કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના કનૈયાબે ગામ નજીક ટ્રકની ટક્કરે પતિ સાથે મૃત્યુ પામેલા મહિલા એએસઆઈના વારસદારોને આજે પશ્ચિમ કચ્છ ઈન્ચાર્જ એસપીના હસ્તે ઈન્સ્યોરન્સ પેટે ૧ કરોડ રૂપિયાનો ચેક અર્પણ કરાયો છે. ગત ૧૮ મે ૨૦૨૪ના રોજ સવારે ૯ વાગ્યાના અરસામાં ૨૮ વર્ષિય વૈશાલી નરેન્દ્રભાઈ પરમાર અને તેમના પતિ હિંમત રામભાઈ જાદવનું ધાણેટી નજીક ટ્રક નીચે કચડાઈ જવાથી મૃત્યુ નીપજ્યું હતું. કબરાઉથી પરત ફરતી વેળા દંપતીનું મૃત્યુ થયેલું
દંપતી ભચાઉના કબરાઉથી ધાર્મિક સ્થળના દર્શન કરીને એક્ટિવા પર ભુજ તરફ પરત ફરતું હતું ત્યારે ધાણેટી નજીક વાઘેશ્વરી પેટ્રોલ પંપ પાસે ટ્રકે એકાએક પંપમાં વાહન વાળતાં દંપતી કચડાઈ ગયું હતું. મરણ જનાર વૈશાલીબેન ૧૪ દિવસ અગાઉ જ નખત્રાણા પોલીસ મથકમાં તાલીમી આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર તરીકે નિમણૂક પામેલાં. મૂળ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના પ્રસ્નાવાડા ગામના વૈશાલીબેન અને તેમના પતિ હિંમતના જાન્યુઆરી ૨૦૨૪માં જ લગ્ન થયેલાં.
ઈન્સ્યોરન્સ પેટે બેન્કે અર્પણ કર્યો ૧ કરોડનો ચેક
પોલીસ દળમાં ફરજ બજાવતાં પોલીસ કર્મચારીઓના સેલેરી એકાઉન્ટ એક્સિસ બેન્કમાં હોઈ તે પોલીસ કર્મચારીઓનું અકસ્માતે અકાળે અવસાન થાય તો તેવા સંજોગોમાં બેન્ક દ્વારા વીમા પેટે ૧ કરોડ રૂપિયા અપાય છે. આજે વૈશાલીબેનના વારસદારોને બેન્કના અધિકારીઓની ઉપસ્થિતિમાં ઈન્ચાર્જ એસપી વિકાસ સુંડાના હસ્તે એક કરોડનો ચેક અર્પણ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, કોરોના સમયે અકાળે અવસાન પામેલાં અનેક પોલીસ કર્મચારીઓના વારસદારોને પણ ઈન્સ્યોરન્સ પેટે એક કરોડ રૂપિયા મળ્યાં હતાં.
Share it on
|