|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ આમ આદમી પાર્ટી, કચ્છ ઝોનના પ્રમુખ સંજય બાપટે પોતાના જ પક્ષની જિલ્લા મહિલા પ્રમુખ પાસેથી ૯ લાખ રૂપિયા મેળવીને, પરત નહીં કરી તેમજ વ્યાજખોરીના ખોટાં કેસમાં ફસાવી દેવાની ધમકી આપી વિશ્વાસઘાત ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. ભુજની મુંદરા રીલોકેશન સાઈટ, ઓધવ એવન્યૂમાં રહેતા ૫૨ વર્ષિય કાન્તાબેન શશિકાન્ત ગાંગજીયાણીએ સંજય બાપટ (રહે. શિવ ટાઉનશીપ, મુંદરા) સામે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પહેલાં પાંચ લાખ લઈ પરત આપીને વિશ્વાસ કેળવ્યો
કાન્તાબેને ફરિયાદમાં જણાવ્યું કે પોતે ‘આપ’માં છેલ્લાં ૪ વર્ષથી જિલ્લા મહિલા પ્રમુખ છે. બાપટ પણ જિલ્લા પ્રમુખ હોઈ અવારનવાર મળવાનું થતું હતું. માર્ચ ૨૦૨૩માં બાપટે પોતાને નાણાંની જરૂર હોવાનું અને છ માસમાં પાછાં આપી દેવાનો વાયદો કરીને કાન્તાબેન પાસેથી ૫ લાખ રૂપિયા મેળવેલાં. વાયદા મુજબ છ માસની અંદર નાણાં પરત આપી દઈને બાપટે ફરિયાદીનો વિશ્વાસ કેળવેલો. ત્યારબાદ માર્ચ ૨૦૨૪માં બાપટે ફરિયાદી પાસે ફરી ઉછીના ૯ લાખ રૂપિયાની માંગણી કરી એક વર્ષની અંદર નાણાં પરત કરી દેવાનો વાયદો કરેલો.
વિશ્વાસ કેળવ્યાં બાદ ઉછીના ૯ લાખ રૂપિયા મેળવ્યાં
કાન્તાબેને માર્ચ ૨૦૨૪ના એક માસના સમયગાળામાં RTGS મારફતે ટુકડે ટુકડે બાપટના ખાતામાં ૯ લાખ રૂપિયા જમા કરાવ્યાં હતા. બાપટે બાંહેધરી માટે તેમને પોતાના બેન્ક ખાતાનાં ત્રણ ચેક આપેલાં. એક વર્ષ થઈ ગયું છતાં બાપટે કાન્તાબેનને નાણાં પરત આપ્યાં નહોતાં. નાણાંની માંગણી કરતા તો બાપટ બોલતો કે ‘હું તમારા રૂપિયા લઈને ક્યાં ભાગી જવાનો હતો?’
મિત્ર મારફતે વ્યાજખોરીની ખોટી અરજી કરાવી
નવેમ્બર ૨૦૨૫માં બાપટે તેના મિત્ર રઝાક ઓસમાણ કુંભાર મારફતે મુંદરા પોલીસ મથકમાં કાન્તાબેન વિરુધ્ધ ઊંચા વ્યાજે નાણાં ધીરતાં હોવાની ખોટી અરજી કરાવી હતી. કાન્તાબેને પોલીસ સ્ટેશનમાં રૂબરૂ જઈ નિવેદનમાં સાચી હકીકત લખાવતાં પોલીસે રઝાકની અરજી ફાઈલ કરી દીધી હતી.
દબાણ કર્યું તો વ્યાજખોરીના ખોટાં કેસમાં ફસાવવાની ધમકી
માર્ચ માસમાં આપના પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ડૉ. કાયનાત અન્સારીની એટ્રોસિટીના કેસમાં ધરપકડ થયેલી. તે સમયે ૧૦-૦૩-૨૦૨૬ના રોજ પક્ષના કાર્યકરો અને હોદ્દેદારો તેમને મળવા ગળપાદર જેલ ગયેલાં. તે સમયે ફરિયાદીએ પૂર્વ જિલ્લા પ્રમુખ જુજારદાન ગઢવી જોડે બાપટ ઊભો હતો.
