click here to go to advertiser's link
Visitors :  
07-Jun-2026, Sunday
Home -> Bhuj -> Mokhana Land Scam Bhuj Court rejects anticipatory bail of one more accused
Saturday, 06-Jun-2026 - Bhuj 805 views
મોખાણાના જમીન કૌભાંડમાં વધુ એક આરોપીની આગોતરા જામીન અરજી ફગાવાઈ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ બોગસ માલિકને ચોપડાં પર જીવતો કરીને ભુજના મોખાણા ગામની સીમમાં ગણોતિયાના કબજામાં રહેલા ત્રણ ખેતરની બારોબાર વેચસાટ કરવાના ગુનામાં વધુ એક આરોપીની આગોતરા જામીન અરજી કૉર્ટે ફગાવી દીધી છે. ૧૨-૦૬-૨૦૨૩ના રોજ મોખાણાના સર્વે નંબર ૧૩૨નું ૭ એકર ખેતર, સર્વે નંબર ૨૭૭નું ૧૧ એકર ખેતર અને સર્વે નંબર ૫૯૪/૧ના ૬ એકર ખેતરના બારોબાર વેચાણ દસ્તાવેજ બનાવી દેવાયેલાં.

વર્ષોથી કોઈએ ના જોયેલ મૂળ માલિક ધરમશી કલ્યાણ શાહે મુંબઈથી અચાનક પ્રગટ થઈને જૂન ૨૦૨૩માં આ ખેતરો વેચી મારેલાં. એક ખેતર રાપરના મોટી હમીરપરના હરદેવસિંહ ભગુભા વાઘેલાએ, બીજું ખેતર માલા હિરાલાલ સોની (રહે. ચંદિયા, ભુજ)એ અને ત્રીજું ખેતર પ્રેમજી દામજી ચાડ (રહે. ઢોરી, ભુજ) તથા છગનલાલ પ્રેમજી સોની (સાંયરા, નખત્રાણા)એ સંયુક્ત રીતે ખરીદેલું.

વેચાણ દસ્તાવેજમાં કંકુબેન વાલજી શાહ (રહે. શિવાજીનગર, મલાડ વેસ્ટ, મુંબઈ) અને કરસન વાઘા ડોઢિયા (કાંદિવલી વેસ્ટ, મુંબઈ)એ સાક્ષી તરીકે સહીઓ કરેલી.

જમીન ખરીદનાર પ્રેમજી ચાડે આગોતરા જામીન અરજી કરીને પોતે જમીન ખરીદનાર હોવાનું જણાવી રજૂઆત કરેલી કે ખરેખર તો આ ફરિયાદમાં તેને આરોપી નહીં પરંતુ સાક્ષી બનાવવો જોઈએ. તેની સામે સરકારી વકીલ ડી.જે. ઠક્કરે રજૂઆત કરેલી કે અરજદાર ખરેખર તો ગુનાનો ભોગ બનનાર નહીં પરંતુ ગેરકાયદે લાભ મેળવનાર વ્યક્તિ છે. મિલકત વેચનાર ધરમશી કલ્યાણ શાહ ખરેખર કોણ હતો તેને અરજદાર જ ઓળખી શકે તેમ છે. આ ગુનામાં હજુ તેની પાસેથી અસલ દસ્તાવેજ મેળવવાનો બાકી છે. તેથી કસ્ટોડિયલ ઈન્ટરોગેશન કરવું આવશ્યક છે.

સેશન્સ જજ દિલીપ મહિડાએ દલીલો ગ્રાહ્ય રાખીને અરજી ફગાવી દેતા જણાવ્યું કે આ કેસમાં માત્ર એક જ આરોપીની જામીન અરજી મંજૂર થઈ છે, બાકીના તમામ આરોપીઓની અરજીઓ તમામ સ્તરે નામંજૂર થયેલી છે. અન્ય કેટલાંક નાસતાં ફરતાં આરોપી હજુ પકડાવાના બાકી છે.

ઉલ્લેખનીય છે કે ૯ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ પધ્ધર પોલીસ મથકે ધરમશી શાહ, કંકુબેન વાલજી શાહ અને કરસન વાઘા દોઢીયા સામે બોગસ આધારો અને દસ્તાવેજો મારફતે જમીન હડપ કરવાના પ્રયાસનો ગુનો દાખલ કરેલો. તપાસ દરમિયાન કાવતરું ઘડનારા જમીન દલાલો વિપુલ ભગુભાઈ કોવાડીયા, હરજી માવજી કેરાસીયા, વિજય કરસન ઢીલાએ ધરમશી નામનો માણસ ઊભો કરીને આખો ખેલ પાડ્યો હોવાનું બહાર આવેલું. જેમાં જમીન ખરીદનારા છગનલાલ પ્રેમજી સોની, માલાબેન દેવજી સોરઠીયા, હરદેવસિંહ વાઘેલા, મહેશ વાલજીભાઈ બાળા (આહીર), રોહન મહાદેવ જાટાવાડીયા, અજય રસિકલાલ ઠક્કર વગેરેની ભૂમિકાઓ બહાર આવેલી. આ કેસમાં ગત ૨૦ મેના ભુજ કૉર્ટે જેલમાં રહેલા વિપુલ કોવાડીયાની નિયમિત જામીન અરજી ફગાવી દીધી હતી.

Share it on
   

Recent News  
૩.૪૭ કરોડની ઠગાઈના ફોજદારી કેસ બદલ રાપરના સેલારીના સરપંચ બીજીવાર સસ્પેન્ડ
 
ભુજની મેન્ટલ હોસ્પિટલના હેડ ક્લાર્કે સરકારી ૧.૭૬ કરોડ રૂપિયાની ઉચાપત કરતા ચકચાર
 
ટ્રાયલ શરૂ ના થયાના આધાર પર જામીન માગનારા જમીન કૌભાંડના આરોપીને ઝટકો