|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ માધાપરમાં ૧૦ વર્ષની બાળકી જોડે શારીરિક અડપલાં કરનારાં ૪૪ વર્ષના શખ્સને ભુજની પોક્સો કૉર્ટે ૫ વર્ષની સખ્ત કેદ સાથે ૭૫ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઘટના આજથી ૯ મહિના અગાઉ માધાપર જૂનાવાસમાં આવેલા ટ્યુશન ક્લાસમાં બની હતી. જે અંગે ૨૬-૦૯-૨૦૨૫ના રોજ પોક્સો એક્ટ સહિતની કલમો તળે કનૈયા દલપતભાઈ પરમાર નામના ૪૪ વર્ષના શખ્સ સામે માધાપર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. ગુનાનો ભોગ બનનાર બપોરે ત્રણ વાગ્યાના અરસામાં નિત્યક્રમ મુજબ ટ્યુશન ક્લાસમાં ગયેલી. ટ્યુશન ક્લાસમાં અન્ય કોઈ બાળકો આવ્યાં નહોતાં. ત્યારે કનૈયાએ બાળકીની એકલતાનો ગેરલાભ લઈ બાળકીના હોઠ પર ચુંબન કરીને, બાળકીના કપડાં કાઢવાનો પ્રયાસ કરેલો. ગભરાઈ ગયેલી બાળકીએ રાડારાડ કરતાં કનૈયો નાસી ગયેલો.
બનાવ અંગે માધાપર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આજે ભુજની વિશેષ પોક્સો કૉર્ટના જજ જે.એ. ઠક્કરે ૯ દસ્તાવેજી પુરાવા અને ૭ સાક્ષીઓને તપાસીને આરોપીને દોષી ઠેરવ્યો છે.
કૉર્ટે પોક્સો એક્ટની કલમ ૯ (એમ), અને ૧૦ હેઠળ કનૈયા પરમારને ૫ વર્ષની સખ્ત કેદ સાથે ૫૦ હજાર રૂપિયાનો દંડ તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ ૭૫ (૧) હેઠળ ૩ વર્ષની સખ્ત કેદ સાથે ૨૫ હજારનો દંડ ફટકાર્યો છે. દંડની રકમ વસૂલ થયે તે રકમ ભોગ બનનારને ચૂકવવા સાથે કૉર્ટે બાળકીને વધુ ૧ લાખ રૂપિયા વળતર તરીકે ચૂકવવા પણ હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદ પક્ષે જિલ્લાના મુખ્ય સરકારી વકીલ એચ.બી. જાડેજાએ દલીલો કરી હતી.
Share it on
|