|
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ૧૬ વર્ષ ૬ માસ અગાઉ ૨ જૂન ૨૦૦૯ના રોજ ગાંધીધામમાં એટીએમમાં કૅશ રીફીલ કરવા આવનાર કર્મચારીને બંદૂકના નાળચે લૂંટવા થયેલા પ્રયાસના નાસતાં ફરતાં આરોપીએ કરેલી અરજી ભચાઉ સેશન્સ કૉર્ટે ફગાવી દઈ વીસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. વૉન્ટેડ આરોપી સંદિપસિંહ યતેન્દ્રસિંહ ઠાકુરે પોતાની સામે દાખલ થયેલી ચાર્જશીટમાં કરાયેલા આરોપમાં સુધારો કરવા રજૂઆત કરી હતી. ગાંધીધામમાં એટીએમ કર્મીની લૂંટનો પ્રયાસ કરેલો
૧૬ વર્ષ અગાઉ ગાંધીધામમાં ઈફકો સામે આવેલા એટીએમમાં જ્યારે કૅશ રીફીલ કરવા કર્મચારી આવ્યો ત્યારે પરપ્રાંતીય આરોપીઓએ બાઈક પર આવી, હવામાં ફાયરીંગ કરીને કર્મચારીને ડરાવીને રૂપિયાની લૂંટ કરવા પ્રયાસ કરેલો. જો કે, એટીએમના ચોકીદારે સામનો કરતાં આરોપીઓ મોટર સાયકલ પર નાસી ગયેલાં. ઘટના અંગે તત્કાળ કંટ્રોલ મેસેજ પાસ કરાતાં આરોપીઓને પકડવા માટે ભચાઉ પાસે નાકાબંધી કરાયેલી.
ભચાઉ પાસે PSI પર હુમલો કરી ફાયરીંગ કરેલું
આરોપીઓને જોઈ પોલીસ સબ ઈન્સ્પેક્ટરે તેમને અટકાવવા પ્રયાસ કરતા આરોપીઓએ બાઈકની ટક્કર મારી નાસી જવા પ્રયાસ કરેલો. અન્ય પોલીસ કર્મીઓએ તેમને પકડવા પ્રયાસ કરતા તેમણે પિસ્તોલમાંથી ત્રણ રાઉન્ડ ફાયર કરીને નાસવા પ્રયાસ કરેલો. જો કે, ભચાઉ પોલીસે આરોપીઓને ઝડપી પાડીને હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુનો દાખલ કરેલો.
જામીન પર છૂટી આરોપીઓ નાસતાં ફરે છે
આ કેસમાં આરોપીઓ જામીન પર છૂટી ગયેલાં. અત્યાર સુધીમાં નવ સાક્ષીઓની જુબાની લેવાઈ ગઈ છે. છેલ્લે ૧૫-૦૭-૨૦૧૯ના રોજ ફરિયાદીની જુબાની લેવાઈ ત્યારબાદ આરોપીઓ કદી કૉર્ટમાં હાજર થયાં નથી. વારંવાર નોટિસ, સમન્સ છતાં આરોપીઓ હાજર રહેતાં ના હોઈ જૂલાઈ ૨૦૨૫માં કૉર્ટે તેમને વોન્ટેડ જાહેર કર્યાં હતા. તેમ છતાં હજુ સુધી તેઓ પોલીસના હાથ લાગ્યા નથી.
વોન્ટેડ આરોપીની આ અરજી જોઈ કૉર્ટ ભડકી
કૉર્ટે વોન્ટેડ જાહેર કર્યાં બાદ પણ હાજર ના રહેતા આરોપીઓ પૈકી સંદિપસિંહે તેના વકીલ મારફતે ભચાઉ કૉર્ટમાં તેની વિરુધ્ધ દાખલ થયેલાં ચાર્જશીટમાં કલમનો સુધારો કરવા અરજી કરી હતી. અરજી જોઈને ભચાઉના પાંચમા અધિક સેશન્સ જજ ભરત લાલચંદ ચોઈથાણી ભડકી ઉઠ્યાં હતા. તેમણે અરજી ફગાવીને વીસ હજા રૂપિયાનો દંડ ભરવા હુકમ કરતાં જણાવ્યું કે પાંચ વર્ષ ઉપરાંતથી ગેરહાજર રહીને આરોપીએ જામીન મુક્તિનો દુરુપયોગ કર્યો છે. આટલાં વર્ષોથી તેની ગેરહાજરીના કારણે ટ્રાયલ આગળ ચાલી શકી નથી.
ઈન્સાફી કાર્યવાહીમાં કાંકરા ફેંકવાનો કીમિયો
આરોપીઓની ગેરહાજરીના કારણે દર મુદ્દતે કેસના પોકાર, પ્રોસિડિંગ્સ અને પ્રોસેસ કાઢવામાં અદાલત અને પોલીસનો સમય વેડફાઈ રહ્યો છે અને આરોપીએ પડદા પાછળ વૉચ રાખી ગુનાહિત આનંદ કર્યો છે. આટલાં વર્ષો બાદ પણ આરોપીઓ હાજર થતાં નથી કે તેમની સામેના વૉરન્ટ બાબતે કોઈ અરજી આપતા અપાવતા નથી પણ ટ્રાયલ હજુ કેમ લંબાવી શકાય તેમ છે તેવા ઈરાદા સાથે આ અરજી આપે છે.
આમ, આરોપીઓ ફરાર હોવા છતાં તેમના વકીલના સંપર્કમાં છે અને તેઓ કેસ પર વૉચ રાખીને કેસ લંબાવવા માટે વૉરન્ટની બજવણી ટાળી, ન્યાયથી ફરાર રહી ઈન્સાફી કાર્યવાહીમાં કાંકરા ફેકવાના કીમિયા અજમાવી રહ્યાં છે.
તેમને કૉર્ટમાં હાજર રહેવાના બદલે કેસ લંબાવવા માટે સલાહ સૂચન મળેલાં હોવાનું જણાય છે, જે કદી ઈચ્છનીય ગણી શકાય નહીં. આ કેસમાં સરકાર તરફે એડવોકેટ ડી.એસ. જાડેજાએ દલીલો કરી હતી.
Share it on
|