કચ્છખબરડૉટકોમ, ભુજઃ પરિવારની મરજી વિરુધ્ધ લગ્ન કરનારી પુત્રીના પતિની ૪૫ વર્ષિય માતાને જીવતી સળગાવી દેવાના ગુનામાં દોઢ વર્ષથી જેલમાં કેદ વયોવૃધ્ધ મહિલા આરોપીને જામીન પર છોડવા કૉર્ટે ઈન્કાર કરી દીધો છે. ગુનાની ૬૬ વર્ષિય મુખ્ય મહિલા આરોપી રતનબેન કાનજી શેખાને શારીરિક તકલીફો હોઈ કૉર્ટે ઑગસ્ટમાં ૨૧ દિવસના વચગાળાના જામીન પર મુક્ત કરેલ. બાદમાં આરોપીની અરજીના આધારે કૉર્ટે માનવીય અભિગમ દાખવીને વધુ એક માસ સુધી જામીનની મુદ્દત લંબાવી આપેલી. ત્યારબાદ પણ આરોપી જેલમાં હાજર ના થયેલ અને નવ દિવસ સુધી ફરાર રહેલ. જેથી નિયમિત જામીન મેળવવા માટે રતનબેનને વિવિધ શારીરિક તકલીફ હોવાની, પોતાની દૈનિક ક્રિયા પણ જાતે કરી શકે તેમ ના હોવાની અને પથારીવશ હોવાની બચાવ પક્ષે કરેલી દલીલોને સેશન્સ જજ અંબરીષ વ્યાસે ફગાવી દઈને જામીન પર છોડવાનો ઈન્કાર કરી જણાવ્યું કે આરોપી વચગાળાના જામીન ઉપર મુક્ત થવાની અરજીઓ કરી, વચગાળાની જામીન મુક્તિના ઓઠાં હેઠળ રેગ્યુલર જામીન પર મુક્ત થવા પ્રયાસ કરતાં હોવાનું માનવાને સ્પષ્ટ કારણ રહે છે. જામીનની શરતનો ભંગ કરીને વ્યાજબી કારણ વગર આરોપી નવ દિવસ સુધી જેલ ઑથોરીટી સમક્ષ હાજર થયેલા નથી તે વર્તણૂકને ધ્યાને લેતાં પણ હાલની નિયમિત જામીન અરજીને મંજૂર કરવી ન્યાયોચિત જણાતું નથી.
પૌત્રીની સાસુને જીવતી સળગાવવાનો છે આરોપ
નખત્રાણાના વિજપાસર ગામે ૨૦મી એપ્રિલ ૨૦૨૩ની સાંજે ઘૃણાસ્પદ હત્યાનો બનાવ બન્યો હતો. રિધ્ધિ આશિષભાઈ શેખા નામની યુવતી પડોશમાં રહેતા હેમંત પરબતભાઈ માધડ (ચારણીયા) સાથે પ્રેમલગ્ન કરી તેની સાથે રહેવા જતી રહેલી. રિધ્ધિના પ્રેમલગ્નથી ઉશ્કેરાયેલાં પરિવારજનોનું ટોળું ધોકા અને કેનમાં પેટ્રોલ કેરોસીન લઈને ઈકો કારમાં હેમંતના ઘરે ધસી ગયું હતું. હેમંત અને રિધ્ધિ જવાબ લખાવવા પોલીસ મથકે ગયા હતા ત્યારે ટોળાંએ ઘર બહાર વાસણ માંજતી હેમંતની માતા રાધાબેન અને દાદા મેઘજીભાઈ સાથે ધોકા અને મુક્કા લાતોથી મારકૂટ કરી હતી. રાધાબેનના વાળ ખેંચીને ટોળું તેમને ઘરમાં ઢસડી ગયું હતું અને પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી તેમને જીવતાં સળગાવી દેવાતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
કૉર્ટે નોંધ્યું કે આરોપ મુજબ રતનબેનના હાથમાં પેટ્રોલ બોટલ હતી જેમાં રહેલું પેટ્રોલ તેમણે રાધાબેન પર છાંટ્યું હતું.
આ ગુનામાં રિધ્ધિની દાદી રતનબેન કાનજીભાઈ શેખાએ ચાર્જશીટ થયા બાદ નિયમિત જામીન પર છોડવા સતત ત્રીજીવાર અરજી કરી હતી. ગુનામાં પકડાયેલાં અન્ય આરોપીઓને અગાઉ કૉર્ટે જામીન પર છોડ્યાં હોઈ પેરીટી (સમાનતા)ના સિધ્ધાંત પર તેમને પણ મુક્ત કરવા રજૂઆત કરી હતી.
Share it on
|