|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના વડવાળા ગામે દરોડો પાડીને SMCએ પકડેલાં ૪ કરોડના ઈંગ્લિશ દારૂના કેસમાં બે જણે કરેલી જામીન અરજી પર એક જ દિવસે હાથ ધરાયેલી સુનાવણીમાં કૉર્ટે એકને જામીન પર છોડી મૂક્યો છે, બીજાની અરજી ફગાવી દીધી છે. બંને આરોપીની ગુનામાં રહેલી સંડોવણીના આધારે ભુજ સેશન્સ કૉર્ટે આ મહત્વપૂર્ણ હુકમ કર્યાં છે. ગત ૧૯ અને ૨૦ ફેબ્રુઆરીની રાત્રે SMCએ વડવાળામાં કટિંગ ટાણે રેઈડ કરીને ૪ કરોડના દારૂ સાથે સ્થળ પર હાજર બે લોકોની ધરપકડ કરેલી. બાકીના આરોપીઓ ફરાર થઈ ગયેલાં અને અમુક સ્થળ પર હાજર મળ્યાં નહોતાં. આ ગુનામાં ભુજના કેરા ગામના સૂત્રધાર અનોપસિંહ રાઠોડ, તેના પાર્ટનર નવજ્યોત ઊર્ફે નવઘણ રાજગોર, દેવેન્દ્ર ઊર્ફે દેવો ખોડીદાસ કાપડી, શિવરાજ ગઢવી, જયેશગર ઊર્ફે જેકી બાવાજી, ગોપાલસિંહ બનેસિંહ વાઘેલા સહિત ૧૬ જણ સામે નામજોગ અને અન્ય અજાણ્યા સાગરીતો મળી ૨૩ લોકો સામે પધ્ધર પોલીસ મથકે પ્રોહિબિશનની વિવિધ ધારાઓ તળે ગુનો નોંધાવાયો હતો.
આ ગુનામાં પકડાયેલાં એક આરોપી જયેશગરને ૬ઠ્ઠી મેનાં રોજ ગુજરાત હાઈકૉર્ટે નિયમિત જામીન પર છોડી મૂક્યો હતો.
ત્યારબાદ જેલમાં રહેલાં આરોપીઓ પૈકી ગોપાલસિંહ વાઘેલા (રહે. કેરા) અને દેવેન્દ્ર ઊર્ફે દેવો ખોડીદાસ કાપડી (રહે. ગાંધીધામ)એ ભુજ સેશન્સ કૉર્ટમાં નિયમિત જામીન મેળવવા અરજી કરેલી. ગોપાલ ૦૪-૦૬-૨૦૨૬થી અને દેવો ૨૦-૦૪-૨૦૨૬થી જેલમાં કેદ છે. કૉર્ટે બંનેની જામીન અરજીઓની અલગ અલગ સુનાવણી કરી હતી.
બેઉના વકીલોએ ગુનામાં તેમની સંડોવણી ના હોવાનું, પોલીસની તપાસ પૂરી થઈ ગઈ હોવાનું, આરોપીઓ સામે કોઈ પુરાવા ના હોવાનું તેમજ સહઆરોપીને હાઈકૉર્ટે જામીન પર મુક્ત કર્યો હોઈ પેરિટીના ગ્રાઉન્ડ પર છોડવા દલીલો કરી હતી.
બેઉ આરોપીઓએ ગુનામાં ભજવેલી ભૂમિકાને ધ્યાને લઈને કૉર્ટે એકને જામીન પર છોડ્યો છે જ્યારે બીજાને સમાજના હિતમાં જેલમાં જ રાખવો મુનાસિબ માન્યો છે.
સાતમા અધિક સેશન્સ જજ તુષાર ખંધડીયાએ જણાવ્યું કે પોલીસ રેકર્ડ મુજબ દારૂ કટિંગ થતો હતો ત્યારે સ્થળ પર હાજર ગોપાલ પોલીસ આવે છે કે કેમ તેના પર વૉચ રાખતો હતો.
હાઈકૉર્ટે જામીન પર છોડેલા જયેશગરની ગુનામાં ભૂમિકા ડ્રાઈવર તરીકેની હતી.
ગોપાલની ભૂમિકાને જયેશગર જેવી માનીને તેને જામીન પર છોડી મૂકવા હુકમ કર્યો છે. બીજી તરફ, દેવા કાપડીની અરજી ફગાવી દીધી છે.
જજ ખંધડીયાએ જણાવ્યું કે હરિયાણાની મેવાત ગેંગ પાસેથી જે લોકોએ કરોડોનો દારૂ મગાવેલો તે પૈકીનો દેવો એક મહત્વનો આરોપી છે. તેની સામે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમના પણ ગુના છે. ગુનામાં જયેશગરની ભૂમિકાની તુલનાએ દેવાની ભૂમિકા જુદી છે. દારૂ મગાવવામાં તેની સક્રિય સંડોવણી રહેલી છે. તેને જામીન પર છોડાય તો સમાજમાં અનિચ્છનીય સંદેશ જશે અને તેને જામીન પર છોડવો સમાજના હિતમાં નહીં હોય. આમ, દેવાને જેલમાં જ રાખવો કૉર્ટે મુનાસિબ સમજ્યું છે.
Share it on
|