કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજમાં ૧૧ દિવસ અગાઉ પરોઢે ૪.૩૦ વાગ્યે બાઈક પર જતાં યુવકને પાછળથી ટક્કર મારી નાસી છૂટેલી બોલેરોનો એ બનાવ સામાન્ય હિટ એન્ડ રનનો નહીં પરંતુ હત્યાના પ્રયાસનો હોવાનું તપાસમાં ખૂલ્યું છે. આ ગુનો આચરનાર આરોપી બીજો કોઈ નહીં પરંતુ જેને ટક્કર મારવામાં આવી તે યુવકના મામાનો દીકરો નીકળ્યો છે! પરિવારની સ્ત્રી સાથેના આડા સંબંધમાં મામાના પુત્રએ હત્યા કરવાનો પ્લાન ઘડી તેને ટક્કર મારી હતી.
ભુજ APMCમાં શાકભાજીનો જથ્થાબંધ વેપાર કરતો ૩૪ વર્ષિય નરેન્દ્રસિંહ દૈયબતસિંહ જાડેજા (રહે. ગણેશનગર, ભુજ) નિત્યક્રમ મુજબ ચોથી એપ્રિલની પરોઢે બાઈક લઈને APMC જવા નીકળ્યો હતો ત્યારે કોમર્સ કૉલેજ રોડ પર ગોગા ટી સ્ટોલથી સહેજ આગળ અચાનક કોઈ બોલેરોએ તેના બાઈકને પાછળથી ટક્કર મારી હતી.
જોરદાર ટક્કરથી નરેન્દ્રસિંહ ફંગોળાઈને નીચે પટકાયો હતો. જેમાં તેને પાંસળી અને કરોડરજ્જુમાં ઈજાઓ પહોંચી હતી. બોલેરોચાલક ટક્કર મારીને ગાડી સાથે નાસી છૂટ્યો હતો.
બનાવ અંગે બીજા દિવસે ભુજ એ ડિવિઝન પોલીસે નરેન્દ્રસિંહના બયાનના આધારે અકસ્માતની ધારાઓ તળે ફરિયાદ દાખલ કરી હતી.
સીસીટીવી ફૂટેજ જોઈને પોલીસને શક પડ્યો ને..
પોલીસે બનાવ સમયના સીસીટીવી કેમેરા ચેક કરતાં ચોંકી ઉઠી હતી. કારણ કે વહેલી પરોઢે રોડ પર કોઈ ટ્રાફિક ના હોવા છતાં આ બોલેરો ટક્કર મારવાના હેતુથી ફરિયાદીના બાઈકનો પીછો કરતી દેખાઈ હતી.
એટલું જ નહીં, ટક્કર માર્યાં બાદ થોડે આગળ જઈને બોલેરોચાલક યુ ટર્ન મારીને જ્યાં સીસીટીવી લાગ્યા ના હોય તેવા રસ્તે ભુજ શહેર બહાર નાસી ગયો હતો.
નંબર પ્લેટના આધારે પોલીસે આરોપીને ઓળખીને પૂછપરછ કરી તો આરોપી પૃથ્વીરાજસિંહ ભરતસિંહ સોઢા (ઉ.વ. ૨૫, રહે. વૃંદાવનનગર, સુખપર, ભુજ મૂળ રહે. વિંઝાણ, અબડ઼ાસા) સંબંધમાં ફરિયાદીનો મામાનો દીકરો નીકળ્યો હતો. મામલો સામાન્ય અકસ્માતનો નહીં પણ અંગત અદાવતમાં ખૂનના પ્રયાસનો હોવાનો પોલીસને અંદાજ આવી ગયો હતો.
પૂરાવાનો નાશ કરવા પ્રયાસ કરાયો હોવાનું ખૂલ્યું
પોલીસે પૃથ્વીરાજને તપાસ માટે બોલાવતાં તે ખાવડા હોવા છતાં પોતે રાપર હોવાનું ખોટું બોલેલો જેથી પોલીસનો શક વધુ ઘેરો બન્યો હતો. પોલીસે સીસીટીવીના વધુ કેટલાંક પૂરાવા એકઠાં કર્યાં તો સ્પષ્ટ થયું કે બનાવને અંજામ આપતા અગાઉ આગલા દિવસોમાં રૂટની રેકી કરવામાં આવી હતી.
ગાડીની પાછલા કાચ પર અગાઉ ‘જાડેજા’ લખેલું હતું પરંતુ અકસ્માત બાદ તે હટાવીને ‘સોઢા’ લખવામાં આવેલું હતું. એટલું જ નહીં, પૂરાવાનો નાશ કરવા માટે ગાડીને ગઢશીશાના એક ગેરેજમાં લઈ જવાઈને બમ્પર તથા જાળી બદલવામાં આવ્યા હતા.
સઘન પૂછપરછમાં આખરે આરોપીએ કબૂલી લીધું કે તેણે મારી નાખવાના હેતુથી બાઈકને ટક્કર મારી હતી. નરેન્દ્રસિંહને પરિવારની એક સ્ત્રી સાથે આડો સંબંધ હોઈ તેણે આ ગુનો આચર્યો હતો. પોલીસે ગુનામાં હત્યાના પ્રયાસ તથા પૂરાવાનો નાશ કરવાની કલમનો ઉમેરો કરીને પૃથ્વીની ધરપકડ કરી લીધી છે. પીઆઈ એ.એમ. પટેલ, પીએસઆઈ બી.ડી. શ્રીમાળીએ ગુનો ડિટેક્ટ કરવા માટે દોડધામ કરી હતી.
Share it on
|