click here to go to advertiser's link
Visitors :  
10-Jul-2026, Friday
Home -> Mundra -> LCB Seizes Rs. 22.22 Lakh IMFL in Baraya One Caught Accomplice at Large
Wednesday, 01-Jul-2026 - Mundra 13968 views
LCBએ મુંદરાના બરાયામાંથી ૨૨.૨૨ લાખનો શરાબ જપ્ત કર્યોઃ એક પકડાયો, બીજો ફરાર
કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે સતત બીજા દિવસે મુંદરા પંથકમાં કોઈ જ ‘પરવાનગી વગર’ ગેરકાયદે ચાલી રહેલા ઈંગ્લિશ દારૂના કારોબારનો પર્દાફાશ કર્યો છે. LCBએ દરોડો પાડીને ૨૨.૨૨ લાખનો શરાબ બિયરનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે બરાયા પાસે રોડ પર વૉચ ગોઠવીને ટાટા હેરિયર કારમાં બિયરની પેટીઓ ભરીને જતાં બે લિસ્ટેડ બૂટલેગરને આંતરવા પ્રયાસ કરેલો, જેમાં એક જણો પકડાઈ ગયેલો પરંતુ બીજો કે જે રીઢો લિસ્ટેડ બૂટલેગર છે તે ફરાર થઈ ગયેલો.

પકડાયેલાં બૂટલેગરે પોતાના ઘરે પણ ઈંગ્લિશ દારૂનો જથ્થો પડ્યો હોવાનું કબૂલતાં પોલીસે રહેણાકમાંથી ૨૧.૨૦ લાખનો વિવિધ બ્રાન્ડનો શરાબ જપ્ત કર્યો હતો.

આ રીતે પોલીસે પકડ્યો ૨૨.૨૨ લાખનો શરાબ 

અબડાસાના ખાનાયનો લિસ્ટેડ બૂટલેગર રાસુભા તગજી સોઢા અને મુંદરાના બરાયા ગામે રહેતો બળવંત ઊર્ફે બળુભા કિરીટસિંહ જાડેજા (ઉ.વ. ૩૨, મૂળ કેશવમ રેસિડેન્સી, ગુંદાલા, મુંદરા) બેઉ હેરિયર કારમાં દારૂ ભરીને બળવંતના ઘર તરફ જતાં હોવાની પોલીસને બાતમી મળેલી. પોલીસે વૉચ ગોઠવી હેરિયરને અટકાવવા પ્રયાસ કરેલો.

ગાડીને થોડેક આગળ લઈ જઈ અટકાવીને બેઉ જણે નાસવા પ્રયાસ કરેલો. બળવંત પકડાઈ ગયેલો પરંતુ લિસ્ટેડ બૂટલેગર રાસુડો છટકી ગયો હતો.

કારમાંથી પોલીસે ૧ લાખનો બિયરનો જથ્થો જપ્ત કરેલો. પ્રાથમિક પૂછપરછમાં બળવંતે આ જ રીતે ખેપ મારીને ઈંગ્લિશ દારૂનો જથ્થો લાવી ઘરમાં રાખ્યો હોવાનું કબૂલતાં પોલીસે બરાયા ગામે આવેલા તેના ડેલીબંધ મકાનમાં દરોડો પાડીને વિવિધ બ્રાન્ડનો ૨૧.૨૦ લાખનો ઈંગ્લિશ શરાબ જપ્ત કર્યો હતો. તે સમયે માલની દેખરેખ અને કટિંગ માટે ઘરમાં હાજર રાસુડાનો માણસ અજીત પ્રેમસિંહ સોઢા (ઉ.વ. ૨૪, રહે. ખાનાય) પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.

બળવંત અને રાસુડો બેઉ જણ મકાનમાં રાખેલો દારૂ જુદાં જુદાં છૂટક બૂટલેગરોને કટિંગ કરવાના હતા.

માલના કટિંગ માટે ઘર બહાર બે સ્કોર્પિયો કાર પાર્ક કરી રાખેલી હતી. જેમાંની એક GJ-12 FH-8123 નંબરની કાર બળવંતના કાકા મનુભાની માલિકીની હોવાનું બહાર આવ્યું છે. LCBએ શરાબ ઉપરાંત ૪૫ લાખની ત્રણે કાર, ૪૦ હજારના ચાર મોબાઈલ ફોન મળી કુલ ૬૭.૬૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ત્રણે સામે પ્રાગપર પોલીસ મથકે સરકાર તરફે ફરિયાદ નોંધાવી છે.

શરાબ આવ્યો ક્યાંથી? તપાસમાં ખૂલશે

LCBએ જેને એક લાખના બિયર ટીન સાથે પકડ્યો તે બળવંત પોપટની જેમ બોલી ગયેલો કે ‘સાહેબો, હજુ મારા ઘરમાં ઈંગ્લિશ દારૂનો મોટો જથ્થો પડ્યો છે. આ દારૂ અમે લોકો બે સ્કોર્પિયો કારમાં છૂટક બૂટલેગરોને સપ્લાય કરવાના હતા’ પરંતુ, બિયર અને વ્હિસ્કીનો જથ્થો હેરિયર કારમાં ક્યાંથી અને કોની પાસેથી બરાયા ખાતે લઈ આવેલાં કેવળ તે જ વિગત પોલીસને ના જણાવી!

હવે આ માલ કોણે ક્યાંથી સપ્લાય કરેલો તે ‘તપાસ’માં ખૂલશે. પકડાયેલો માલ પંજાબની વિવિધ ડિસ્ટલરીઝનો છે.

ગઈકાલે દેવા ગઢવીનો જે માલ પકડાયેલો તે પણ પંજાબની ડિસ્ટલરીઝનો હતો.

Share it on
   

Recent News  
ગાંધીધામમાં ૫૨ વર્ષની મહિલા પર દુષ્કર્મ આચરનાર ૨૫ વર્ષના યુવકને ૧૦ વર્ષની કેદ
 
મુંદરા પોલીસે બિહારમાં જઈને સ્થાનિક ગ્રામજનોનો વેશ પહેરીને હત્યારાને ઝડપી પાડ્યો
 
કચ્છ કાંઠે મળેલા કરોડોના બિન વારસી ડ્રગ્ઝના ૮ કેસની તપાસ NCBએ બંધ કરી દીધી!