|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ છેલ્લાં ત્રણ અઠવાડિયાથી કચ્છની પાંચ નગરપાલિકામાં ચૂંટાયેલા ભાજપના નગરસેવકો જેની કાગડોળે રાહ જોતાં હતા તે પાલિકાના પદાધિકારીઓની પસંદગી-વરણીનો આજે અંત આવી ગયો છે. પ્રદેશ કક્ષાએ લેવાયેલા સેન્સ, જિલ્લા સંગઠનના મોવડીઓના અભિપ્રાય અને અંદરખાને કરાયેલા લોબીઈંગના અંતે આજે પાંચે નગરપાલિકાના પ્રમુખ, ઉપ પ્રમુખ, કારોબારી ચેરમેન સહિતના પદાધિકારીઓની વિધિવત્ નિમણૂક જાહેર કરાઈ છે. આ નિમણૂકો અઢી વર્ષની અડધી ટર્મ માટે કરાઈ છે. ક્યાંક મજબૂત ગણાતાં દાવેદારોના નામ કટ થઈ જતાં આંતરિક કચવાટ ફેલાયો છે. તો, જેની વરણી થઈ છે તેમનો હરખ સમાતો નથી.
ભુજ નગરપાલિકા
ભુજ નગરપાલિકાના પ્રમુખ તરીકે શીતલભાઈ શાહ, ઉપ પ્રમુખ તરીકે બિંદીયાબેન ઠક્કર, કારોબારી ચેરમેન તરીકે કમલ ગઢવી, શાસક પક્ષના નેતા તરીકે ધર્મેશ ગોર અને દંડક તરીકે રૂપલબેન ચાવડાની વરણી કરાઈ છે. નગર પાલિકાના પ્રમુખની બેઠક જનરલ હોઈ ચારથી પાંચ મજબૂત દાવેદારના નામ ચર્ચાતાં હતા. જો કે, નામો જાહેર થતાં અમુક વૉર્ડના ઉમેદવારોને જ પ્રાધાન્ય મળ્યું હોવાનો આંતરિક કચવાટ પણ જોવા મળી રહ્યો છે.
અંજાર નગરપાલિકા
અંજાર નગરપાલિકાના પ્રમુખ તરીકે ધર્મિષ્ઠાબેન ખાંડેકા, ઉપ પ્રમુખ તરીકે પરેશ માલસત્તર, કારોબારી ચેરમેન તરીકે પ્રકાશ લોદરીયા, શાસક પક્ષના નેતા તરીકે આશિષ ઉદવાણી અને દંડક તરીકે ગિરીશ પરમારની વરણી કરાઈ છે. પ્રમુખ પદ ઓબીસી મહિલા માટે અનામત હતું.
મુંદરા નગરપાલિકા
મુંદરા નગરપાલિકાના પ્રમુખ તરીકે ભોજરાજ ગઢવી, ઉપ પ્રમુખ તરીકે આશાબેન સોરઠીયા, કારોબારી ચેરમેન તરીકે ધર્મેન્દ્રસિંહ ઝાલા, શાસક પક્ષના નેતા તરીકે દિલીપ ગોર અને દંડક તરીકે પ્રકાશભાઈ ઠક્કરની વરણી કરાઈ છે.
માંડવી નગરપાલિકા
માંડવી નગરપાલિકાના પ્રમુખ તરીકે વર્ષાબેન જોષી, ઉપ પ્રમુખ તરીકે મુકેશ રાબડીયા, કારોબારી ચેરમેન તરીકે વિજય ગઢવી, શાસક પક્ષના નેતા તરીકે વિજય ચૌહાણ અને દંડક તરીકે જીગર ધાયાણીની વરણી કરાઈ છે. પ્રમુખની સીટ મહિલા માટે અનામત હતી. ઉલ્લેખનીય છે કે નગરપાલિકાની તમામ ૩૬ બેઠક પર ભાજપે પ્રભુત્વસભર વિજય મેળવીને કોંગ્રેસના સૂપડાં સાફ કરી દીધા હતા.
નખત્રાણા નગરપાલિકા
નવરચિત નખત્રાણા નગરપાલિકાના પહેલા પ્રમુખ તરીકે વસંત વાઘેલાની વરણી કરાઈ છે. ઉપ પ્રમુખ તરીકે દમયંતીબેન ડાયાલાલ સેંઘાણી, કારોબારી ચેરમેન તરીકે ચંદનસિંહ આર. રાઠોડ, શાસક પક્ષના નેતા તરીકે સવિતાબેન દરજી અને દંડક તરીકે જાગૃતિબેન ઠક્કરની વરણી કરાઈ છે.
સ્ત્રી અનામતની વાતો કરતા ભાજપે પ્રત્યેક નગરપાલિકાના પાંચ પાંચ હોદ્દેદારો પૈકી નખત્રાણા નગરપાલિકામાં ત્રણ મહિલા અને ભુજમાં બે મહિલાની વરણી કરી છે. અંજાર, મુંદરા, માંડવીમાં પાંચમાંથી ચાર-ચાર હોદ્દા પુરુષોને ફાળવાયાં છે.
Share it on
|