|
કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ કંડલાથી કાચું ક્રૂડ પામ ઓઈલ ટેન્કરોમાં ભરીને શુધ્ધિકરણ માટે મુંદરાની વિલમાર રીફાઈનરીમાં જતી વખતે ટેન્કરોના ડ્રાઈવરોને ફોડીને ટેન્કરોમાંથી ઓઈલ ચોરી લેવાના કારસ્તાનનો સ્ટેટ મોનિટરીંગ સેલે પર્દાફાશ કર્યો છે. SMCએ મુંદરાના મોખા ટોલનાકા નજીક રતાડિયાની સીમમાં ટેન્કરોમાંથી કાઢી લેવાયેલાં ૧.૭૮ લાખની કિંમતના ૧૪૬૫ કિલોગ્રામ CPO સાથે ૧૧ મજૂરો અને ડ્રાઈવરોની અટકાયત કરી છે. આદિપુર અંજારના પાંચ ખેલાડીઓ દ્વારા ઓઈલ ચોરી કરાતી હોવાનું બહાર આવ્યું છે. દરોડા સમયે એકેય મુખ્ય આરોપી સ્થળ પર હાજર મળ્યો નહોતો.
આ પાંચ ખેલાડીઓમાં અબ્દુલ ગફૂર અહેમદ હાલેપોત્રા (આદિપુર), પંકજભાઈ (અંજાર), ધૃવરાજસિંહ પ્રદ્યુમનસિંહ જેઠવા (અંજાર), ગોપાલ લધા ગઢવી (વવાર, મુંદરા) અને હરભમ રબારી (ભીમાસર, અંજાર)નો સમાવેશ થાય છે.
સ્થળ પરથી SMCએ ૧.૭૮ લાખનું ચોરાઉ ઓઈલ, ૨ કરોડ ૮૧ લાખ ૫૦ હજારના મૂલ્યનું ઓઈલ ભરેલાં ૧.૫૦ કરોડની કિંમતના ૬ ટેન્કર, મોબાઈલ ફોન, પ્લાસ્ટિકના બેરલો, કેરબા, બકેટ, વજનકાંટો, ઓઈલ ચોરવા માટે વપરાતી ઈલેક્ટ્રિક મોટર વગેરે મળીને કુલ ૪ કરોડ ૩૪ લાખ ૫૨ હજારનો મુદ્દામાલ જપ્ત કરીને પ્રાગપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ગેંગ સામે અગાઉ કોમોડિટી ચોરીના ગુના નોંધાયેલા છે
ગફૂર અને ધૃવ જેઠવા કોમોડિટી ચોરીના ગુનામાં અગાઉ મુંદરા પોલીસના ચોપડે ચઢી ચૂકેલાં છે. મુંદરા પોર્ટથી વિદેશ મોકલાઈ રહેલાં કન્ટેઈનરના ડ્રાઈવરને ફોડીને, ભોરારાની હોટલ પાછળ કન્ટેઈનર લઈ જઈ ૪૫ લાખનું ઈસબગુલ અને તલ ચોરી લેવાના બનાવમાં ૨૦-૦૮-૨૦૨૫ના રોજ મુંદરા પોલીસ મથકે ગફૂર અને ધૃવ સહિતના લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ અન્ય લોકોએ પણ આ બેઉ સહિતની ગેંગ પર બીજા ગુના દાખલ કરાવેલાં. તો, હરભમ રબારી પણ અગાઉ ૨૮-૧૧-૨૦૨૪ના રોજ અંજાર પોલીસે શોધેલાં ઓઈલ ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચઢી ચૂકેલો છે. રેઈડ કરનાર પીઆઈ એસ.એમ. જાડેજાએ જણાવ્યું કે પાંચે સૂત્રધારો પર કોમોડિટી ચોરીને લગતાં આવા અન્ય ઘણાં ગુના નોંધાયેલાં છે.
Share it on
|