૫.૨૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
સાંતલપુર-લાકડીયાથી ખેલીઓ રમવા આવેલાં

પોલીસે સ્થળ પરથી પકડેલાં ખેલીઓમાં ભીમજીભાઈ વાલજીભાઈ વાણિયા (સોરઠીયા) (રહે. સેક્ટર- ૪, આદિપુર), જુસબશા જમનશા શેખ (અંજાર), ધનજીભાઈ પબુભાઈ ગોલકર (રહે. પીપરાળા, સાંતલપુર), મહેબુબ સત્તાર બાયડ (રહે. ભુજ), મુરાદ અલ્લારખા મીર (રહે. લાકડીયા), મોહન કરસનજી રાજગોર (ભુજ) જુસબ ઈબ્રાહિમ સમેજા (રહે. અંજાર)નો સમાવેશ થાય છે.

કુખ્યાત ત્રિપુટીએ ભાગીદારીમાં ક્લબ શરૂ કરેલી

અંજારના અબ્બાસ ઈબ્રાહિમ શેખ અને જુસબશા જમનશા શેખ તથા ભુજના સરપટ નાકા નજીક આશાપુરાનગરમાં રહેતા મનીષ હરિલાલ રાજગોરે  લાંબા સમયથી અહીં ક્લબ શરૂ કરેલી. દરોડા સમયે જુસબશા પકડાઈ ગયો હતો પરંતુ અબ્બાસ અને મનીષ સ્થળ પર હાજર મળ્યાં નહોતા.

અબ્બાસ શેખની ભુજની પાલારા જેલ બાજુ પણ એક જુગાર ક્લબ ચાલતી હોવાનું સૂત્રોએ ઉમેર્યું છે. અબ્બાસ સામે અગાઉ અંજારમાં જુગારધારા હેઠળ અનેક ગુના નોંધાયેલાં છે.

પોલીસે જુસબશા સાથે અબ્બાસ અને મનીષના નામ પણ ક્લબ સંચાલક તરીકે ફરિયાદમાં દાખલ કર્યાં છે. 

ભુજના માથાભારે મનીષનો ગુનાહિત ઈતિહાસ

ભુજનો મનીષ હરિલાલ રાજગોર ૧૮-૦૮-૨૦૧૯ના રોજ ભુજની ભાગોળે નાગોર ગામની સીમમાં ચાલતી જુગાર ક્લબના સંચાલક તરીકે પણ પોલીસ ચોપડે ચઢી ચૂકેલો છે. તત્કાલિન DySP જે.એન. પંચાલે આ ક્લબ પર રેઈડ કરીને ૨.૫૬ લાખ રોકડાં, ૮ દ્વિચક્રી વાહનો, મોબાઈલ વગેરે મળી ૫.૬૯ લાખના મુદ્દામાલ સાથે ૮ ખેલીની અટક કરેલી. ક્લબ સંચાલક મનીષ રાજગોર ત્યારે પણ નાસી છૂટ્યો હતો.

૨૧-૦૬-૨૦૨૨ના રોજ માધાપરના યક્ષ મંદિર પાસે ભાવેશ કેરાસીયા નામના યુવક પર જે ૬ માથાભારે લોકોએ હુમલો કરીને હત્યાનો પ્રયાસ કરેલો તેમાંનો એક આરોપી મનીષ રાજગોર હતો.

મનીષ સામે ભુજ એ અને બી ડિવિઝનમાં મારામારી, રાયોટીંગની ઘણી ફરિયાદો નોંધાયેલી છે.

ભીમજી સિનુગ્રામાં ક્લબ ચલાવતા પકડાયેલો

પોલીસે જુગાર રમતાં પકડેલો આદિપુરનો ૬૧ વર્ષિય ભીમજી વાલજીભાઈ વાણિયા (સોરઠીયા) ગત ૨૭ મેના રોજ અંજારના સિનુગ્રામાં પોતાના ફાર્મ હાઉસમાં જુગાર ક્લબ ચલાવતા રંગેહાથ પકડાયેલો. અંજાર પોલીસે જે ૧૧ ખેલી પકડેલાં તેમાંનો એક જુસબશા શેખ પણ હતો.

મુરાદ પણ અઠંગ જુગારી અને ક્લબ સંચાલક

દરોડામાં ઝડપાયેલો ખેલી મુરાદ અલ્લારખા મીર (કારાણી) પણ અઠંગ ખેલી અને ક્લબ સંચાલક છે.

૧૩-૦૩-૨૦૨૨ના રોજ LCBએ ભચાઉના તોરણીયા ગામની સીમની વાડીમાં ધાણી પાસાની જુગાર ક્લબનો પર્દાફાશ કરેલો તે ક્લબ અન્ય બે પાર્ટનરો સાથે મળીને મુરાદ મીર ચલાવતો હોવાનું બહાર આવેલું.

એ જ રીતે, ૦૫-૧૦-૨૦૨૫ના રોજ SMCએ પધ્ધર પોલીસ સ્ટેશનની હદમાં કોંગ્રેસની પૂર્વ નેતા સલમા ગંઢ અને મોટા રેહાના લિસ્ટેડ બૂટલેગર ગુલાબસિંહ જાડેજા સંચાલિત કોટડા (ચકાર) ગામની સીમમાં જુગાર ક્લબ પર દરોડો પાડેલો તે વખતે પણ મુરાદ રંગેહાથ પકડાઈ ગયેલો.  

સ્થાનિક સ્ટાફની જાણ વગર શક્ય ખરું?

ગાંધીનગરથી આવેલી વિજિલન્સની રેઈડના પગલે માનકૂવા પોલીસની નિષ્ક્રિયતા અને ઘોર બેદરકારી બહાર આવી છે. સ્થાનિક બીટ જમાદારથી લઈ પીઆઈ સુધીના સ્ટાફની જાણ વગર આ રીતે લાંબા સમયથી જુગાર ક્લબ ધમધમતી રહે તે કોઈને ગળે ઉતરતું નથી. SMC રેઈડના પગલે રેન્જ આઈજી ચિરાગ કોરડીયા ચોંકી ઉઠ્યાં છે. ત્યારે, આ રેઈડના પગલે માનકૂવા પોલીસ સ્ટેશનના જવાબદારો સામે કડક એક્શન લેવાય તેવી સંભાવના છે.

Share it on
   

Recent News  
મુંદરાઃ ડ્રાઈવરોને ફોડી ખાદ્યતેલ ચોરી લેતી અંજારની ગેંગના અડ્ડા પર SMCનો દરોડો
 
પૈસાના પૂજારી પોલીસ અફસરોને ગજવે ઘાલીને ફરતો બૂટલેગર પુનો ભરવાડ આઉટ ઑફ કંટ્રોલ
 
LCBએ મુંદરાના બરાયામાંથી ૨૨.૨૨ લાખનો શરાબ જપ્ત કર્યોઃ એક પકડાયો, બીજો ફરાર