ફરિયાદીએ નવ લાખ રૂપિયા પરત આપવા માંગણી કરતા બાપટે ગઢવીની હાજરીમાં ધમકી આપેલી કે ‘જો તું મારી પાસે રૂપિયા માંગીશ તો જેમ રઝાક પાસે અરજી કરાવેલી તેમ હું તારી સામે અરજી કરીને વ્યાજખોરીના ખોટાં કેસમાં ફીટ કરાવી દઈશ’
બાપટ સામે અગાઉ પણ પોલીસ ફરિયાદો નોંધાયેલી હોવાનું તેમજ તે માથાભારે હોવાનું જાણવા મળતાં ફરિયાદીએ તેની પાસે ફરી રૂપિયા માંગવાની હિંમત કરી નહોતી. કાન્તાબેને આ મામલે થોડાંક સમય અગાઉ પોલીસને અરજી આપેલી. અરજીના આધારે આજે તેમણે ફરિયાદ નોંધાવી છે.
મેમાં બાપટ સહિતની ટોળકી ખંડણી, લૂંટ, હુમલાનો કેસ થયેલો
બાપટ અને તેના ત્રણ સાગરીતો સામે ગત ૨૪ મેનાં રોજ અબ્દુલ્લા ગફૂર હાલેપોત્રાએ ખંડણી, લૂંટ, મારામારીની પ્રાગપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બાપટ તેના સાગરીત માણેક ગઢવીને ગફૂર પાસે મોકલીને ફોન પર ‘શાંતિથી ધંધો કરવો હોય તો રૂપિયા આપવા પડશે’ તેમ કહીને હપ્તા માંગતો હતો.
ગફૂરે રૂપિયા ના આપતાં બાપટે મુંદરામાં પત્રકાર બનીને ફરતાં હરિ સુમાર ગઢવી અને આરીફ કાસમ ખલીફાને તેના ઓઈલના વાડા પર મોકલીને, મજૂરો પર હુમલો કરાવેલો.
હરિ મજૂરના ખિસ્સામાંથી સાડા ૪ હજાર રૂપિયાની લૂંટ કરીને નાસી ગયેલો પરંતુ આરીફ મજૂરોના હાથમાં આવી જતાં ગફૂર અને મજૂરો તેને કૂટીને પ્રાગપર પોલીસના હવાલે કરી ફરિયાદ નોંધાવેલી. સામા પક્ષે ગફૂર પર પ્રતિ ફરિયાદ નોંધાવેલી. આ એ જ ગફૂર છે જેના વાડામાં ત્રણેક દિવસ અગાઉ સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડીને ખાદ્યતેલ ભરેલાં ટેન્કરોના ડ્રાઈવરોને ફોડીને થોડું થોડું તેલ ચોરી લેવાના કારસાનો પર્દાફાશ કરેલો.
૨૦૨૧માં મકાન પચાવવા બદલ લેન્ડગ્રેબિંગમાં ફીટ થયેલો
આ અગાઉ ૨૩-૦૭-૨૦૨૧ના રોજ બાપટ સામે મુંબઈ રહેતા ૮૨ વર્ષના હિરાબેન છેડાએ શિવ ટાઉનશીપમાં આવેલું પોતાનું મકાન પચાવી પાડવા બદલ મુંદરામાં લેન્ડગ્રેબિંગની ફરિયાદ નોંધાવેલી. બાપટે ભાડે રહેવાના બહાને હિરાબેનનું મકાન મેળવેલું અને પછી પચાવી પાડીને ‘થાય તે કરી લેવાની’ ધમકીઓ આપેલી.
Share it on
|