|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ શહેર મામલતદાર કચેરીનો રેવન્યૂ તલાટી ચંદુભાઇ ગેલાભાઇ હરણ (ઉ.વ.૩૪, વર્ગ-૦૩) ૩૫ હજારની લાંચ લેતાં એન્ટી કરપ્શન બ્યૂરૉના છટકામાં રંગેહાથ સપડાઈ ગયો છે. ખેડૂત ખાતેદારનો દાખલો આપવાની અવેજમાં ૩૫ હજારની લાંચ લેતા સી.જી. હરણને એસીબીએ આજે કચેરીમાં જ છટકું ગોઠવીને દબોચી લીધો છે. ભુજના એક અરજદારે ગત માર્ચમાં વડીલોપાર્જીત ખેતીની જમીનનું વેચાણ કરેલું. આ જમીન સિવાય તેની પાસે અન્ય કોઇ ખેતીની જમીન બાકી રહેતી ના હોવાથી, પોતાનો ખેડૂત ખાતેદાર તરીકેનો દરજ્જો ચાલુ રાખવા અરજદારે ખેડૂત ખાતેદારનો દાખલો મેળવવા આરોપી તલાટીનો સંપર્ક કરેલો.
હરણે આ દાખલો આપવા માટે ૪૦ હજાર રૂપિયાની લાંચની માંગણી કરેલી. રકઝકના અંતે ૩૫ હજારની રકમ નક્કી થયેલી.
અરજદારે આ અંગે એસીબીનો સંપર્ક કર્યાં બાદ આજે બપોરે ઑફિસમાં છટકું ગોઠવવમાં આવ્યું હતું. આરોપી તલાટી હરણ અરજદાર સાથે લાંચ અંગેની હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં સ્વિકારતાં પકડાઈ ગયો હતો. એસીબી બોર્ડર એકમના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલ અને રાજકોટસ્થિત ઇન્ચાર્જ નાયબ નિયામક બળદેવસિંહ વાઘેલાના સુપરવિઝન તળે ભુજ એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ જે.જે. ચૌધરીએ સફળ ટ્રેપ કરી છે.
લાંબા સમય બાદ એસીબીના છટકામાં મહેસુલી કર્મચારી ઝડપાતાં જિલ્લાના ભ્રષ્ટ મહેસુલી કર્મચારીઓમાં ફફડાટ છવાઈ ગયો છે.
Share it on
|