|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ૧૨ વર્ષ ૧૧ માસની કિશોરી પર દુષ્કર્મ આચરવા બદલ ભુજની સ્પેશિયલ પોક્સો કૉર્ટે ૭૦ વર્ષિય ઢગા દુકાનદારને દોષી ઠેરવી ૨૦ વર્ષના સખ્ત કારાવાસની સજા ફટકારી છે. ૩૦-૦૯-૨૦૨૪ના રોજ ભુજની ભાગોળે રહેતી કિશોરી પોતાની દુકાને પાણી ભરવા આવી ત્યારે દાદાની ઊંમરના ઈશાક અલીભાઈ કુંભાર (રહે. છપરીવાંઢ, મિરજાપર)એ તેને પોતાની હવસનો શિકાર બનાવી હતી. કિશોરી તેના નાના ભાઈ જોડે દુકાને ગયેલી ત્યારે ઈશાક કુંભારે તેના ભાઈને પચાસ રૂપિયા આપી નાસ્તો લેવા માટે બીજી દુકાને મોકલેલો. ત્યારબાદ કિશોરીનો હાથ પકડીને દુકાનની અંદર લઈ શટર પાડી દઈ તેને પાછળ આવેલા રહેણાકના રૂમમાં લઈ જઈ પલંગ પર સૂવડાવી દુષ્કર્મ આચરેલું.
બનાવ અંગે દીકરીએ બીજા દિવસે માવતરને વાત કરતા તેમણે ઈશાક વિરુધ્ધ ભુજ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ કેસમાં ૧૫ દસ્તાવેજી આધાર અને ૬ સાક્ષીઓને તપાસી આજે ભુજના વિશેષ જજ જે.એ. ઠક્કરે ઈશાક કુંભારને ભારતીય ન્યાય સંહિતાની કલમ ૬૫ (૧) અને પોક્સો એક્ટની કલમ ૪ (૨) હેઠળ દોષી ઠેરવી ૨૦-૨૦ વર્ષની સખ્ત કેદ અને ૨૫-૨૫ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. બીએનએસ કલમ ૩૫૧ (૩) હેઠળ ૧ વર્ષની સાદી કેદ અને ૫ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
મેડિકલ રીપોર્ટે આરોપીની પોલ પાધરી કરી
આ કેસમાં ગુનાનો ભોગ બનનારે અગાઉ મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાવેલા નિવેદન તેમજ કૉર્ટમાં આપેલી જુબાનીને કૉર્ટે મજબૂત પુરાવો ગણાવ્યો હતો. દોષી ઠર્યાં બાદ સજા સંભળાવતા અગાઉ કૉર્ટે આરોપીને પૂછ્યું ત્યારે તેણે પોતે શારીરિક સંભોગ કરવા માટે સક્ષમ ના હોવાનો બચાવ રજૂ કરેલો. જો કે, કૉર્ટે મેડિકલ રીપોર્ટ ટાંકીને જણાવ્યું હતું કે તે શારીરિક સંભોગ કરવા માટે સંપૂર્ણ સક્ષમ છે.
સમાજ માટે દુઃખદ ચિંતાજનક કૃત્યઃ કૉર્ટ
સજા સંભળાવતી વખતે જજે ચુકાદામાં નોંધ્યું કે ૬ સંતાનો અને પત્ની હયાત છે છતાં આરોપીની મનોસ્થિતિમાં શારીરિક સંબંધોની લાલસા સતત વહી રહી છે અને તે એટલી હદ સુધી કે તે નાનાં બાળકો કે જે તેના પૌત્ર કે પ્રપૌત્રી સમાન હોય તેની સાથે આવું કૃત્ય આચર્યું છે. જે સમાજ માટે દુઃખદ, દર્દનાક અને ચિંતાજનક છે.
