click here to go to advertiser's link
Visitors :  
05-Jun-2026, Friday
Home -> Bhachau -> Bhachau Court rejects revision application of land scam accused
Friday, 05-Jun-2026 - Bhachau 410 views
ટ્રાયલ શરૂ ના થયાના આધાર પર જામીન માગનારા જમીન કૌભાંડના આરોપીને ઝટકો
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ મૂળ માલિકના નામે બોગસ આધાર કાર્ડ બનાવી, ડમી માણસને માલિક બનાવી જમીન કૌભાંડ આચરવાના ગુનામાં પકડાયેલા મુંબઈના પરેશ દામજી ગડાનો જેલવાસ લંબાયો છે. ધરપકડ થયાના ૧૩૬ દિવસ વીત્યાં બાદ તથા ચાર્જશીટ દાખલ થયાના સાડા પાંચ માસ બાદ પણ કેસની ટ્રાયલ શરૂ ના થઈ હોવાના આધાર પર પરેશ ગડાએ જામીન અરજી કરેલી. ભચાઉના અધિક ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટે તેની અરજી ફગાવી દીધી હતી.

નીચલી કૉર્ટના હુકમને પડકારીને ગડાએ ભચાઉ સેશન્સ કૉર્ટમાં રીવિઝન અરજી દાખલ કરેલી, જેને સેશન્સ કૉર્ટે રીજેક્ટ કરી દઈ નીચલી અદાલતનો હુકમ ઉચિત ઠેરવ્યો છે.

જાણો શો છે ગડા સામેનો ગંભીર આરોપ

૦૨-૦૭-૨૦૨૫ના રોજ  પરેશ ગડા (રહે. મુંબઈ મૂળ રહે. સામખિયાળી), રોહિતગીરી પ્રભુગીરી બાવાજી (રહે. લાકડીયા), હાસમભાઈ બાબુભાઈ મીર અને અન્ય બે અજાણ્યા લોકો વિરુધ્ધ લાકડીયા પોલીસ મથકે મુંબઈના વિશનજી વીરજીભાઈ છાડવાએ ફરિયાદ નોંધાવેલી. આરોપીઓએ ફરિયાદીના નાના ભાઈ શાંતિલાલના નામે આવેલી લાકડીયાના સર્વે નંબર ૩૭૬/૧ની ૨ હેક્ટર ૫૧ આરે ૯૨ ગુંઠાવાળી જમીનનો રાજેશ ભગુભાઈ નામના શખ્સ પાસેથી ૧૧ લાખ રૂપિયા મેળવીને બારોબાર બોગસ સાટા કરાર લખી આપ્યો હતો. તેમાં શાંતિલાલના નામનું બોગસ આધાર કાર્ડ રજૂ કરાયેલું અને પરેશ ગડાએ મુંબઈથી કોઈ ભળતી વ્યક્તિને શાંતિલાલ તરીકે લઈ આવીને સહી-સિક્કા કરાવેલાં.

ગડા ૬ જૂલાઈ ૨૦૨૫થી જેલની હવા ખાય છે

આ ગુનામાં પકડાયેલો પરેશ ગડા ૬ઠ્ઠી જૂલાઈ ૨૦૨૫થી જેલની હવા ખાય છે. પરેશની ધરપકડ બાદ ૦૩-૦૮-૨૦૨૫ના રોજ પોલીસે તેની વિરુધ્ધ કૉર્ટમાં ચાર્જશીટ દાખલ કરેલી. આ કેસમાં અત્યારસુધીમાં એક પંચ અને એક સાક્ષી મળી ફક્ત બે જણની જુબાની લેવાઈ છે. પોતે ૧૩૬ દિવસથી જેલમાં બંધ છે, ટ્રાયલ પૂરી થવામાં હજુ ઘણો સમય વીતે તેમ છે ત્યારે પ્રી ટ્રાયલ કન્વિક્શન (મુકદમો ચાલે તે પૂર્વે જ દોષસિધ્ધિ) થતું હોઈ જામીન આપવા નીચલી કૉર્ટમાં અરજી કરેલી. નીચલી કૉર્ટે અરજી ફગાવી દેતા ગડાએ સેશન્સ કૉર્ટમાં રીવિઝન દાખલ કરેલી.

સરકારી વકીલે અરજી ફગાવવા કરેલી દલીલો

ભચાઉના અધિક જિલ્લા સરકારી વકીલ ડી.એસ. જાડેજાએ નીચલી કૉર્ટનો હુકમ ન્યાયોચિત અને યોગ્ય હોવાનું જણાવતાં દલીલ કરેલી કે ગડા સામે જમીન કૌભાંડના આવા એકથી વધુ ગુના નોંધાયેલાં છે. આજીવન કેદની સજાને પાત્ર ગુનો છે, તે બહારગામનો રહેવાસી છે તેથી જામીન પર છૂટ્યા બાદ નાસી જવાની શક્યતા છે. સમગ્ર કેસ દસ્તાવેજી પુરાવા આધારીત છે અને FSLના રિપોર્ટ આવવાના હજુ બાકી છે.

કૉર્ટે આ કારણો જણાવીને અરજી ફગાવી દીધી

ભચાઉના બીજા અધિક ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ ભરત ચોઈથાણીએ નીચલી કૉર્ટના હુકમને યોગ્ય ઠેરવી, ગડાની અરજી ફગાવી દેતાં જણાવ્યું કે ચાર્જશીટ થયાના બે માસમાં ટ્રાયલ શરૂ થઈ નથી તે મુદ્દો આરોપી/અરજદારની તરફેણમાં છે પરંતુ કેસ દસ્તાવેજ આધારીત છે અને FSLમાંથી દસ્તાવેજો પરત આવ્યા ના હોઈ ત્વરીત સાક્ષીઓ તપાસી શકાયાં નથી.

દસ્તાવેજો પરત આવે ત્યારબાદ તે દસ્તાવેજો સંબંધિત સાક્ષીઓને તપાસવામાં આવે તે જરૂરી અને આવશ્યક છે. જો તેમ ના થાય તો ફરિયાદ પક્ષને અન્યાય થવા સંભવ છે.

જેમ કૉર્ટમાં કામના ભારણ સબબ ટ્રાયલ ચલાવવામાં વિલંબ થાય છે તેમ કદાચ FSL કચેરીમાં પણ કામના ભારણના લીધે ત્વરીત પરીક્ષણ કે પ્રયોગ થઈ શકતા નથી. અરજી ફગાવતી વખતે સરકારી વકીલે કરેલી દલીલોને પણ કૉર્ટે ચુકાદામાં નોંધી છે.

Share it on
   

Recent News  
ભુજની મેન્ટલ હોસ્પિટલના હેડ ક્લાર્કે સરકારી ૧.૭૬ કરોડ રૂપિયાની ઉચાપત કરતા ચકચાર
 
ગાંધીધામઃ વાહનોના ફિટનેસ ટેસ્ટ અને રી-પાસિંગ બદલ લાંચ લેતો કર્મચારી ઝડપાયો
 
માંડવીઃ રહેણાક મકાનમાં દરોડો પાડી LCBએ દેશી તમંચો, એરગન સાથે હથિયારો જપ્ત કર્યાં