કચ્છખબરડૉટકોમ, ભુજઃ પોણા ત્રણ વર્ષ પૂર્વે ભુજની ભાગોળે મિરજાપર ગામે સાફ સફાઈ માટે ગટરની ચેમ્બરની અંદર ઉતરેલાં અને ઝેરી ગેસથી ગૂંગળાઈને બે સફાઈ કામદારોના મૃત્યુ થયાનો બનાવ બન્યો હતો. દુર્ઘટનામાં મૃત્યુ પામેલાં બે સફાઈ કામદારોના વારસદારોને રાજ્ય સરકારે દસ દસ લાખ રૂપિયાનું વળતર ચૂકવ્યું હતું. જો કે, આ મામલે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે ગંભીર વાંધો લઈ સરકારને નોટિસ ફટકારી છે. મૃતકોના વારસદારોને દસ દસ લાખના બદલે ૩૦ ૩૦ લાખનું વળતર કેમ ચૂકવવું ના જોઈએ તે મામલે શૉ કૉઝ નોટિસ ફટકારીને આયોગે સરકારના સમાજ કલ્યાણ વિભાગ અને ચીફ સેક્રેટરીનું પૂછાણું લીધું છે.
૨૦૨૨માં બે સફાઈ કામદારના મૃત્યુ થયેલાં
ગત ૨૩ નવેમ્બર ૨૦૨૨ના રોજ મિરજાપર બસ સ્ટેશન નજીક ગ્રામ પંચાયત હસ્તકની ગટર લાઈનમાં સફાઈ માટે ઉતરેલાં ૨૯ વર્ષિય ભરત શાંતિલાલ અઠવાલ અને તેના ૩૦ વર્ષિય સાળા રવિ રાજુભાઈ મારવાડીના ચેમ્બરમાં રહેલા ઝેરી વાયુથી ગૂંગળાઈને મૃત્યુ થયા હતા.
આ કિસ્સામાં બેઉને ચેમ્બરની સફાઈ માટે બોલાવનાર નજીકના દુકાનદાર તથા પંચાયત વતી સફાઈનું કામ કરતા હંગામી કર્મચારી વિરુધ્ધ વિવિધ કલમો તળે ફોજદારી ફરિયાદ દાખલ કરાઈને પંચાયતના જવાબદારોને પરોક્ષ રીતે ક્લિન ચીટ આપી દેવાઈ હતી.
આ કેસમાં રાજ્ય સરકારે મૃતક સફાઈ કામદારોના વારસદારોને દસ દસ લાખ રૂપિયાનું આર્થિક વળતર આપ્યું હતું.
માનવાધિકાર આયોગે શૉકોઝ નોટિસ ફટકારી
આ દુર્ઘટના ભારતીય નાગરિકના જીવવાના હક્કના બંધારણીય અધિકાર અને માનવ ગરિમાનો સરેઆમ ભંગ કરતી હોવાનો તથા કડક કાયદા હોવા છતાં તેનું પાલન ના થતાં આ ઘટના ઘટી હોવાનું જણાવીને અમદાવાદના માનવ અધિકાર એક્ટિવીસ્ટ કાન્તિલાલ પરમારે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં રજૂઆત કરી હતી.
આયોગે બનાવને ગંભીર ગણીને મૃતકોના વારસદારોને શા માટે ૩૦-૩૦ લાખનું વળતર ના ચૂકવવું જોઈએ તે મામલે રાજ્ય સરકારનું પૂછાણું લીધું છે.
એટલું જ નહીં, આયોગે અગાઉ આ રીતે હાથેથી મેલું સાફ કરવાની વ્યવસ્થા પર મૂકેલા પ્રતિબંધ સહિતના ઘડેલા નિયમોનું ગુજરાતમાં કેટલું પાલન થાય છે તે મુદ્દે પણ સરકારનો ખુલાસો માગ્યો છે.
Share it on
|