કૉર્ટે આવા ગુનાનો ભોગ બનતી દીકરીઓની મનોસ્થિતિનું સંવેદનશીલ રીતે વર્ણન કરીને ભોગ બનનાર બાળકીને ૪ લાખનું વળતર ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને હુકમ કર્યો છે.
ચાઈલ્ડ વેલફેર કમિટી અને ડિસ્ટ્રીક્ટ ચિલ્ડ્રન પ્રોટેક્શન યુનિટને પીડિત બાળાનું જીવન અને શિક્ષણ પુનઃસ્થાપિત કરવા કાળજી લેવા પણ સૂચના આપી છે. આ કેસમાં ભુજ એ ડિવિઝનના તત્કાલિન પોલીસ ઈન્સ્પેક્ટર એ.જી. પરમાર તપાસ કરીને ચાર્જશીટ કરેલી અને પ્રોસિક્યુશન તરફે જિલ્લાના મુખ્ય સરકારી વકીલ એચ.બી. જાડેજાએ દલીલો કરી હતી.
કિશોરી જોડે દુષ્કર્મ બદલ બે જણને ૨૦ વર્ષનો કારાવાસ
અંજારની વિશેષ પોક્સો કૉર્ટે ૧૩ વર્ષની અનુસૂચિત જાતિની બાળાને લલચાવી ફોસલાવી, અપહરણ કરી લઈ જઈને વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવવાના ગુનામાં બે યુવકોને દોષી ઠેરવી બેઉને ૨૦ વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આરોપી મહેશ જોગાભાઈ પ્રજાપતિ અને પ્રવિણ રાઘુભાઈ પ્રજાપતિ (બંને રહે. તિરુપતિનગર- ૪ પાછળ આવેલા ઝૂંપડા, મણિનગર સેલાની પીરની દરગાહની બાજુમાં, આદિપુર) સામે ૨૨-૧૦-૨૦૨૦ના રોજ અંજાર પોલીસ મથકે પોક્સો, એટ્રોસીટી સહિતની ધારાઓ તળે ગુનો નોંધાયો હતો.
મહેશ બાળાનું અપહરણ કરીને માંડવીના મોડકુબા, અબડાસાના સિંધોડી ખાતે પરિચિતોની વાડીએ લઈ ગયેલો અને છેલ્લે પોતાના વતન રાપરના ખાંડેકમાં તેને લઈ આવ્યો હતો. તેની સાથે શારીરિક સંબંધો બાંધીને ગર્ભવતી બનાવી હતી. સહઆરોપી પ્રવિણ પ્રજાપતિએ છ માસ અગાઉ ગાંધીધામના ભારાપરની રેણુકા સુગર કંપની સામે આવેલી ઓરડીમાં આ બાળા સાથે દુષ્કર્મ આચર્યું હતું.
આ ગુનામાં ૧૯ સાક્ષી અને ૬૪ દસ્તાવેજી આધારો તપાસીને વિશેષ પોક્સો જજ કમલેશ કે. શુક્લએ બંને આરોપીને દોષી ઠેરવી ઈપીકો કલમ ૩૬૩ હેઠળ ૩ વર્ષની કેદ, બે હજારનો દંડ, કલમ ૩૬૬ હેઠળ ૨ વર્ષની કેદ અને ૧ હજારનો દંડ, એટ્રોસીટી એક્ટની કલમ હેઠળ પાંચ વર્ષની કેદ અને ૧ હજાર દંડ, ઈપીકો કલમ ૩૭૬, ૧૧૪ તથા પોક્સો એક્ટની કલમ ૪ હેઠળ ૨૦ વર્ષની કેદ અને ૧૫ હજારનો દંડ ફટકાર્યો છે. આ કેસમાં પ્રોસિક્યુશન તરફે મદદનીશ સરકારી વકીલ આશિષકુમાર પી. પંડ્યા અને મૂળ ફરિયાદીના વકીલ સચિન એચ. પલણે દલીલો કરી હતી.
Share it on
|