|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છના જિલ્લા વિકાસ અધિકારીએ નૈતિક અધઃપતનના આરોપસર રાપર તાલુકાના સેલારી ગામના સરપંચને પુનઃ એકવાર સસ્પેન્ડ કરી દીધા છે. સસ્પેન્ડેડ સરપંચ મહેશ ધનજીભાઈ ચૌધરી સહિતના આરોપીઓ સામે મહારાષ્ટ્રના થાણેના કલ્યાણ પોલીસ મથકે એપ્રિલ ૨૦૨૨માં ખોટાં દસ્તાવેજોથી ૩.૪૭ કરોડની મિલકત પચાવી પાડી ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. જે સબબ જૂન ૨૦૨૨માં મહેશ ચૌધરી સહિત કુલ ચાર આરોપીઓની પોલીસે અટક કરી હતી. આ મુદ્દે ગામના ભચુભાઈ રાવરીયાએ ૨૦૨૨માં જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ ગુજરાત પંચાયત અધિનિયમની કલમ ૫૯ (૧) તળે સરપંચપદેથી ફરજમોકૂફ કરવા રજૂઆત કરેલી.
ડિસેમ્બર ૨૦૨૨માં તત્કાલિન જિલ્લા વિકાસ અધિકારીએ મહેશ ચૌધરીને સસ્પેન્ડ કરેલ.
ડીડીઓના હુકમ સામે ચૌધરીએ વિકાસ કમિશનર સમક્ષ રીવિઝન અરજી દાખલ કરીને રજૂઆત કરેલી કે ડીડીઓએ તેમનો પક્ષ સાંભળ્યા વગર પોતાને સસ્પેન્ડ કર્યો છે. જેથી વિકાસ કમિશનરે ચૌધરીની અરજીને અંશતઃ ગ્રાહ્ય રાખી સસ્પેન્સનના હુકમ પર સ્ટે ફરમાવીને, સમગ્ર કેસ નવેસરથી ચલાવી ચૌધરીનો પક્ષ સાંભળ્યા બાદ અંતિમ નિર્ણય કરવા હુકમ કર્યો હતો.
ડીડીઓએ નવેસરથી કેસ ચલાવ્યો ત્યારે ચૌધરીએ પોતાની સામે નોંધાયેલી ફોજદારી ફરિયાદ પરત ખેંચાઈ હોવાનું જણાવીને તેના સમર્થનમાં ફરિયાદી અને અમુક સાક્ષીઓના સોગંદનામા રજૂ કર્યાં હતા. જો કે, મહારાષ્ટ્રની કૉર્ટે ફરિયાદીનું સોગંદનામું માન્ય રાખ્યું નહોતું અને હાલ કેસ કૉર્ટમાં પેન્ડિંગ છે.
આ મુદ્દાને ધ્યાને રાખીને ડીડીઓ ઉત્સવ ગૌતમે ચૌધરીને વધુ એકવાર સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. ચૌધરીને સરપંચના હોદ્દા પર ચાલુ રાખવામાં આવે તો ગ્રામજનો અને સમાજમાં વિપરીત અસર પડે તેમ હોવાથી તથા લોકતાંત્રિક મૂલ્યો જળવાઈ રહે તે હેતુથી ચૌધરીને સસ્પેન્ડ કરવા આદેશ કરાયો છે. ઉલ્લેખનીય છે કે ચૌધરીના પત્ની વિમળાબેન તાજેતરમાં યોજાયેલી રાપર તાલુકા પંચાયતની ચૂંટણીમાં સેલારી બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ઊભાં રહેલા અને તેમનો વિજય થયો હતો.
Share it on
|